Archive for August 2013

સાઉન્ડ સિસ્ટમના બોસ : અમરગોપાલ બોઝ



વિશ્વને અદ્ભુત સાઉન્ડ સિસ્ટમની ભેટ આપનારા સાઉન્ડ ઇજનેર અને ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગ સાહસિક અમરગોપાલ બોઝનું થોડા દિવસો પહેલાં ૮૩ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું. તેમની ગણના દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં થતી હતી. આ મહાન સંશોધક, પ્રોફેસર અને બિઝનેસમેન વિશે થોડી જાણી-અજાણી વાતો
* અમરગોપાલના પિતા નોનીગોપાલ બોઝ ભારતના સ્વતંત્ર સેનાની હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

* તેમણે બ્રિટિશ શાસનની નીતિ-રીતિથી ત્રાસીને ૧૯૨૦માં અમેરિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમણે અમેરિકા જઈને એક સ્કૂલ અધ્યાપિકા ચાર્લોટે સાથે લગ્ન કર્યાં હતાં. ભારતીય પિતા અને અમેરિકન માતાને ત્યાં ૨ નવેમ્બર, ૧૯૨૯ના રોજ ફિલાડેલ્ફિયામાં અમરનો જન્મ થયો હતો.

* રમકડાં સાથે રમવાની ઉંમરે અમર બોઝને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે રમત કરવી ગમતી હતી. રેડિયોના એ યુગમાં તેમણે ૧૩ વર્ષની વયે પાર્ટ ટાઇમ રેડિયો રિપેરિંગનું કામ પણ શરૂ કર્યું હતું, તેમાં તેમણે ટૂંકા ગાળામાં મહારત હાંસલ કરી લીધી હતી.

* વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી) માંથી તેઓ ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણ્યા. સાથે સાથે સાઉન્ડ એન્જિનિયરિંગમાં પણ નિપુણતા મેળવી લીધી. આ જ ઇન્સ્ટિટયૂૂટમાં તેમણે પીએચડી પણ કર્યું અને જ્યાં ભણ્યા હતા ત્યાં ભણાવવાનું પણ શરૂ કર્યું. તેમણે આ જગવિખ્યાત સંસ્થામાં ૪૫ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સાઉન્ડ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણાવ્યા.

* તેમને ઇલેક્ટ્રિક ઉપકરણોની સાથે સાથે મ્યુઝિકમાં પણ એટલો જ રસ પડતો હતો. તેમણે એ વાત નોંધી કે બજારમાં મળતી બધી સાઉન્ડ સિસ્ટમથી અમેરિકન્સ કંટાળ્યા છે, કારણ કે પૂરતા પૈસા ખર્ચવા છતાં બજારમાં સાઉન્ડ સિસ્ટમનો યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ નથી એટલે ૧૯૬૪માં બોઝ કોર્પોરેશન નામની કંપનીના નેજા હેઠળ સાઉન્ડ સિસ્ટમ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું.

* પછી તો આ કંપની સાઉન્ડ સિસ્ટમનો પર્યાય બની ગઈ. ફોર્બ્સ જેવા પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિને વિશ્વના ધનાઢય લોકોમાં ઘણી વખત અમરગોપાલ બોઝનો સમાવેશ કર્યો હતો.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 3 August 2013
Posted by Harsh Meswania

પેનિસિલીનની શોધ કોણે કરી?

પેનિસિલીનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
19મી સદીમાં જર્મન વિજ્ઞાની રોબર્ટ કોચે તારણ આપ્યું કે બેક્ટેરિયા બિમારી ફેલાવવા માટે કારણભૂત છે ત્યારથી એ દિશામાં સંશોધનો થવા લાગ્યા હતા. સ્વચ્છતાને પણ ત્યારથી તંદુરસ્તી સાથે જોડવામાં આવી હતી.
દુનિયામાં મોટાભાગની માંદગી બેક્ટેરિયાને કારણે થાય છે અને બેક્ટેરિયા એકકોષી સજીવ છે. બેક્ટેરિયા એટલા તો સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાઈ નહીં, માત્ર માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે એટલે તેનો નાશ કરવા પણ ખાસ ટેકનિક વિકસાવવી પડે તેમ હતી. એ ટેકનિક જોકે અનાયાસે વિકસી હતી.
દુનિયામાં ઘણી બધી શોધો અકસ્માતે જ થઈ છે, તેમ બેક્ટેરિયાને નાશ કરનાર તત્ત્વ પેનિસિલીનની શોધ પણ અકસ્માતે જ થઈ હતી.

સ્કોટલેન્ડમાં જન્મેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વિજ્ઞાનીએ અકસ્માતે જ એવી શોધ કરી હતી કે જેના વડે બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે. બેક્ટેરિયાને મારી શકે એવું તત્ત્વ તેમને છોડમાંથી મળી આવ્યું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી જાતજાતના પ્રયોગો કર્યા હતા. આખરે લગભગ ૧૦ વર્ષની જહેમત બાદ તેમણે એ તત્ત્વ મળી આવ્યું અને એ રીતે પેનિસિલીનનો આવિસ્કાર થયો હતો.

પેનિસિલીનની શોધ માનવજાત માટે ઉપયોગી સાબિત થઈ પડી હતી. અનેક એવા રોગો હતા કે જે સામાન્ય દવાથી મટતા ન હતા. જ્યાં સુધી બેક્ટેરિયાનો નાશ ન થાય ત્યાં સુધી રોગના મૂળ સુધી પહોંચી શકાય તેમ નહોતું.
એ સમયે બેક્ટેરિયા દ્વારા ફેલાતી માંદગીને કારણે મૃત્યુનો દર ઊંચો જતો હતો અને બેક્ટેરિયાના મૂળ સુધી પહોંચીને ખતમ કરે એવા તત્ત્વની વિશ્વને તાતી જરૃર હતી.  બરાબર એ જ સમયગાળામાં પેનિસિલીનની શોધ થઈ અને માનવજાતની સુખાકારીમાં પેનિસિલીનનો મોટો ફાળો નોંધાયો.
આ મહત્ત્વપૂર્ણ શોધ માટે એલેક્ઝાન્ડર ફલેમિંગને 1945માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. 6 ઓગસ્ટ, 1881માં જન્મેલા ફ્લેમિંગનું 73 વર્ષની વયે હાર્ટએટેકથી 1955માં લંડનમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને છેક સુધી અલગ અલગ વિષયો પર સંશોધનાત્મક વિભિન્ન સાયન્સ જર્નલ્સમાં લખતા રહેતા હતા. તેમણે પેનિસિલીન ઉપરાંત પણ બીજી ઘણી નાની-મોટી શોધો કરી હતી, જેના માટે નોબેલ ઉપરાંત પણ તેમના વિશ્વભરના અઢળક પુરસ્કારો મળ્યાં હતાં.
લંડનમાં ફ્લેમિંગના સન્માનમાં ફ્લેમિંગ મ્યુઝિયમ નામથી સાયન્સ મ્યુઝિયમ બનાવાયું છે, જે હવે લંડનના મુખ્ય આકર્ષણ પૈકીનું એક મનાય છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -