Posted by : Harsh Meswania Sunday 20 January 2019

કવિ દલપતરામ
 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

આચાર્યની પોથી બંધ થઈ ત્યાંથી દલપતરામની વાણી શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધુ હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. લગભગ ૧૮૮૫-૮૬નું વર્ષ હતું. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. આચાર્યએ જનોઈ બદલવાની વિધિ શરૂ કરાવી ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા, પણ વરસાદ શરૂ થયો એટલે પુસ્તક બંધ કરીને આચાર્ય વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા. પુસ્તકને વરસાદથી બચાવવા ભૂંગળામાં મૂકી દેવું પડયું. આચાર્યને આખી વિધિ કંઠસ્થ ન હતી એટલે જ્યાં સુધી વરસાદ અટકે નહીં ત્યાં સુધી બધાએ રાહ જોવી અનિવાર્ય હતી.

વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ એ શ્લોકો કંઠસ્થ કર્યા હતા તેમ છતાં એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાના શ્લોકો બોલીને વિધિ પૂરી કરાવી. નાની વયે કંઠસ્થ કરેલા શ્લોકો આટલા વર્ષો વીતી જવા છતાં મોટી વયે પણ એવાંને એવાં જ દલપતરામને આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રસંગ તેમની તીવ્ર સ્મરણશક્તિનો પરિચય આપે છે.

સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સોસાયટી
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ : પહેલો ભાગ' પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય. લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૃપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.

એ સમયે આખાય શહેરની સાહિત્યિક, શૈક્ષણિક, વૈચારિક પ્રવૃત્તિમાં દલપતરામની હાજરી અનિવાર્ય બની રહેતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા. સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા. મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૃ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.

દલપતરામે ફાર્બસને ગુજરાતી ભાષા શીખવી
કવિ દલપતરામ અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ વચ્ચે ગહેરી મિત્રતા હતી. ૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ માટે તેમ જ કેેળવણીના કાર્ય માટે બંનેએ સાથે મળીને પ્રયાસો આદર્યા હતા.

ફાર્બસના અવસાન પછી દલપતરામે લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખતા હતા. દલપતરામ કવિતા વાંચીને તેનો અર્થ ફાર્બસને સમજાવતા. ફાર્બસ ગુજરાતી શબ્દોના અંગ્રેજી પર્યાય શોધીને નોંધ ટપકાવી લેતા અને એ રીતે ફાર્બસ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.

દલપતરામે ફાર્બસની ઘરવખરી વેંચી, પણ ખરીદનારે વળતર જ ન આપ્યું
સુરતથી ફાર્બસની બદલી થઈ ત્યારે દલપતરામ મદદ માટે થોડો વખત સુરત રોકાયા હતા. અંગ્રેજ અધિકારી ફાર્બસે પોતાની બિનજરૂરી ઘરવખરી વેંચવાનું કામ કવિ દલપતરામને સોંપ્યું હતું. નવાબના જમાઈએ ફાર્બસની ઘરવખરી એક હજાર રૃપિયામાં ખરીદી લીધી. નવાબના જમાઈએ ઘરવખરી તો દલપતરામ પાસેથી મેળવી લીધી પણ વળતર એ વખતે ન આપ્યું. તે પછી બે-ત્રણ વખત અલગ અલગ બહાના બતાવ્યા. આખરે દલપતરામે ફાર્બસને પત્ર લખીને એ ઘટનાની જાણ કરી. ફાર્બસે લખ્યું કે નવાબનો જમાઈ કબૂલેલી રકમ આપશે નહીં એટલે વારંવાર તેની પાસે માગણી કરવાથી કંઈ વળવાનું નથી. દલપતરામે છેતરપિંડીનો કેસ કરવાની ફાર્બસ પાસે પરવાનગી માગી, પરંતુ ફાર્બસે લખ્યું કે કેસ કરવાને બદલે હું પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. સાથે સાથે ફાર્બસે મિત્ર દલપતરામને લખ્યું હતું કે હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ પાર પાડજો.

ભૂતનિબંધ : અંગ્રેજી અનુવાદ થયો હોય એવું પ્રથમ ગુજરાતી લેખન
એ વખતના ગુજરાતમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી ૧૮૪૮માં એક સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં ફાર્બસના આગ્રહથી 'કવિ' દલપતરામે 'ગદ્ય'માં કલમ ચલાવીને 'ભૂતનિબંધ'નું સર્જન કર્યું હતું. જોકે, તેનું સ્વરૂપ આજના 'નિબંધ' જેવું ન હતું, પરંતુ એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલા અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો. જનમાનસમાં ભૂતપ્રેતની માન્યતા કેવી અને કેટલી ઊંડી છે તેનો ચિતાર ભૂતનિબંધમાં આપવામાં આવ્યો હતો.

એ ગુજરાતી લેખનનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ : જીવન અને કાર્ય' પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો.

ફાર્બસે દલપતરામ લિખિત ભૂતનિબંધની પ્રશંસા કરતા લખ્યું હતું : 'તેઓ (દલપતરામ) સ્થાનિક સાહિત્યના - પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે 'દેશી' ભાષાઓમાં લખાયેલું હોય - ઉત્સાહી અભ્યાસી છે. તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે. તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.'

દલપતરામ અને નર્મદ : સુધારાવાદી વિદ્વાનોના 'ઝઘડા'
દલપતરામ અને નર્મદ વચ્ચેના મતભેદો એ વખતે બહુ ચર્ચાતા હતા. બંનેના સમર્થકોમાં દલપત-નર્મદના ઝઘડાની ભારે ચર્ચા થતી. બંને સુધારાવાદી વિદ્વાનો વચ્ચે મતભેદો વર્ષો સુધી ચાલ્યા હતા. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા અને તેમના સહકારથી સાહિત્યિક-સુધારાવાદી-કેળવણી માટેના પ્રયાસો કરતા હતા. બીજી તરફ નર્મદનો સુધારાવાદી અભિગમ થોડો જુદો હતો. નર્મદનો અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૃપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!
કવિ નર્મદ
નર્મ કવિતામાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી. તે પછી દલપતરામે તેમના કાવ્યસંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરતા લખ્યું હતું :
'શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ'

દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો :
'નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી....'

 દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.
દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસનું નિધન થયું તે પછી નર્મદે પ્રથમ વખત ફાર્બસની પ્રશંસા કરતા લખ્યું હતું કે સ્વભાવે મિલનસાર કહેવાતા ફાર્બસે ગુજરાતીઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને ગુજરાતને વતન ગણીને કામ કર્યું હતું. ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.

'દલપતરામ : સુધારાનો માળી' પરિચય પુસ્તિકામાં લખ્યું છે કે દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે 'હવે આને યુદ્ધવિરામની ધજા સમજો'. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો.

બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.

પ્રથમ બાળકાવ્યોના સર્જક
કવિ દલપતરામે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. એ વખતના કેળવણી નિયામક ટી.સી. હોપના આગ્રહથી તૈયાર થયેલી હોપ વાચનમાળા માટે બાળકાવ્યો દલપતરામે તૈયાર કરી આપેલાં. એ વખતે દલપતરામને આંખની તકલીફ હતી એટલે એક લહિયો રાખીને તેમણે બાળકાવ્યો તૈયાર કરાવ્યા હતા. નાના બાળકોથી માંડીને સાત ધોરણ સુધીનાં કિશોરો માટે આ બાળકાવ્યો ઉપયોગી હતાં. દલપતરામ સર્જિત બાળકાવ્યો ઘણાં વર્ષો સુધી કંઠસ્થ રહ્યા હતા.

'મહા હેતવાળી દયાળી જ મા તું' જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. આ અને આવા બીજાં અનેક દલપતરામ રચિત બાળકાવ્યો દશકાઓ સુધી પાઠય પુસ્તકોમાં આવતા રહેતાં. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ લખે છે : 'એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય. દલપતરામે નવીન યુગની અભિલાષાઓને પોતાની જૂની પરંપરામાં ઘડાયેલી કાવ્યશૈલીમાં નવો જ પ્રાણ પૂરીને વિવિધ રૃપે પ્રગટ કરી'

દલપતરામે ઢળતી વયે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષાને એક નવો કાવ્યપ્રકાર આપ્યો હતો. દલપતરામ અગાઉ ગુજરાતીમાં બાળકાવ્યોનું સર્જન થયું ન હતું. તે રીતે દલપતરામે ગુજરાતી ભાષાને પ્રથમ વખત બાળકાવ્યો આપ્યાં હતાં.

લગ્નગીતોના સર્જક
માલણ, ગૂંથી લાવ, ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશ મજરો.આ લગ્નગીત દલપતરામે સર્જ્યું હતું. લોકગીતની જેમ વર્ષો સુધી લોકજીભે રહેલાં આવાં લગ્નગીતો ય દલપતરામે લખ્યા હતા. 'રામ લક્ષ્મણ વનમાં સીધાવતા' ગીત પણ એટલું જ લોકપ્રિય થયેલું. દલપતરામે લગ્નગીતોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંપરાગત ઢાળમાં બંધ બેસે એવા ઘણાં ગીતો દલપતરામે લખ્યા હતા. એ જ રીતે ગરબાવલિમાં પણ દલપતરામે નવી રીત અજમાવી હતી. દલપતરામના સમકાલીન કવિ નવલરામ પંડયાએ પછીથી કન્યાઓ માટેની ગરબાવલિ તૈયાર કરી હતી તેમાં થોડો ઘણો પ્રભાવ આ લગ્નગીતોનો હતો એમ કહેવાય છે.

દલપતરામની સર્જનશૈલીથી પ્રભાવિત ગુજરાતી કવિઓ
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે - 'દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૃઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે. બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી'

એક કવિનો પરિચય બીજા સમર્થ કવિ કેવા શબ્દોમાં આપે?
કવિવર દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું હતું : 'કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે'

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -