Posted by : Harsh Meswania Sunday 1 December 2019


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા


ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા ક્યા નિયમોના આધારે મળતી હતી? કેન્દ્ર સરકારે એસપીજીમાં શું સુધારા કરવા ઈચ્છે છે? પહેલાં આ સ્પેશિયલ યુનિટના નિયમો કેવાં હતાં?


૧૯૮૧નું વર્ષ હતું. વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા વધારે મજબૂત બનાવવાની જરૂરિયાત જણાતી હતી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ સ્પેશિયલ ફોર્સ બનાવવાનો પ્રસ્તાવ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સમક્ષ મૂક્યો. ૧૯૮૦ સુધી વડાપ્રધાનોની સુરક્ષા દિલ્હી પોલીસ જ કરતી હતી. ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસનું એક વિશેષ યુનિટ બન્યું હતું, જે વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા સંભાળતું હતું. ૧૯૮૧માં આઈબીના પ્રસ્તાવ પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની રચના થઈ. આ નવા યુનિટે વડાપ્રધાનની સુરક્ષા સંભાળવાનું શરૂ કર્યું.

૧૯૮૪માં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. એ પછી ફરીથી વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનની સુરક્ષાને લઈને ચર્ચા થઈ. સાંસદોએ અલગથી ટીમ બનાવવાની માગણી કરી. ગૃહ મંત્રાલયે ૧૯૮૫માં બિરબલનાથ કમિટીની રચના કરી અને વિગતવાર અહેવાલ આપવાનો નિર્દેશ કર્યો. કમિટીએ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ રચવાની ભલામણ કરી. ભલામણને કેબિનેટની મંજૂરી મળી એટલે રાષ્ટ્રપતિએ ૮૧૯ તાલીમબદ્ધ જવાનોનું સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (એસપીયુ) બનાવ્યું. કેબિનેટ સેક્રેટરીને આ યુનિટની રખેવાળી સોંપી.

શરૂઆતમાં ૧૯૮૫થી ૧૯૮૮ સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે આ વિશેષ ગ્રુપને વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી. વડાપ્રધાન ડોમેસ્ટિક ટૂરમાં હોય તો સ્થાનિક રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષા એજન્સીઓની પણ જવાબદારી રહેતી. સ્પેશિયલ યુનિટને વિશેષ પાવર આપતી ગાઈડલાઈન તૈયાર થઈ.

એજ અરસામાં સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનું નવું નામકરણ થયું; 'સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ' - એસપીજી.
                                                                             ***
નવા રચાયેલા એસપીજીએ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સુરક્ષાની જવાબદારી સંભાળીને સર્વિસની શરૂઆત કરી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ વારંવાર રાજીવ ગાંધી ઉપર હુમલાની ભીતિ વ્યક્ત કરી હતી એટલે એસપીજી સામે વધારે પડકાર ખડો થયો હતો. રાજીવ ગાંધી વડાપ્રધાનપદે ન રહ્યા એ પછી પણ તેમના પર હુમલાની દહેશત વ્યક્ત થતી હતી. ધમકીઓ મળતી હતી, પરંતુ એસપીજીએ પૂર્વ વડાપ્રધાનને સુરક્ષા આપવાની જોગવાઈ ન હોવાથી એ દિશામાં વિચાર્યું નહીં. રાજીવ ગાંધીને મળેલું એસપીજીનું કવર ૧૯૮૯માં હટી ગયું.

૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ પછી સંસદગૃહમાં એ મુદ્દો ઉઠ્યો. જો એસપીજીનું કવર હોત તો હુમલાખોરો રાજીવ ગાંધી સુધી પહોંચ્યા ન હોત એવી દલીલ થઈ. સરકારે એસપીજી એક્ટ પસાર કરીને ગ્રુપને વધારે પાવર આપ્યો, વધારે બજેટ ફાળવ્યું અને સંખ્યાબળ પણ વધાર્યું.

રાજીવ ગાંધીની હત્યા થઈ તે સંદર્ભમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના નજીકના પરિવારને એસપીજીના જવાનો જ સુરક્ષા આપે એવી જોગવાઈ પણ એ સુધારા વખતે કરવામાં આવી. ૧૯૯૪, ૧૯૯૯ અને ૨૦૦૩માં પણ એમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની સુરક્ષાને લગતાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને ૧૦ વર્ષ સુધી એસપીજી કવચ મળે એવી જોગવાઈ હતી. પછી તો એ સમયગાળો વધ્યો. એ જોગવાઈના ભાગરૂપે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને એસપીજીનું સુરક્ષાકવચ મળતું હતું. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી ગાંધી પરિવારની સુરક્ષાનો સંવેદનશીલ મુદ્દો ધ્યાનમાં રાખીને તેમનું એસપીજી કવચ યથાવત રાખવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના પરિવારને પણ એસપીજી સુરક્ષાકવચ મળતું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં તેમને ઝેડ પ્લસ સુરક્ષા સરકારે આપી હતી.

ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા તો થોડા સમય પહેલાં જ હટાવી દેવામાં આવી હતી. તેના બદલે ગૃહ મંત્રાલયે તેમને નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી) દ્વારા મળતી ઝેડ પ્લસ સુરક્ષા આપવાની જાહેરાત કરી હતી. ઝેડ પ્લસ સુરક્ષામાં ફરક એ પડી જાય કે તેમાં એનએસજીના ૧૦ કમાન્ડો હોય છે, ૪૫ પોલીસ જવાનો કે સીઆરપીએફના જવાનો એ સુરક્ષાગ્રુપમાં સામેલ કરવામાં આવે છે. એની તુલનામાં એસપીજી ઘણું સ્ટ્રોંગ સુરક્ષાકવચ છે.

કાયદામાં સુધારો કરીને સરકારે માત્ર વડાપ્રધાનની સુરક્ષા જ એસપીજીને સોંપી છે. વડાપ્રધાનપદેથી હટ્યા પછી માત્ર વડાપ્રધાનને પાંચ વર્ષ માટે એસપીજીની સુરક્ષા મળશે. એનો અર્થ એ કે એસપીજી બિલમાં સંશોધન પછી હવે માત્ર વડાપ્રધાન મોદીને જ આ સુરક્ષાકવચ મળશે. મનમોહન સિંહ મે-૨૦૧૪ સુધી વડાપ્રધાન હતા તે હિસાબે પૂર્વ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ કરતા વધુ સમયગાળો વીતી ચૂક્યો હોવાથી તેમનું એસપીજી સુરક્ષાકવચ સપ્ટેમ્બરમાં જ હટાવી દેવાયું છે.

પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની એસપીજી સુરક્ષા હટાવવા પાછળ એનડીએ સરકારની દલીલ એવી છે કે એસપીજીનું ગઠન માત્ર વડાપ્રધાનોની સુરક્ષા માટે જ થયું હતું. દેશ પાસે એવી સુરક્ષા એજન્સીઓ છે જ કે જે પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારને સુરક્ષા આપી શકે તેમ છે. જો એસપીજીનું ધ્યેય સ્પષ્ટ કરવામાં આવે તો વડાપ્રધાનને વધારે સારી સુરક્ષા આપવાનો ઉદેશ્ય પૂરો થશે. એનાથી એસપીજી વધારે પ્રભાવી બનશે. ગૃહમંત્રીએ સંકેત આપ્યો હતો એ પ્રમાણે હવે કદાચ એસપીજીને વધારે આધુનિક બનાવીને તેનું બજેટ પણ વધારાશે.
વેલ, અત્યારે એસપીજીનું બજેટ કેટલું છે? આજની તારીખે આ સુરક્ષાકવચ કેટલું પ્રભાવી છે?
                                                                   ***
આ સ્પેશિયલ ગ્રુપ પાછળ સરકાર ૫૩૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે. અત્યારે આ ગ્રુપમાં ૪૦૦૦ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કાર્યરત છે. એસપીજીની ટીમ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. સ્નાઈપર્સ, બોમ્બ ડિએક્ટિવની તાલીમ પામેલા અધિકારીઓ સુરક્ષા વખતે પડછાયાની જેમ સાથે રહે છે. નાઈટ વિઝનના ચશ્માથી લઈને ખાસ પ્રકારની રાઈફલ્સથી આ કમાન્ડોને સજ્જ રાખવામાં આવે છે. એસપીજીના કાફલામાં બીએમડબલ્યુ-૭ સીરિઝની ગાડીઓ, રેન્જ રોવર્સ, મર્સિડિસ, ટોયોટા જેવી આધુનિક કારનો સમાવેશ થાય છે.

નવી જોગવાઈ પછી ફરક એ પડશે કે હવે એસપીજીના ૪૦૦૦ જેટલાં તાલીમબદ્ધ જવાનોની એક માત્ર જવાબદારી હશે - વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા. અગાઉ પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારોને પણ સુરક્ષાકવચ આપવાનું હતું એટલે જવાબદારી વિભાજિત થતી હતી. હવે આ ગ્રુપ પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી જ રહેશે.

વેલ વેલ, આટલું બજેટ અને આટલાં આધુનિક ઉપકરણો પછી પણ સરકારને લાગે છે કે એસપીજીને વધારે પ્રભાવી બનાવવાની જરૂર છે, તો એ સરકાર છે, ધારે તે કરી શકે છે! આપ ઔર હમ હોતે કૌન હૈ બિચ મેં બોલને વાલે?
                                                                        ***

રાજ્યસભા-લોકસભામાં માર્શલની શું ભૂમિકા હોય છે?

રાજ્યસભા-લોકસભામાં માર્શલના બદલાયેલા યુનિફોર્મ મુદ્દે વિરોધ થયો. લશ્કરના પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ પણ નૌકાદળના અધિકારીઓના ડ્રેસ જેવાં લાગતા એ પોશાકનો વિરોધ કર્યો. લશ્કરની ઓળખ જેવો યુનિફોર્મ માર્શલને આપવો ન જોઈએ એવી સાંસદોની રજૂઆત પછી આખરે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ યુનિફોર્મની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો.

સંસદના ૨૫૦મા સત્રમાં માર્શલનો યુનિફોર્મ બદલવામાં આવ્યો હતો. ઓલિવ ગ્રીન રંગની બંધ ગળાની સફારી અને સૈન્ય અધિકારીના યુનિફોર્મમાં હોય એવી પિંક પટ્ટીવાળી કેપનો યુનિફોર્મ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન સાથે વિચાર-વિમર્શ પછી સચિવાલયની સમિતિએ ફાઈનલ કર્યો હતો. અગાઉ આ માર્શલ પરંપરાગત સફેદ પોશાક પહેરતા હતા અને માથે સાફો ધારણ કરતા હતા.

નવેસરથી રીવ્યૂના આદેશ પછી માર્શલનો યુનિફોર્મ ફરીથી બદલાયો હતો. વિવાદ પછી સપ્તાહની શરૂઆતમાં માર્શલ બંધ ગળાના જોધપુરી  સૂટમાં જોવા મળ્યા હતા. સંસદગૃહના રેકોર્ડ પ્રમાણે ૧૯૫૦માં માર્શલના યુનિફોર્મનો નિયમ બનાવાયો હતો અને તે પછી એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ડ્રેસકોડ બદલવાની માગણી માર્શલોએ કરી હતી. માગણી સ્વીકારીને યુનિફોર્મ ચેન્જ કરાયો હતો.

લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિની મદદમાં, સુરક્ષામાં તૈનાત માર્શલ પાર્લામેન્ટ સિક્યુરિટી સર્વિસનો ભાગ છે. આર્ટિકલ ૯૮ની જોગવાઈ પ્રમાણે સંસદગૃહને અલગથી સ્ટાફ ફાળવવામાં આવે છે. તેના ભાગરૂપે જ આ માર્શલ્સ ગૃહના સભાપતિની સુરક્ષા સંભાળે છે.

સભાપતિની ડાબી તરફ માર્શલ હોય છે અને જમણી તરફ મદદનીશ માર્શલ સેવા આપે છે. કોની જગ્યાં ક્યાં હોય છે એ પણ નિયમ પ્રમાણે નક્કી જ હોય છે. સભાપતિ જ્યાં સુધી સંસદના પરિસરમાં હોય ત્યાં સુધી તેમની સુરક્ષા, મદદની જવાબદારી માર્શલના શિરે હોય છે. સંસદના બંને ગૃહોના સુરક્ષા અધિકારીઓને સંસદ પરિસરની જરૂરિયાત મુજબ વિશેષ તાલીમ આપવામાં આવે છે, પરંતુ માર્શલને તો એનાથી ય અલગ અને ખાસ ટ્રેનિંગ મળે છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે સભાપતિના આદેશ પ્રમાણે ગૃહમાં ધમાલ મચાવતા સભ્યોને બહાર કાઢવાનું કામ આ માર્શલ કરે છે, પરંતુ એ સિવાયના ઘણાં કાર્યો માર્શલને કરવાના હોય છે. સભ્યોને બહાર લઈ જવાનું કામ તો વોર્ડ અધિકારીઓને પણ સોંપવામાં આવે છે. ધાંધલ-ધમાલ વખતે કોઈ સભ્ય સ્પીકર સુધી ન પહોંચે તે માર્શલે જોવાનું હોય છે.

માર્શલ પાસે સંસદીય પ્રક્રિયાને લગતું જ્ઞાન હોવું અનિવાર્ય છે. સંસદમાં ઉગ્ર ચર્ચા થાય ત્યારે કે વચ્ચે બીજા સભ્યો બોલવાની પરવાનગી માગે ત્યારે માર્શલના આ જ્ઞાનની પણ કસોટી થાય છે. સંસદગૃહમાં રખાયેલા ચિત્રોની સંભાળ પણ માર્શલના કાર્યક્ષેત્રમાં આવે છે. સભાપતિ સુધી પહોંચતા ચા-કોફી પણ માર્શલની નિગરાનીમાંથી જ પસાર થાય છે. બીજી રીતે કહીએ તો સ્પીકર અને સભાપતિ સંસદ પરિસરમાં હોય ત્યારે તેમની સંપૂર્ણ જવાબદારી માર્શલની હોય છે. બંને માર્શલને ખરા અર્થમાં સભાપતિના બંને હાથ બનીને સંસદગૃહમાં કામગીરી કરવાની તાલીમ મળે છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -