Posted by : Harsh Meswania Sunday 29 September 2013


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
સ્થળ : નેધરલેન્ડનું હેગ શહેર
તારીખ : ૧૮ મે, ૧૮૯૯
પ્રસંગ : વિશ્વની સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ
હાજરી : ગ્રેટ બ્રિટેન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, હંગેરી, જર્મની, ફ્રાંસ, ઈટાલી, સ્પેન, જાપાન અને ચીનના પ્રતિનિધિઓ.


રશિયન રાજા નિકોલસ દ્વિતીયના જન્મદિન પર વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રોના પ્રતિનિધિઓનું એક સંમેલન યોજાયું છે. જેમાં યુદ્ધ સામે સતત ઝઝુમતા વિશ્વમાં શાંતિ સ્થાપવાની પહેલ કરવામાં આવી રહી છે. છાશવારે થતાં યુદ્ધો બને ત્યાં સુધી અટકી શકે તો અટકાવવા અથવા મોટા પાયે જાનહાની ન થાય તેની તકેદારી રાખવાના પુરતા પ્રયાસો કરવા સૌ સહમત થઈ રહ્યાં છે. ખાસ કરીને આવા યુદ્ધોમાં નિર્દોષ નાગરિકોની સલામતી જોખમાતી હોવાથી રાસાયણિક હુમલો ન કરવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. છ જેટલા મહત્વના નિર્ણયો પર લગભગ બધા શક્તિશાળી રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સહમત થવા લાગ્યા છે. એક માત્ર અમેરિકાએ અગત્યની બે સંધી પર સહમતી ન બતાવી, એમાં એક રાસાયણિક હુમલા અંગેની અસહમતી પણ હતી. હાજર રહેલા તમામ દેશો પૈકી એક માત્ર અમેરિકાએ કેમિકલ હુમલાઓની તરફેણ કરી હતી અને યુદ્ધમાં જો જરૃર જણાશે તો દુશ્મનો પર અમેરિકા ચોક્કસ કેમિકલ હુમલો કરશે એવો મત પણ વ્યક્ત કર્યો હતો.
                                                                      *
સ્થળ : સ્વિટ્ઝર્લેન્ડનું જિનીવા શહેર
તારીખ : ૧૭ જૂન, ૧૯૨૫
પ્રસંગ : યુદ્ધોમાં રાસાયણિક હુમલાઓ ન કરવાની સંધી માટેની બેઠક
હાજરી : ગ્રેટ બ્રિટન, અમેરિકા, રશિયા, સહિતના આશરે ૪૦ દેશોના પ્રતિનિધિઓ.

બીજા વિશ્વયુદ્ધમાં વ્યાપક રીતે થયેલા રાસાયણિક હુમલામાં બંને પક્ષે લાખો લોકોના મૃત્યુ માત્ર રાસાયણિક હુમલાથી થયા હતા. આગામી સમયમાં આ સ્થિતિ ખાળવા માટે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મોટા ભાગના રાષ્ટ્રો આગામી યુદ્ધોમાં કેમિકલ વેપન્સનો ઉપયોગ ન કરવાની ખાત્રી આપી રહ્યાં છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેમિકલ હુમલાની પહેલ કરનારું રાષ્ટ્ર જર્મની પણ હવે પછી કેમિકલ વેપન્સ ન વાપરવાની શર્ત સ્વીકારવા તૈયાર થયું છે. વિશ્વના શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાએ આગામી સમયમાં જો યુદ્ધો થાય તો તેમાં પોતે કેમિકલ હુમલો નહીં જ કરે તેની બાહેંધરી નથી આપી. મોટાભાગના મહત્વના દેશોના પ્રતિનિધિઓએ કેમિકલ વેપન્સનો ઉપયોગ ન કરવાના સહમતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. એક માત્ર અમેરિકા હેગમાં થયેલી સૌ પ્રથમ શાંતિ પરિષદની માફક આમાં પણ અસહમત રહ્યું છે.
                                                                     * * *
આ બે ઘટનાઓ વચ્ચે લગભગ અઢી દાયકાનો સમય વીતી ગયો હતો. વચ્ચેના સમયમાં વિશ્વમાં ઘણી બધી ઉથલ-પાથલ મચી ગઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને એમાં લાખો લોકો ખુંવાર થયાં હતા તો લાખો લોકો મોતને ભેટ્યા હતા. આ બંને ઘટનામાં બે બાબત ઉડીને આંખે વળગે એવી છે. એક, બંને બેઠકમાં કેમિકલ વેપન્સથી થતી ખુંવારી અટકાવવાનો પ્રયાસ છે અને બીજું, અમેરિકાએ બંને બેઠકમાં રાસાયણિક હુમલાઓ ન કરવા પર અસહમતી જતાવી હતી.
આજે આ બંને ઘટનાને એક સૈકા જેવો સમય વીતી ચૂક્યો છે. આજે અમેરિકા સીરિયા પર લાલ આંખ કરી રહ્યું છે, કારણ કે સીરિયાએ પોતાના દેશમાં નાગરિકો પર રાસાયણિક હુમલો કર્યો છે અને એમાં ૧,૪૦૦ જેટલા લોકોના મોત થયાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ અમેરિકાએ ૧૯૮૮માં સદ્દામ હુસેનના કેમિકલ હુમલાઓ વખતે આંખ આડા કાન કર્યા હતા. અમેરિકાએ તો છેક ૧૯૭૫માં કેમિકલ હુમલાઓ ન કરવાની અને કેમિકલ વેપન્સનું ઉત્પાદન ન કરવાની વાત સ્વીકારી હતી. મૂળે તો અમેરિકાને હવે છેક સમજાયું છે કે અણુ હુમલાઓ કરતા પણ કેમિકલ હુમલાઓથી વિશ્વને ખતરનાક પરિણામો ભોગવવા પડી શકે છે અને એટલે જ હવે સીરિયા સામે ઉગ્રતાથી કામ લેવાની તરફેણ અમેરિકાએ કરે છે. જોકે, બે દેશો વચ્ચેના યુદ્ધોમાં કે આંતરિક બળવાઓમાં કેમિકલ હુમલો થવાનો આ પહેલો બનાવ નથી. હિસ્ટ્રી ઓફ કેમિકલ વેપન્સ નામના પુસ્તકમાં લેખક જોનાથન ટૂકેરના જણાવવા પ્રમાણે તો વિશ્વમાં કેમિકલ હુમલાઓની હારમાળા સર્જાતી આવી છે. શરૃઆત ઈ.સ. પૂર્વેની ચોથી કે પાંચમી શતાબ્દીથી થઈ હોવાનું કહેવાય છે. આ સમયગાળામાં જોકે પ્રાણીઓના શિકારમાં રસાયણનો ઉપયોગ વધુ થતો હતો. અમુક ઈતિહાસકારોના નોંધવા પ્રમાણે કેમિકલ વેપન્સનો ઉપયોગ થવાની શરૃઆત પર્સિયાના સૈનિકોએ કરી હતી. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં પર્સિયાએ રોમનો સામે યુદ્ધ કર્યું હતું અને એ યુદ્ધમાં પ્રથમ વખત રાસાયણિક હુમલાઓ થકી દુશ્મનોને પરાસ્ત કરવાની તકનિક વાપરવામાં આવી હતી. ૯મી સદીમાં ચીને તેના દુશ્મનો સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હોવાના પુરાવા મળે છે. ૧૧મી અને ૧૨મી સદીમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ ખૂબ વધવા લાગ્યો હતો. એક માન્યતા એવી છે કે ચંગીઝ ખાને પણ તેના દુશ્મનો વિરૃદ્ધ રાસાયણિક હુમલાઓ કર્યા હતા. ૧૫મી સદીમાં તુર્કોએ વ્યાપક પ્રમાણમાં કેમિકલ વેપન્સનો સહારો લેવા માંડયો હતો. જોકે, ત્યાં સુધી આ હુમલાઓમાં ભયાનક તીવ્રતા નહોતી. એટલે મોટી જાનહાની થવાની શક્યતા પણ નહિંવત હતી. 
વિશ્વએ રાસાયણિક હુમલાના ઘાતક પરિણામો જોવાનું શરૃ કર્યું ૧૮મી અને ૧૯મી સદીમાં. આ સમયગાળામાં થોડાં વધુ શક્તિશાળી તરીકાઓની શોધ થઈ પરિણામે માનવ જાતિએ રાસાયણિક હુમલાઓનું વરવું રૃપ જોયું, પણ તેની ખરી શક્તિનો પરિચય તો ૨૦મી સદીના શરૃઆતી દાયકાઓમાં જ થઈ. ૨૨ એેપ્રિલ, ૧૯૧૫ના રોજ જર્મનીએ બેલ્જિયમના વાયપ્રેસમાં ૬ કિલોમીટરના વિસ્તારમાં ક્લોરિનનો ૧૮૦ ટન જથ્થો ઠાલવ્યો અને એની અસર તળે ૫૦૦૦ સૈનિકોના મોત નિપજ્યા હતા. જર્મનીએ શરૃઆત કર્યા બાદ તો આ સિલસિલો કેમેય કરીને અટકવાનું નામ નહોતો લેતો. યુદ્ધ પૂરું થવા થવામાં તો કેમિકલ હુમલાઓમાં આશરે ૫૦થી ૬૦ હજાર ટન ઝેરિલા ગેસનો ઉપયોગ થઈ ચૂક્યો હતો અને ૧૦ લાખ લોકો તેની અસર તળે આવી ગયા હતા. જેમાંથી ૮૫ હજાર લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. દુખની વાત તો એ હતી કે આમાં સૈનિકોને બદલે વ્યાપક પ્રમાણમાં નાગરિકો મોતના ખપ્પરમાં હોમાયા હતા.
પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની વચ્ચેના સમયમાં થોડા વધુ હુમલાઓ થયા હતા. ખાસ કરીને રશિયન સિવિલ વોરમાં નાગરિકો પર જોખમી કેમિકલ પ્રયોજવામાં આવ્યું હતું. ૧૯૨૫માં જિનીવા સંધી થઈ હોવા છતાં કેમિકલ હુમલાઓ અટક્યા ન હતા. બીજા વિશ્વયુદ્ધ સુધી છૂટા છવાયા હુમલાઓ થતાં રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં કેમિકલ હુમલાઓ ન કરવાની સમજૂતિ લગભગ બંંને પક્ષે સ્વીકારવામાં આવી હતી. ઈવન એડોલ્ફ હિટલરે પણ પોતાના તરફથી કેમિકલ હુમલાઓ નહીં થાય તેવી ખાતરી આપી હતી એટલે આ વિશ્વયુદ્ધમાં પહેલા યુદ્ધ જેટલી ભીષણ જાનહાની કેમિકલ હુમલાના પરિણામે નહીં થાય એવી ધરપત મળી હતી.
જોકે, અત્યાર સુધી જિનીવા પ્રોટોકોલ પ્રમાણે યુદ્ધોમાં કેમિકલ હુમલાઓ ન કરવાની જ શરત હતી. ઉત્પાદન પર કોઈ જ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ નહોતી એટલે લગભગ તમામ શક્તિશાળી રાષ્ટ્રો એક બીજાના ડરથી તો ક્યારેક એક બીજા પર પ્રભાવ પાડવા માટે કેમિકલ વેપન્સનું ઉત્પાદન વધાર્યે જતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં પણ એ ઘડી આવી જ પહોંચી જેનો બધાને ડર હતો. ૧૯૪૧માં જાપાને સંધી તોડીને સૌપ્રથમ વખત ચીન પર કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો હતો. એમ મનાય છે કે જાપાનની આ અંચઈના કારણે જ પછી અમેરિકાએ અંતે અણુ હુમલો કર્યો હતો. આવા થોડા અપવાદોને બાદ કરતા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખાસ કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ નહોતો થયો, પણ કોલ્ડવોર વખતે સતત છૂટા છવાયા કેમિકલ હુમલાઓ થતાં રહ્યાં હતા. ઈજિપ્તે ૧૯૬૩થી ૧૯૬૭ વચ્ચે યમન પર અસંખ્ય કેમિકલ હુમલા કર્યા હતા. જેમાં એક અંદાજ પ્રમાણે આશરે ૩૦,૦૦૦ હજાર લોકો અસરગ્રસ્ત બન્યા હતા અને એમાંથી ૫,૦૦૦ હજાર તો મોતને ભેટયા હતા. ખૂબ લાંબી ચાલેલી વિયેતનામ વોર વખતે અમેરિકન સૈન્યએ પણ છૂટથી કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો હતો. (અમેરિકાએ છેક ૧૯૭૫ સુધી કેમિકલ વેપન્સ ન વાપરવા પર હસ્તાક્ષર નહોતા કર્યા) વળી, અફઘાનિસ્તાનમાં કોલ્ડ વોરના સમયે ખેલાયેલા સોવિયેટ વોરમાં પણ કેમિકલ વેપન્સ વાપરવાનો કોઈ જ પરહેજ નહોતો.ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈને ઈરાન સામેની લડતમાં મસ્ટર્ડ ગેસનો ઉપયોગ કરીને હજારો લોકોને મોતને શરણ મોકલ્યા હતા. એટલું જ નહીં પોતાના દેશના નાગરિકો કે જે ઈરાનની તરફેણ કરતા હતા એવું કારણ આગળ કરીને સદ્દામ હુસૈને કુર્દ નામના સ્થળે નાગરિકો પર ઝેરી ગેસ છોડયો હતો જેમાં પાંચેક હજાર નાગરિકોના મોત થયા હતા જ્યારે ૬૦ હજાર જેટલા નાગરિકો ઘાયલ પણ થયાં હતા. છેક
ઈ.સ. પૂર્વેની ચોથી સદીથી લઈને ૧૯૯૦ સુધીના ગલ્ફ વોર સુધી કેમિકલ વેપન્સનો ઉપયોગ માનવ જાતને કનડતો આવ્યો છે. વચ્ચેના થોડા સમયમાં એવા મોટા બનાવો નહોતા બન્યા એટલે લાગતું હતું કે વિશ્વ કેમિકલ વેપન્સથી મૂક્ત થઈ રહ્યું છે, પણ કદાચ ફરી એક વખત એ આશા ઠગારી નિવડી છે. જો સીરિયાનો અત્યારનો જથ્થો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાય તો પણ ઓછામાં ઓછા બે વર્ષ તો તેને કેમિકલ વેપન્સ મૂક્ત કરવામાં થાય જ. આ સ્થિતિ લગભગ બધા શક્તિશાળી દેશોની છે. જ્યાં સુધી કેમિકલ વેપન્સનો પ્રહાર નથી થયો ત્યાં સુધી જ દુનિયા સલામત છે. કેમ કે, આંતકવાદી તત્ત્વોના હાથમાં જો આ જથ્થો આવી ગયો તો શું થશે એ તો માત્ર કલ્પના જ કરવી રહી!

ભારત : એક માત્ર દેશ જેમણે પોતાનો જથ્થો નાશ કર્યો છે!
યુએન (યુનાઇટેડ નેશન્સ)ની યાદીમાં ભારત એક માત્ર એવો દેશ છે જેમણે પોતાની ડેડલાઇનને ધ્યાનમાં રાખીને કેમિકલ વેપન્સનો બધો જ જથ્થો નાશ કરી દીધો છે. ઓર્ગેનાઇઝેશન ફોર ધ ધોહીબિશન ઓફ કેમિકલ વેપન્સ (ઓસીડબલ્યુસી)ના સભ્ય હોવાના નાતે ભારતે આવી પહેલ કરી હતી. ૧૯૯૭માં ભારત પાસે ૧૦૪૪ ટન સલ્ફર મસ્ટર્ડનો જથ્થો હતો જે ૨૦૦૬ના વર્ષમાં ૭૫ ટકા નાશ કર્યો હતો. ૨૦૦૫માં ભારત એક માત્ર એવો દેશ હતો જેમણે ઓસીડબલ્યુસીને પોતાના કેમિકલ જથ્થાને તપાસવાની પરવાનગી પણ આપી હતી. એપ્રિલ, ૨૦૦૯માં ભારતે સત્તાવાર જાહેર કર્યું હતું કે પોતાની પાસે રહેલા કેમિકલ જથ્થાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે.
રાસાયણિક હુમલાઓમાં કયાં રસાયણો વધુ વપરાય છે?
રસાયણને હથિયારના રૃપમાં પ્રયોજવામાં આવે ત્યારે મોટા ભાગે તેનો ઉપયોગ વાયુ સ્વરૃપે જ કરવામાં આવતો હોય છે. ક્યારેક પ્રવાહી સ્વરૃપ પણ પ્રયોજાતું હોય છે. કેમિકલ હથિયારોનો ઉપયોગ શા માટે કરાતો હોય છે એ વિશે મત આપતા બ્રિટનના એક કેમિકલ નિષ્ણાત થોમસ બોયકોટે ઉલ્લેખ કર્યો છે કે આવા હથિયારોની અસર સૈનિકો અને નાગરિકો એમ બંનેમાં વધુ ભય ફેલાવે છે. વળી, લાંબાગાળે તેની અસર ધાર્યા કરતા વધુ તીવ્ર હોય છે, પરિણામે કેમિકલ હથિયારોની મદદથી દુશ્મનોની કમર તોડી નાખવા માટે આવા ઘાતક હથિયારોનો ઉપયોગ થતો આવ્યો છે. કયાં રસાયણો વધુ જોખમી છે અને તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે તે પણ જાણી લઈએ.
સારીન : જર્મનીના ગેરહાર્ડ શ્રેડર અને તેની ટીમે ૧૯૩૦ આસપાસ આ રસાયણની શોધ કરી હતી. અલબત્ત તેની શોધ કીટનાશક રસાયણ તરીકે થઈ હતી, પણ પછીથી અસંખ્ય માણસોના જીવ લેવામાં આ રસાયણ કારણભૂત બન્યું હતું. આ કેમિકલ રંગહિન અને ગંધહિન છે, વળી અત્યંત બાષ્પીશીલ હોવાથી તેનો ગેસ સ્વરૃપે જ વધુ ઉપયોગ કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં તે ક્યારેક ક્યારેક પ્રયોજાયું હતું. એ પછી પણ તેના ઉપયોગથી માનવજાતે ઘાતક પરિણામો ભોગવ્યા છે. ખૂબ જ ઓછી માત્રામાં પણ તે તીવ્ર સાબિત થાય છે. આંખ, નાક અને ત્વચા મારફતે સારીન શરીરનો કબ્જો લઈ લે છે અને પછી તેનાથી બચવું મુશ્કેલ થઈ પડે છે.
તાબુન : તેની શોધ પણ ગેરહાર્ડ શ્રેડરે જ કરી હોવાનું કહેવાય છે. તેની સુગંધ ફળો જેવી હોય છે, પણ તેની અસર સારીનની માફક જ મોતને નોતરું આપે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ બોમ્બમાં આ રસાયણ ભર્યું હતું. જોકે, સદનસીબે આવા બોમ્બના ઉપયોગથી જર્મની દૂર રહ્યું હતું.
વીએક્સ : સારીનની જેમ જ વીએક્સની શોધ કીટનાશક રસાયણના રૃપમાં થઈ હતી. બ્રિટનના રસાયણશાસ્ત્રીઓએ તેની શોધ કરી હતી. સારીન અને તાબૂનની તુલનાએ આ રસાયણ વધુ ઝેરીલું હોય છે. ખૂબ જ ઓછી માત્રામાં તેનો પ્રયોગ કરવામાં આવે તો પરંતું તો પણ તેની ઘાતક અસર થાય છે. તેની અસર લાંબાં ગાળા સુધી રહે છે એટલે એક વાર તે માણસની ત્વચાને સ્પર્શી જાય પછી જલ્દીથી તેનો પીછો મૂકતું નથી એટલે એ રીતે તેની અસર બમણી થઈ જાય છે.
મસ્ટર્ડ ગેસ : જર્મનીના રસાયણશાસ્ત્રી વિલહેમ લોમેલ અને વિલહેમ સ્ટાઈંકોપીને મસ્ટર્ડ ગેસને યુદ્ધમાં વાપરવાની સલાહ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આપી હતી. સારીન, તાબૂન અને વીએક્સના મસ્ટર્ડ ગેસ પ્રમાણમાં ઓછી અસર કરે છે, પણ તેનો વધારે માત્રામાં જથ્થો છોડવામાં આવે તો ઘાતક પરિણામો સામે આવી શકે છે. એક વખત તેને છોડી દીધા પછી ૨૪ કલાક સુધી તેની અસર રહે છે. ત્વચા એકદમ લાલ બની જાય છે અને ત્યાં ચકામા પણ પડી જાય છે. આ ગેસ જો નાક વાટે શ્વાસનળીમાં પહોંચી જાય તો મોતને નોતરું આપી દે છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -