Posted by : Harsh Meswania Sunday 6 January 2019


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

૧૯૮૯-૯૦માં ૯૨ દિવસનો સંઘર્ષ ખેડીને રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સ નામના બે સાહસિકોએ સૌપ્રથમ વખત પગપાળા એન્ટાર્કટિકા પાર કરીને વિક્રમ સર્જ્યો હતો

૩૧મી ડિસેમ્બર, ૧૯૮૯નો એ દિવસ હતો.
એ દિવસે એન્ટાર્કટિકાના ઈતિહાસમાં અભૂતપૂર્વ રેકોર્ડ દર્જ થયો હતો. પ્રથમ વખત બે સાહસિકો પગપાળા યાત્રા કરીને એન્ટાર્કટિકામાં સાઉથ પોલ સુધી પહોંચ્યા હતા. એ પહેલાં ય ઘણાં સાહસિકોએ એન્ટાર્કટિકામાં વિજયી ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો હતો. બંનેએ પહેલી વખત પગપાળા એટલે કે સ્કીઈંગ કરીને સાઉથ પોલ સુધીની સફર પૂરી કરી હતી.

૧૩મી નવેમ્બર, ૧૯૮૯ના દિવસે બંનેને પગપાળા એન્ટાર્કટિકા પાર કરવાનું સાહસ શરૂ કર્યું હતું. માર્ગમાં ઘણી મુશ્કેલી મોઢું ખોલીને રાહ જોઈ રહી હતી. ૨૯-૩૦ વર્ષ પહેલાં આજના જેવી ટેકનોલોજી ન હતી. નકશો તો હતો, પરંતુ પગપાળા જવા માટે રસ્તો સાવ અજાણ્યો હતો. સાઉથ પોલ પહોંચ્યા એ વર્ષનો છેલ્લો દિવસ હતો. તે પછી ૧૨મી ફેબ્રુઆરી સુધી બંનેની સંઘર્ષયાત્રા શરૂ રહી હતી.

૧૨મી ફેબ્રુઆરી-૧૯૯૦માં બંનેએ એન્ટાર્કટિકા પાર કર્યો તે સાથે જ બંનેની ૯૨ દિવસ લાંબી અદ્વિતીય સાહસયાત્રાનો અંત આવ્યો હતો. ઈતિહાસમાં પહેલી વખત આ બંનેએ કોઈ જ વાહન કે એનિમલની મદદ વગર એન્ટાર્કટિકા પાર કર્યો હતો. વિશ્વના અસંખ્ય સાહસિકો માટે રેઈનહોલ્ડ અને આર્વેડે વાહન-એનિમલ વગર એન્ટાર્કટિકા પાર કરવાના સાહસની નવી જ દિશા ખોલી આપી હતી.

આ બંનેની સાહસયાત્રા અગાઉ એન્ટાર્કટિકા પાર કરવા માટે વિવિધ વાહનો અથવા તો ઘોડાઓની મદદ લેવાતી હતી. પણ આ બંને સાહસિકોએ માત્ર સ્કીઈંગના સહારે જ એન્ટાર્કટિકા ખંડ ઓળંગ્યો હતો. બંનેને બે વખત સામગ્રી પૂરી પાડવામાં મદદ મેળવી હતી. ત્રણ માસમાં બંનેએ બે વખત - એક વખત સાઉથ પોલ પહોંચતા પહેલાં અને બીજી વખત પહોંચી ગયા પછી - સામગ્રીની મદદ પૂરી પાડવામાં આવી હતી. એ સિવાય દરરોજની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે બંનેએ બરફગાડીમાં ૧૨૦ કિલો સામાન સાથે રાખ્યો હતો, જેમાં ટેન્ટ, સ્વેટર્સ, કપડાં, ખોરાક-પાણી, સ્કીઈંગનો સામાન અને નકશા વગેરેનો સમાવેશ થતો હતો. ૯૨ દિવસમાં બંને સાહસિકોએ ૨૮૧૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

એન્ટાર્કટિકાના અનુભવ અંગે રેઈનહોલ્ડ મેસનરે તેમના પુસ્તક 'એન્ટાર્કટિકા, બોથ હેવન એન્ડ હેલ'માં લખ્યું હતું : 'ત્યાં ઘણી વખત એટલી નિરવ શાંતિ અનુભવાતી કે અમારા બંનેની ધડકન સિવાય કોઈનો ય અવાજ આવતો ન હતો. મેં અને આર્વેડે અગાઉ પણ ઘણાં સાહસો કર્યા હતા, પરંતુ આટલી શાંતિનો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. ઘણી વખત તો એ સન્નાટાથી ડર પણ લાગતો, પરંતુ પછી એ સન્નાટો શાંતિમાં પરિવર્તિત થતો ત્યારે જીવતા જીવત સ્વર્ગનો અનુભવ થતો.'

સમગ્ર પ્રવાસ સુખરૂપ જ રહ્યો હતો એવું ય નહોતું. એપ્રિલમાં જ નોર્થ પોલની યાત્રા કરીને પાછા ફરેલા આર્વેડનું શરીર જવાબ દઈ રહ્યું હતું. એમાં ય તેને પ્રવાસ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
પ્રવાસ જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ તેના પગની ઈજા વકરતી જતી હતી. એ કારણે તો બંનેએ મૂળ પ્લાનમાં ફેરફાર કરીને પ્રવાસનો થોડો ટૂંકો માર્ગ પસંદ કરવો પડયો હતો. નહીંતર સાઉથ પોલ જતાં પહેલાં બંનેએ પશ્વિમ તરફની યાત્રા કરવાની હતી.

પ્રવાસમાં ફેરફાર કરીને ય બંનેએ ૯૨ દિવસમાં સફળતાપૂર્વક એન્ટાર્કટિકા પાર કર્યો હતો. બંનેએ પ્લાનમાં ફેરફાર કર્યો ત્યારે ખાસ એ બાબતનું ય ધ્યાન રાખવાનું હતું કે ૩૧મી ડિસેમ્બર પહેલાં સાઉથ પોલ પહોંચી જવાનું હતું. એક દિવસ મોડું થાય તો આર્વેડ અભૂતપૂર્વ વિક્રમ ચૂકી જાય એવી પૂરી શક્યતા હતી.
                                                                            ***
એન્ટાર્કટિકાને પહેલી વખત પગતળે કરનારા આ બંને સાહસિકોના વિક્રમો અભૂતપૂર્વ છે. આર્વેડ ફૂક્સ માટે ૧૯૮૯નું વર્ષ ખૂબ અગત્યનું હતું. આર્વેડે એ જ વર્ષે એપ્રિલમાં નોર્થ પોલ પહોંચવાનું સાહસ પાર પાડયું હતું. ડિસેમ્બર સુધીમાં સાઉથ પોલ પહોંચીને એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પહોંચનારા સાહસિક તરીકે આર્વેડ ઈતિહાસ રચવા ઈચ્છતો હતો.

પગની ઈજાથી ત્રસ્ત આર્વેડ ફૂક્સને આગળ વધવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, પણ અગાઉ અસંખ્ય વિક્રમો નોંધાવી ચૂકેલા રેઈનહોલ્ડને તો આવી સ્થિતિમાંથી પસાર થવાનો અનુભવ હતો. તેણે આર્વેડને ફરીથી તૈયાર કર્યો. છેલ્લાં દિવસોમાં ગણતરી કરી તો નિર્ધારિત સમય કરતા ઘણાં પાછળ ચાલી રહ્યા હતા. જો એ રીતે પ્રવાસ આગળ વધે તો આર્વેડ સ્હેજ માટે ઈતિહાસ સર્જવાની તક ગુમાવે એ નક્કી હતું. રેઈનહોલ્ડે તેને પાનો ચડાવ્યે રાખ્યો.
સાઉથ પોલ સુધીની સાહસયાત્રા કરીને રેકોર્ડ સર્જનારા સાહસિકો - આર્વેડ ફૂક્સ અને રેઈનહોલ્ડ મેસનર

એપ્રિલ-૧૯૮૯માં જ નોર્થ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કરનારા આર્વેડને તેણે ફરી ફરીને યાદ અપાવ્યું કે આપણે ૩૧મી ડિસેમ્બરે પહોંચી જઈશું તો તું વિશ્વનો પ્રથમ એવો સાહસિક બની જઈશ કે જેણે એક જ વર્ષમાં નોર્થ અને સાઉથ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કર્યો હોય. આવી તક જીવનમાં વારંવાર નહીં આવે. આખરે છેલ્લાં દિવસોમાં પ્રવાસની ઝડપ વધી અને ૩૧મી ડિસેમ્બરે જર્મનીના સાહસિક આર્વેડ ફૂક્સના નામે અભૂતપૂર્વ વિક્રમ દર્જ થયો. એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પગપાળા જનારો તે પ્રથમ સાહસવીર બન્યો. નોર્થ પોલનો પ્રવાસ કર્યા પછી માત્ર સાત જ મહિનામાં સાઉથ પોલ સુધી પહોંચ્યો હોય એવો એ વિશ્વનો એકમાત્ર સાહસિક છે.

એના ઈટાલિયન સાથીદાર રેઈનહોલ્ડના નામે તો એનાથી ય મોટા વિક્રમો નોંધાયા છે. એવા અદ્વિતીય વિક્રમો જે રેઈનહોલ્ડને વિશ્વનો ગ્રેટેસ્ટ સાહસવીર બનાવે છે.
                                                                            ***
૭૪ વર્ષના રેઈનહોલ્ડે એકથી એક ચડિયાતા સાહસો કર્યા છે. ૧૯૭૮માં ઓક્સિજન સપ્લીમેન્ટ વગર રેઈનહોલ્ડે એવરેસ્ટ સર કર્યો હતો. ૧૯૮૦માં ફરીથી એકલાએ ઓક્સિજન વગર સાવ નવા રસ્તે એવરેસ્ટની ઊંચાઈ આંબી હતી. દુનિયાના ૨૬૦૦૦ ફૂટથી ઉપરના બધા જ ૧૪ શિખરો સર કરવામાં ય રેઈનહોલ્ડને સફળતા મળી. આ સિદ્ધિ મેળવી ત્યારે તેની વય ૪૨ વર્ષની હતી.

૨૦૦૪માં ૬૦ વર્ષની વયે રેઈનહોલ્ડે ગોબીનું રણ પાર કર્યું હતું. રણમાં ૨૦૦૦ કિલોમીટરનું અંતર એકલાએ કાપ્યું હતું. ૧૯૮૯માં એન્ટાર્કટિકા પાર પાડયા પછી ૧૯૯૩માં વાહન કે એનિમલની મદદ વગર ગ્રીનલેન્ડનું ૨૦૦૦ કિલોમીટરનું અંતર તય કર્યું હતું. એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ પગતળે કર્યા હોય એવા વિશ્વના પ્રથમ સાહસવીર બનવાનું સૌભાગ્ય પણ તેને મળ્યું હતું.
ગિનેસ બુકમાં નવ-નવ રેકોર્ડ ધરાવતા રેઈનહોલ્ડ મેસનર

સાહસ દરેક વખતે શોહરત જ આપે છે એવું નથી, ઘણી વખત પારાવાર પીડા ય મળે છે. પાકિસ્તાનમાં આવેલા નંગા પર્બતને પાર પાડવાનું પરાક્રમ ૧૯૭૦માં રેઈનહોલ્ડ અને તેના નાનાભાઈ ગ્રંથરે પાર પાડયું. શિખરે તો પહોંચી ગયા, પણ વળતા તોફાન ત્રાટક્યું. રેઈનહોલ્ડને એટલી ગંભીર ઈજા થઈ કે તેના પગની આંગળીઓ કપાઈ ગઈ. માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ચહેરા ઉપર ઘા પડયા, એના નિશાન આજીવન રહ્યા, પણ એનાથી ય ઊંડો ઘાવ દિલ ઉપર પડયો. તેના સાહસિક ભાઈ ગ્રંથરનું એ તોફાનમાં મૃત્યુ થયું. ૨૪ વર્ષના ભાઈને ગુમાવ્યાનું દર્દ રેઈનહોલ્ડને આજીવન રહ્યું.

અમુક આલોચકો તો ગ્રંથરના મોત માટે રેઈનહોલ્ડને જ જવાબદાર ગણે છે. ૨૦૧૦માં નંગા પર્બત નામની ફિલ્મ બની હતી. આ જર્મનભાષાની ફિલ્મમાં એવી ટીકા થઈ હતી કે ઓછા અનુભવી ગ્રંથરને લઈને જવાની રેઈનહોલ્ડની મહાત્વાકાંક્ષાએ ગ્રંથરનો જીવ લીધો. જોકે, આઠ ભાઈઓ અને એક બહેન એમ નવ ભાઈ-બહેનોમાંથી કોઈએ ગ્રંથરના નિધન માટે રેઈનહોલ્ડને જવાબદાર ગણ્યો ન હતો. પરિવારનું માનવું હતું કે રેઈનહોલ્ડ તેના ભાઈને ખૂબ ચાહતો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં જ તેણે પગની આંગળીઓ ગુમાવી હતી.

રેઈનહોલ્ડની ઉંમર ૧૩ વર્ષ હતી ત્યારે ગ્રંથરની વય ૧૧ વર્ષની હતી. એ વખતે બંને ભાઈઓએ શિખરો સર કરવાના સાહસો આદર્યા હતા. ૧૮-૨૦ વર્ષના હતા ત્યારે બંનેની ગણતરી યુરોપના શ્રેષ્ઠ ઉભરતા પર્વતારોહકોમાં થતી હતી. રેઈનહોલ્ડે એક વખત ભાઈ માટે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે જો ગ્રંથર જીવતો હોત તો મારા કરતા એના નામે નોંધાયેલા વિક્રમોની સંખ્યા ઘણી વધુ હોત. રેઈનહોલ્ડનો બીજો એક ભાઈ હર્બટ પણ સાહસિક છે. બંનેએ સાથે મળીને ઘણાં સાહસો કર્યા છે.

જીવનભર સાહસો કરનારા રેઈનહોલ્ડે ૮૦ જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી ઘણાં ખરા પુસ્તકો બેસ્ટસેલર બન્યા છે. નવા સાહસવીરોને તો રેઈનહોલ્ડના પુસ્તકો વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કારણ કે પુસ્તકોમાં રેઈનહોલ્ડના અનુભવોનો ખજાનો ભર્યો છે.

રેકોર્ડ બુકમાં 'વિશ્વમાં પ્રથમ' એ કેટેગરી સૌથી મહત્વની છે, વિશ્વમાં પ્રથમ એ એવી કેટેગરી છે, જેમાં એડિટિંગની શક્યતા નથી! એવો એક વિક્રમ નોંધાવવા લોકો કેટ-કેટલા પ્રયાસો કરે છે. રેઈનહોલ્ડ મેસનરના નામે ગિનેસ બુકમાં 'વર્લ્ડ ફર્સ્ટ'ની કેટેગરીમાં ૯-૯ વિશ્વવિક્રમો નોંધાયા છે.

સાહસના ક્ષેત્રમાં આવી સિદ્ધિ મેળવનારા રેઈનહોલ્ડ મેસનર અત્યારે એકલા સાહસિક છે. તેમના આ પરાક્રમો જ તેમને વિશ્વના ગ્રેટેસ્ટ સાહસવીરમાં સ્થાન આપે છે. સાહસયાત્રા વિશે રેઈનહોલ્ડે એક વખત કહ્યું હતું : 'આ બધું હું મારા માટે કરું છું, કારણ કે મારી પાસે મારી સાહસની પિતૃભૂમિ છે અને મારો રૂમાલ મારો ધ્વજ છે. હું ત્યાં મૃત્યુ પામવા નથી જતો, પણ જીવવા જાઉં છું. પર્વતો અનુકૂળ કે પ્રતિકુળ નથી હોતા, તે માત્ર ખતરનાક હોય છે અને ખરો આનંદ ખતરામાં છે.'

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -