Posted by : Harsh Meswania Sunday 13 January 2019



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મીડિયા સામે જીભ લપસી તેનો વિડીયો બહુ વાયરલ થયો. આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. આવું શું કામ બને છે? વિજ્ઞાન શું કહે છે?

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં ભૂલથી ભાજપના જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાને ભ્રષ્ટાચારી ગણાવીને કહ્યું હતું : 'સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજે કહ્યું કે જો ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા યોજાય તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચાર માટે પહેલો નંબર આપવો પડે.' બાજુમાં બેસેલા નેતાએ સૂચન કર્યું એટલે ભાજપ પ્રમુખે  સિદ્ધારામૈયા સરકારને ભ્રષ્ટ ગણાવીને બોલવામાં થયેલી ભૂલ સુધારી લીધી, પણ ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસે ભાજપ અધ્યક્ષનો આ વિડીયો ખૂબ વાયરલ કર્યો.

પાંચ રાજ્યોની ચૂંટણી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભૂલથી પનામા પેપર્સ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ લેવાને બદલે શિવરાજ સિંહ ચૌહાણના દીકરાનું નામ લઈ નાખતા વિવાદ થયો હતો. છેલ્લાં દોઢ-બે વર્ષને બાદ કરતા એ પહેલાંના ભાષણોમાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હોય એવા બનાવો વધુ બનતા હતા ત્યારે ભાજપે એ વિડીયોને વાયરલ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશળ વક્તા છે, પણ તેમની ય ભૂલને પકડીને વિપક્ષો ભાજપને ઘેરતા આવ્યા છે. વડાપ્રધાન બન્યા પછી મોદી ભૂતાનના પ્રવાસે ગયા હતા. ભૂતાનની સંસદમાં ભાષણ આપતી વખતે વડાપ્રધાને ભૂતાનનું નામ લેવાને બદલે નેપાળનું નામ લીધું હતું એ મુદ્દે વિપક્ષોએ વડાપ્રધાનની ટીકા કરી હતી.

એવી જ ભૂલ હમણાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી. અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું : 'યુપીએ સરકારનો અંત નિશ્વિત છે' ઉપમુખ્યમંત્રીએ ભૂલ સુધારવાનું સૂચન કર્યું પછી મુખ્યમંત્રીએ ભૂલ સુધારીને કહ્યું કે એનડીએ સરકારનો અંત નિશ્વિત છે. પછી આગળનું વાક્ય ઉમેર્યું : 'એનડીએ સરકાર આવશે એ નક્કી છે' વળી બાજુમાં ઉભેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ભૂલ સુધારી એટલે અશોક ગહેલોતે કહ્યું કે 'યુપીએ સરકાર આવશે તે નક્કી છે'!

આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. રાજસ્થાન ભાજપના નેતા અર્જુનલાલ મીણા મીડિયા સામે કહેવા જતા હતા કે 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને 'કોંગ્રેસ મુક્ત ભારત' કરી દેશે, પણ તેની જીભ લપસી અને તેણે કહી નાખ્યું : 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને ભાજપ મુક્ત ભારત કરી દેશે!'

એક વખત ગુજરાતના એક તાલુકા લેવલના- સંભવત: અંજારના સ્થાનિક નેતા કોંગ્રેસને નિશાન બનાવતી વખતે રીતસર ગાળ બોલ્યા હતા, પછી હાજર મીડિયા પ્રતિનિધિઓને એ ગાળ કાઢી નાખવાની વિનંતી કરી હતી, તેમ છતાં વિડીયો ગુજરાતભરમાં વાયરલ થયો હતો અને કોંગ્રેસે ભાજપના નેતાઓના સંસ્કારનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો.

માત્ર ભારતના નેતાઓની જુબાન ફીસલે છે એવું નથી, દુનિયાભરના નેતાઓ ભાષણ વખતે છબરડા કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ ૧૯૮૮માં ખેડૂતોના એક સંમેલનમાં ભાષણ આપી રહ્યા હતા. તેમને બોલવું હતું સેટબેક્સ (નિષ્ફળતા), પણ બોલી ગયા સેક્સ!

વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમેય વિવાદાસ્પદ નિવેદનના કારણે જાણીતા છે, એમાં એક ભાષણમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે બેલ્જિયમને એક દેશ કહેવાને બદલે સિટી ગણાવ્યું. ૨૦૧૧માં ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હતા ત્યારે તેમણે પોતાના દેશને ફ્રાન્સ કહેવાને બદલે જર્મની નામથી સંબોધતા સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.

વેલ, ભાષણ દરમિયાન આવી ભૂલો કેમ થાય છે? ગમતી વ્યક્તિ સામે ફીલિંગ કહેતી વખતે ય આવી જ ભૂલો થતી હોય છે. કહેવાનું કંઈક બીજું હોય પણ મોઢામાંથી વાક્ય કંઈક બીજું જ નીકળી જાય!
પરંતુ આવું કેમ થાય છે? વિજ્ઞાન શું કહે છે?
                                                                  ***
મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઈડે માનવમનના ઊંડાણમાં પડેલા તાણા-વાણા ઉકેલવા ઘણા પ્રયોગો કર્યા હતા. પાપા પગલી ભરી રહેલાં મનોવિજ્ઞાનને સિગમંડ ફ્રોઈડના પ્રયોગોએ ૧૯મી અને ૨૦મી સદીમાં નવી ઓળખ આપી હતી. આ સિગમંડ ફ્રોઈડે બોલવામાં થતી ભૂલના સંદર્ભમાં દાયકાઓ સુધી અભ્યાસ કર્યા પછી ૧૯૦૧માં 'ધ સાઈકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ' પુસ્તકમાં સ્પીચ મેમરી અને સ્પીચ એરર પાછળના લોજિક જણાવ્યા હતા.

એ તારણો પછીથી ફ્રોઈડિયન સ્લિપ નામે ઓળખાયા. એમાં ફ્રોઈડે કહ્યું હતું કે માણસની અંદરની ઈચ્છા કે જે ક્યારેય બહાર વ્યક્ત થઈ નથી તે આમ અચાનક દિમાગ ઉપર હાવી થઈ જાય છે અને મોંમાથી એવા શબ્દો નીકળી જાય છે. ઘણી વખત વધુ વાંચવાના કારણે ય દિમાગમાં ગરબડ થઈ જાય છે અને શબ્દો ઉલટસૂલટ થઈ શકે છે. ફ્રોઈડે તો ઊંઘથી લઈને આસપાસની પરિસ્થિતિ સુધીના ઘણાં કારણોની વિગતે એ પુસ્તકમાં ચર્ચા કરી હતી. સ્લિપ ઓફ ટંગની બાબતે ફ્રોઈડના તારણો નવા સંશોધકો માટે આજેય રેફરન્સ મટિરિયલ ગણાય છે.

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે થોડા વર્ષો પહેલાં સ્લિપ ઓફ ટંગને લગતું એક સંશોધન હાથ ધર્યું હતું. થોડાંક લોકોને લેબોરેટરીમાં આવવાનું આમંત્રણ અપાયું. એમાંથી અમુક લોકોનું સ્વાગત સુંદર-સ્માર્ટ-સેક્સી લેબ આસિસ્ટન્ટે કર્યું, તો અમુકને વૃદ્ધ પ્રોફેસરે આવકાર આપ્યો. પછી બંને ગ્રુપના લોકોને કંઈક શબ્દો બોલવાનું કહેવાયું. વૃદ્ધ પ્રોફેસરે જેમને આવકાર્યા હતા એમણે આસપાસમાં બનતી ઘટનાઓને લગતા શબ્દો ઉચ્ચાર્યા. ટૂંકા કપડાં પહેરીને મોહક અદામાં જેમનું સ્વાગત લેબ આસિસ્ટન્ટે કર્યું હતું એમણે સંબંધોને લગતા બોલ્ડ શબ્દો ઉચ્ચાર્યા. એ સંશોધનમાં એવું તારણ નીકળ્યું હતું કે ફ્રોઈડે કહ્યું હતું એ વાત ઘણે અંશે સાચી છે. બોલવાની એરર પાછળ માણસની અંદરની ઈચ્છા મહત્વનો ભાગ ભજવે છે.

રશિયન નવલકથાકાર અને ફિલોસોફર ફિયોદોર દોસ્તોયેવસ્કીએ 'વ્હાઈટ બીયર પ્રોબ્લેમ' નામથી એક થીયરી રજૂ કરી હતી. એમાં આ ફિલોસોફરે પહેલી વખત એવો દાવો કર્યો હતો કે જેને આપણે ભૂલવાની કોશિશ કરીએ છીએ એ બાબતો સ્પીચની એરર બનીને સામે આવી જાય છે. જેના ઉપરથી આપણે ધ્યાન હટાવવા માગીએ છીએ એના ઉપર ખરેખર તો આપણું મસ્તિષ્ક વધુ ધ્યાન આપે છે એટલે દિમાગમાં જંગ જામે છે. દિમાગ જ્યારે ભાષણ અથવા તો લાંબી વાતો વગેરે પ્રવૃત્તિમાં વધુ રોકાયેલું હોય ત્યારે મસ્તિષ્કમાં ગરબડ સર્જાય છે અને એકાએક એવો કોઈ શબ્દ ભૂલ બનીને બહાર નીકળી જાય છે.

ઘણાં લોકો ગર્લફ્રેન્ડને એક્સ ગર્લફ્રેન્ડના નામે બોલાવી નાખતા હોય છે! પત્ની સામે એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઉચ્ચારી દેતા હોય છે. ઘણાં સમાચારોમાં આપણે વાંચીએ છીએ કે બેડ ઉપર એકાએક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડે બીજી વ્યક્તિનું નામ લઈ લેતા ખૂની ખેલ સર્જાયો! મતલબ કે દિમાગમાં એવી કશ્મકશ ચાલતી હોય છે કે એ નામ તો ભૂલથી ય નથી લેવું અને એનું જ નામ નીકળી જાય!

અમેરિકન મનોવિજ્ઞાની ડેનિયલ વેગ્નરે સ્પીચ એરરના સંશોધન પછી કહ્યું હતું કે મગજના જે ભાગને 'જબાનને લગામ' રાખવાનું કામ સોંપાયું છે એ ભાગ વધતી ઉંમરના કારણે, માથાની ઈજાના કારણે કે વધુ પડતી માહિતીના કારણે અથવા માનસિક તાણથી કામ કરતો બંધ થઈ જાય છે ત્યારે ન બોલવાનું બોલાય જાય છે.

ફ્રોઈડના સમકાલીન ઓસ્ટ્રિયન ભાષાશાસ્ત્રી રૂડોલ્ફ મેરિંગરે ફ્રોઈડની થીયરીને નકારી કાઢતા ૧૯૨૦માં ૧૦૦૦ લોકો ઉપર સંશોધન કરીને કહ્યું હતું કે બોલતી વખતે શબ્દોનો તાલમેલ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે એટલે ગરબડ થાય છે. આ ભાષાશાસ્ત્રીના મતે બોલવામાં ભૂલ થવાનો મુદ્દો દિમાગી બિલકુલ નથી, માત્ર જીભની ગરબડના કારણે જ એવી એરર થાય છે. મેરિંગરના મતે સ્લિપ ઓફ ટંગથી મનના અંદરુની ભાવો બહાર આવે એ વાતમાં કોઈ તથ્ય નથી, એને નિર્દોષ ગલતી ગણવી જોઈએ.

બ્રિટિશ મનોવિજ્ઞાની રોઝીન પેરેલબર્ગના મતે જીભ ઉપરનો કાબુ ગુમાવીને અચાનક કંઈક બોલી નાખવું તેની પાછળ વ્યક્તિની બોડી લેગ્વેજની ય ભૂમિકા ખરી. માણસ નર્વસ હોય ત્યારે, નશામાં હોય ત્યારે, બહુ જ ઉતાવળમાં હોય ત્યારે કે ઝડપથી બોલવાની આદતોના કારણે ય સ્લિપ ઓફ ટંગનો ભોગ બને છે.
                                                                         ***
દુનિયાભરના વિજ્ઞાનીઓ કહે છે કે આપણાં મસ્તિષ્કમાં ફિટ થયેલી સિસ્ટમ એ વાતની સતત કાળજી રાખે છે કે ક્યારે કઈ વાત બોલવી અને ક્યારે કઈ વાત ન બોલવી. પરિવારના સભ્યોને કહેવાની વાત બોસ સામે બોલાઈ જતી નથી ને માત્ર ફ્રેન્ડ્સને જ કહેવાનું હોય એ રહસ્ય સાથી કર્મચારી સામે છતું થતું નથી એ પાછળ દિમાગની એ જડબેસલાક સિસ્ટમ કામ કરે છે.

તેમ છતાં બોલવામાં ભૂલો થતી રહે છે, કારણે કે એક યા બીજા કારણે દિમાગમાં ગરબડો સર્જાતી રહે છે. એક અંદાજ પ્રમાણે માણસ દિવસ દરમિયાન લગભગ ૧૦-૧૫ હજાર શબ્દો બોલે છે અને એ દરમિયાન ૨૨ શબ્દો સ્લિપ ઓફ ટંગ થઈ જાય છે. પરફેક્શન ભાષણો વખતે કે ફિલ્મોના ડાયલોગ વખતે કાળજીપૂર્વક લાવવામાં આવે છે, નહીંતર સામાન્ય રીતે સંપૂર્ણ ફિટ અને સ્માર્ટ માણસ પણ દિવસ દરમિયાન બોલવામાં ભૂલો કરે છે. આટ-આટલા સંશોધનો છતાં માણસના મનની જેમ સ્લિપ ઓફ ટંગ પાછળનું રહસ્ય અકબંધ છે. આંગળી મૂકીને સ્પષ્ટ કરી શકાય એવું એકેય તારણ હજુ સુધી સંશોધનો તારવી શક્યા નથી.

સાધારણ માણસોની દરરોજની સરેરાશ ૨૨ ભૂલો યાદ રહેતી નથી, પરંતુ નેતાઓની આપણે યાદ કરી એવી ભૂલો વર્ષો સુધી યાદ રહે છે. જાહેર જીવનમાં સક્રિય લોકોની એક જવાબદારી છે એેટલે જ એમની ટંગ સ્લિપ ન થાય એ જરૂરી બની જાય છે. મહાનુભાવોની જુબાન એક વખત પણ લપસે તો ય વર્ષો સુધી એનો ઉઝરડો રહી જાય છે.

વિખ્યાત સર્જક વસીમ બરેલવીએ લખ્યું છે :
કૌન-સી બાત કહાઁ; કૈસે કહી જાતી હૈ
યે સલિકા હો, તો હર બાત સુની જાતી હૈ
પૂછના હૈ તો ગઝલ વાલો સે પૂછો જાકર
કૈસે હર બાત સલીકે સે કહી જાતી હૈ!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -