Posted by : Harsh Meswania Friday 25 February 2022

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તે સાથે જ દુનિયામાં મહાયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. નાટોના ૩૦ સભ્યદેશો એમાં જોડાશે એ પછી રશિયાની તરફેણના દેશો પણ સામેલ થઈ શકે છે, ભલે સીધી રીતે ભારત યુદ્ધમાં ન જોડાય છતાં સંરક્ષણ અને આર્થિક બાબતોમાં અસર પડયા વગર રહેશે નહીં


યુદ્ધસ્ય કથાઃ રમ્યાઃ. કહે છે, યુદ્ધની કથાઓ રમ્ય-મનોહર હોય છે, પરંતુ યુદ્ધ સ્વયં ક્યારેય મનોહર હોતું નથી. યુદ્ધ કાયમ ખુવારી લઈને જ આવે છે. કોઈપણ યુદ્ધ તેની અસર છોડયા વગર જતું નથી. એવી જ અસર હવે દુનિયાએ ભોગવવાની આવી છે.

અમેરિકાની વારંવારની ચેતવણીઓને અવગણીને આખરે રશિયાએ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી કરી દીધી છે. યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટ થયાના દાવા વચ્ચે નાટો સંગઠન સક્રિય બન્યું છે. યુક્રેનના સમર્થનમાં આવવાની અગાઉથી જાહેરાત કરનારા નાટોનું સૈન્ય મેદાનમાં ઉતર્યું કે તરત આ જંગ યુક્રેન-રશિયાનો રહેશે નહીં, અમેરિકા-રશિયાનો જંગ બની જશે. આવી સ્થિતિમાં દુનિયાભરમાં વત્તા-ઓછા અંશે તેની અસર પડવાની શક્યતા છે અને એમાં ભારત પણ બાકાત રહેશે નહીં.

ભારતે વધુ એક વખત નેહરુની બિનજોડાણવાદની નીતિ અપનાવ્યે છૂટકો છે. કારણ કે ભારતને રશિયા અને અમેરિકા બંને સાથે ખૂબ જ સુમેળભર્યા સંબંધો છે. રશિયા સાથે આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે ભારત છેલ્લા ૬૦ વર્ષથી કરાર કરતું આવ્યું છે. તો અમેરિકા સાથેના સંરક્ષણ સંબંધો છેલ્લાં દોઢ-બે દશકાથી વધ્યા છે. અમેરિકા-ભારતના સંબંધો પણ આર્થિક, સંરક્ષણ જેવા મહત્વનાં ક્ષેત્રમાં મજબૂત છે. જો ભારત સ્પષ્ટ રીતે કોઈ એક દેશનું સમર્થન કરવાની ભૂલ કરે તો લાંબાંગાળે તમામ ક્ષેત્રમાં તેની અસર થયા વગર ન રહે. અમેરિકા ભલે જગત જમાદાર છે, પરંતુ આપણે તો રશિયા વગર પણ ચાલે તેમ નથી. ભારતના ઘણા સંરક્ષણ પ્રોજેક્ટ રશિયાના સહયોગથી ચાલે છે. અમેરિકા જ્યારે ભારતને અમુક સંરક્ષણ સામગ્રી આપતું ન હતું ત્યારે રશિયાએ આપવાની પહેલ કરી હતી. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ પણ રશિયાએ આપી છે.

ભારતની સરકાર આ મુદ્દે બિનજોડાણવાદની નીતિ અપનાવીને તટસ્થ રહેશે તો ય અમેરિકા અને યુરોપિયન સંઘના દબાણથી બચવાનું કામ કૂનેહથી કરવું પડશે. ભારત જેવા જે મહત્વના દેશો છે તેમનો સીધો નહીં તો આડકતરો ટેકો લઈને અમેરિકા રશિયા ઉપર હાથ ઉપર રાખવાની પેરવી કરશે. અમેરિકા વધુ એક વખત એ સિદ્ધ કરવાની કોશિશ કરશે કે આજેય અમેરિકાના સમર્થનમાં દુનિયાભરના દેશો ઉભા રહ્યા છે. એવું કરવા માટે અમેરિકા ભારત જેવા તટસ્થ દેશોને એમ તો નહીં કહે કે તમે ય સૈન્ય મોકલો, પરંતુ બીજી રીતે દબાણ લઈ આવશે. રશિયાની આક્રમકતાને ઓછી કરવા માટે પાઠ ભણાવવો જરૂરી છે અને એના માટે પ્રતિબંધો મૂકવા જરૂરી છે - એવી દલીલ કરીને અમેરિકા પ્રતિબંધો મૂકશે.

અમેરિકાના નેતૃત્વમાં નાટોને દેશો રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લાગુ પાડશે. તે અંતર્ગત રશિયા સાથે સંરક્ષણ અને આર્થિક સોદા અટવાઈ પડશે. રશિયામાંથી આયાત ઓછી કરીને તેને આર્થિક ફટકો પાડવાનું અમેરિકાનું પહેલું લક્ષ્ય છે. એવું કરવા માટે ભારત ઉપર વહેલા મોડું દબાણ આવશે. દોસ્તીની દુહાઈ આપીને અમેરિકા-બ્રિટન-યુરોપિયન સંઘ ભારત સમક્ષ રશિયા ઉપર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરશે.

એમાં સૌથી પહેલા હશે સંરક્ષણ સોદો. આમેય ભારત-રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સોદો થયો તે અમેરિકાને ક્યાયનો ખટકે છે. અત્યારે તો જેમ તેમ કરીને ભારતે અમેરિકાને એસ-૪૦૦ની જરૂરિયાત વિશે સમજાવીને વાત ટાળી હતી, પરંતુ અમેરિકા તેનું મહત્વ સાબિત કરવા વચ્ચે વચ્ચે દાણો દબાવી જાણે છે. થોડા મહિના પહેલાં જ્યારે ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું ઈન્સ્ટોલેશન શરૂ કર્યું ત્યારે અમેરિકાનું નિવેદન આવ્યું હતું કે હજુ અમેરિકન સરકારે ભારત સામે આ સોદા બદલ પ્રતિબંધ મૂકવાનું સાવ માંડી વાળ્યું નથી. એ અંગે વિચારણા ચાલે છે.

હવે જ્યારે યુક્રેન-રશિયા વચ્ચે સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે ત્યારે ભારત ઉપર વધુ એક વખત દબાણ થશે. ઈરાન-અમેરિકા વચ્ચે સંબંધો તંગ બન્યા અને ઈરાને ન્યૂક્લિયર બનાવવા માટે બેફામ યુરેનિયમનો જથ્થો સંગ્રહ કરવા માંડયો ત્યાર અમેરિકાએ ભારત ઉપર દબાણ કર્યું હતું કે ભારતની સરકાર ઈરાન પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરી દે. ભારતે એ દબાણમાં આવીને થોડી બ્રેક પણ લગાવી હતી. અદ્લ એ જ તર્જ ઉપર અમેરિકા ભારતને દબાણ કરશે કે રશિયા ઉપર પ્રતિબંધો લાગુ કરો. ભારત એવું કરે તો એમાં રશિયાને તો નુકસાન ખરું જ, પરંતુ ભારતને પણ ફટકો પડયા વગર ન રહે.

ભારત-રશિયાના ડિફેન્સ સોદાઓમાં લાંબાંગાળાની અસરો પડે. ઘણાં કરારો ઘોંચમાં પડી જાય. રશિયા-યુક્રેનની કટોકટીના પગલે રશિયા ઉપર પ્રતિબંધ મૂકાવવાનું શરૂ થશે કે તરત જ ખનિજતેલના ભાવ એકાએક વધી જશે. તેની સીધી અસર ભારતને થશે. ભારત દુનિયાનો ત્રીજા નંબરનો ખનિજતેલ આયાત કરનારો દેશ છે. ભારતમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયે પહોંચી ચૂક્યું છે ત્યારે હવે જો ક્રૂડના બેરલના ભાવ વધે તો ભાવવધારો કાબૂ બહાર પહોંચી જાય. પેટ્રોલિયમના ભાવ વધે તે સાથે જ ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ઔર મોંઘું થાય. એની સાથે સાથે અનાજ કરિયાણું પણ મોંઘું થાય. ટ્રાન્સપોર્ટેશન સાથે જેને સીધો સંબંધ છે એવી શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં થોડો વધારે ભાવવધારો ઝીંકાશે.

રાહત એ વાતે છે કે ભારત એ સિવાયની ચીજવસ્તુઓ રશિયાથી આયાત નથી કરતું. ભારત-રશિયા વચ્ચે નિયમિત આયાત-નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. ભારતના એક્સપોર્ટમાં રશિયાની હિસ્સેદારી માત્ર ૦.૮ ટકા છે. તો ભારતના ઈમ્પોર્ટમાં પણ રશિયાની હિસ્સેદારી ૧.૫ ટકાથી વધારે નથી. ૨૦૨૦-૨૧માં ભારતે રશિયાને ૨.૬ અબજ ડોલરની નિકાસ કરી હતી અને ૫.૫ અબજ ડોલરની આયાત કરી હતી. તેના કારણે ચીજવસ્તુઓની અછતનો મુદ્દો સર્જાય એવી શક્યતા બહુ જ ઓછી છે.

પરંતુ હા, ભારતને અમેરિકા-યુરોપિયન દેશો સાથે મોટાપાયે આર્થિક વહેવારો છે. જો અમેરિકા અને યુરોપિયન સંઘ ભારત ઉપર એમ દબાણ લાવે કે રશિયા સાથે સંબંધો કાપી નાખો નહીંતર યુરોપ-અમેરિકા સાથેના સંબંધો ઉપર આયાત-નિકાસમાં અસર થશે તો ભારતને મુશ્કેલીમાં મૂકાવું પડે. એમ ન થાય તો ય ભારતમાં આ યુદ્ધની અસર પડયા વગર ન રહે. આ યુદ્ધથી યુરોપમાં આર્થિક-રાજકીય કટોકટી સર્જાય તો તેની સીધી અસર ભારતના આયાત-નિકાસ પર પડશે.

અમેરિકા-રશિયાના ઘર્ષણથી ચીનને ફાયદો

 
કોરોના મહામારી પછી દુનિયાભરમાં ચીન વિલન બની ગયું હતું. દુનિયાભર આખી ચીનની અવળચંડાઈ સામે અમેરિકાના સમર્થનમાં દેખાતી હતી. ચીન-અમેરિકાની ટ્રેડવોરથી ચીનની સરકારી કંપનીઓને મોટો ફટકો પડયો હતો. ચીને ઘણું માર્કેટ ગુમાવવું પડયું હતું. પરંતુ હવે દુનિયાને (ખાસ તો અમેરિકા અને નાટોને) રશિયા નામનો નવો વિલન મળી ગયો છે. ચીન આ ઘર્ષણનો લાભ લઈને આર્થિક પગપેસારો વધારશે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ઉઈઘુર મુસ્લિમો, વેપારમાં અસમાનતા, દક્ષિણ ચીની સમુદ્ર, માનવ અધિકારો જેવા મુદ્દે ચીનને ઘેરવાની અમેરિકાની નીતિ હતી, પરંતુ હવે રશિયા કેન્દ્ર સ્થાને આવી ગયું હોવાથી ચીન આ બંને દેશોની લડાઈમાં ચુપચાપ પોતાની શક્તિ-સામર્થ્ય વધારવામાં પડી ગયું છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -