Posted by : Harsh Meswania Sunday 9 June 2019



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બીજેપી-ટીએમસી વચ્ચે એક-બીજાને જથ્થાબંધ પોસ્ટકાર્ડ મોકલવાની લડાઈ શરૂ થઈ છે. આ વૉર પોસ્ટવિભાગ માટે કેવું પરિણામ લાવશે? સરવાળે તેનાથી ફાયદો થશે કે નુકસાન?

ચૂંટણી પૂરી થઈ જાય પછી પણ ભારતમાં રાજકારણ પૂરું થતું નથી! ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હજુય એવું જ રાજકારણ ચાલું છે. તેના ભાગરૂપે બંને પક્ષોના કાર્યકરો એકબીજાના નેતાને પોસ્ટકાર્ડ મોકલીને રાજકીય વૉર આગળ વધારી રહ્યા છે.
પશ્વિમ બંગાળના ભાજપ યુનિટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને 'જય શ્રીરામ' લખેલા ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ પણ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને 'જય હિંદ, વંદે માતરમ્, જય બાંગ્લા' લખેલાં ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની ઘોષણા કરી. દસેક હજાર જેટલાં પોસ્ટકાર્ડ્સનો પહેલો જથ્થો તો નેતાઓને ડિલિવર પણ થઈ ચૂક્યો છે!


જો આમને આમ ચાલ્યું તો ભાજપ-ટીએમસી વચ્ચે ૩૦ લાખ પોસ્ટકાર્ડની આપ-લે થશે. કદાચ વધારે પણ થાય. બાબુલ સુપ્રિયો જેવા ભાજપના અન્ય નેતાઓએ પણ મમતા બેનર્જીને 'ગેટ વેલ સૂન' લખેલા પોસ્ટકાર્ડ્સ મોકલવાની જાહેરાત કરી હતી. એ રીતે જો અલગ અલગ સ્થળેથી ભાજપના નેતાઓ કેમ્પેઈન ચલાવે તો પોસ્ટકાર્ડ્સની સંખ્યા વધી શકે છે. સામે તૃણમૂલ કોંગ્રેસ પણ વળતો જવાબ આપશે જ એટલે પોસ્ટકાર્ડ્સની આપ-લેમાં બીજાં થોડાંક લાખ ઉમેરાઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય!
આ પોસ્ટકાર્ડ વૉરથી કોને કેટલો ફાયદો થશે અને કોને કેટલું નુકસાન થશે એ તો સમય કહેશે, પરંતુ એનાથી ભારતને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન થશે એ અત્યારથી જ નક્કી છે!
                                                                         ******
૧,૫૪,૯૬૫ પોસ્ટ ઓફિસ સાથે ભારતીય ટપાલ વિભાગ દુનિયાનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ધરાવે છે. ભારત જેવા વિશાળ દેશમાં સરેરાશ ૨૧ કિલોમીટરે એક પોસ્ટ ઓફિસ છે. દેશમાં પોસ્ટકાર્ડની સર્વિસ શરૂ થઈ તેને જુલાઈ-૨૦૧૯માં ૧૪૦ વર્ષ થશે. શરૂઆતમાં પોસ્ટવિભાગ કમાણી કરી આપતો વિભાગ હતો. કોમ્યુનિકેશનના માધ્યમો મર્યાદિત હતા ત્યારે ટપાલનું મહત્વ હતું એટલે તેમાંથી સરકારને ઠીક-ઠીક આવક પણ થતી. પછી આવક ઓછી થઈ છતાં થોડાંક વર્ષ નુકસાન થાય એવી સ્થિતિ સર્જાઈ ન હતી.


પરંતુ હવે દર વર્ષે પોસ્ટકાર્ડમાં સરકારને કરોડોનું નુકસાન થાય છે. પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ખૂબ ઊંચી છે, સામે આવક અતિશય ઓછી છે. ટપાલ વિભાગના છેલ્લાં અહેવાલ પ્રમાણે સરકાર એક સાદા પોસ્ટકાર્ડ પાછળ રૂ. ૧૨.૧૫નો ખર્ચ કરે છે. તેની બજાર કિંમત ૫૦ પૈસા છે. પ્રોડક્શન કોસ્ટની તુલનાએ આવક માત્ર ચાર ટકા છે. એક પોસ્ટકાર્ડ પાછળ સરકાર રૂ. ૧૧.૬૫ની ખોટ કરે છે.
સરકારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું એ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં પોસ્ટકાર્ડના પ્રોડક્શન ખર્ચમાં રૂપિયા ૪.૬૬નો વધારો થયો છે. ૨૦૧૦-૧૧ના વર્ષમાં સાદા પોસ્ટકાર્ડના ઉત્પાદન પાછળ રૂપિયા ૭.૪૯નો ખર્ચ થતો હતો. તે વધીને ૧૨.૧૫ રૂપિયા થયો છે. બીજી તરફ વેંચાણ કિંમત તો ત્યારે ય ૫૦ પૈસા હતી અને આજેય ૫૦ પૈસા જ છે.
૨૦૦૩-૦૪ના વર્ષમાં સાદા પોસ્ટકાર્ડનો પ્રોડક્શન ખર્ચ રૂ. ૬.૮૯ હતો અને ત્યારે ય સાદું પોસ્ટકાર્ડ ૫૦ પૈસામાં મળતું હતું. છેલ્લાં દોઢ દશકામાં પોસ્ટકાર્ડના પ્રોડક્શન ખર્ચમાં ૭૬ ટકાનો વધારો થયો છે, પરંતુ વેંચાણ કિંમતમાં એક પૈસાનો પણ વધારો થયો નથી. કદાચ ભારતની આ એકમાત્ર એવી સરકારી પ્રોડક્ટ છે, જેની કિંમત દાયકાઓથી જરાય વધી નથી.
૨૦૧૬-૧૭ના અહેવાલનો જ આધાર લઈએ તો પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ પાછળ ૧૧.૭૪ રૂપિયાનો ખર્ચ થાય છે. તેના એક વર્ષ પહેલાં એક પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૯.૨૭ રૂપિયામાં તૈયાર થતું હતું. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે છતાં તેનું વેંચાણ મૂલ્ય વધારાયું નથી.
ખોટ તો એમાં ય આવે જ છે, છતાં ય સાદા પોસ્ટકાર્ડમાં સરકારની તિજોરી ઉપર જેટલો બોજ આવે છે એટલો બોજ પ્રિન્ટેડ પોસ્ટકાર્ડથી આવતો નથી. કારણ કે તેની વેંચાણ કિંમત ૬ રૂપિયા છે. એક સાદું પોસ્ટકાર્ડ ૯૬ ટકા ખોટ કરે છે, જ્યારે પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૪૯ ટકા ખોટ કરે છે. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડનું આશ્વાસન એટલું છે કે તે ૫૧ ટકા ખર્ચ રિકવર કરે છે!
અંતર્દેશીય પત્રની હાલત પણ આમ તો એવી જ છે. ૧૨.૦૭ રૂપિયાના ખર્ચ પછી તે ૨.૫૦ રૂપિયા પાછા લાવે છે. ૨૦૧૫-૧૬માં અંતર્દેશીય પાછળ સરકારને ૯.૬૮ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખર્ચમાં અઢી રૂપિયા જેટલો વધારો થયો હતો, પરંતુ તેની વેંચાણ કિંમત યથાવત રાખવામાં આવી હતી.
પ્રતિયોગિતા (કૉમ્પિટિશન પોસ્ટકાર્ડ) પત્ર અને સાધારણ પત્ર એ બે પ્રોડક્ટ એવી છે કે જેમાં ૯૦ ટકા સુધીની રકમ પાછી આવે છે. પ્રતિયોગિતા પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ૧૧.૭૫ રૂપિયા છે અને તેની વેંચાણ કિંમત ૧૦ રૂપિયા છે. લેટર પાછળ ૧૩.૩૦ રૂપિયાનો ખર્ચ થાય છે અને તેનું મૂલ્ય ૧૨.૯૧ રખાયું છે. પરંતુ આ બંને પ્રોડક્ટની ખાસ ડિમાન્ડ રહેતી નથી. ઈનશોર્ટ, ભારતીય ટપાલ વિભાગની ઉપરોક્ત એકેય પ્રોડક્ટમાંથી નફો થતો નથી.
                                                                  ******
વેલ, અહીં કદાચ એવો ય સવાલ થાય કે હવે પોસ્ટકાર્ડ કોણ ખરીદતું હશે? ઈ-મેઈલ, મેસેજ, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાના જમાનામાં વધી વધીને કેટલાં પોસ્ટકાર્ડ વેંચાતા હોય? અમુક હજાર? કદાચ અમુક લાખ? પોસ્ટકાર્ડ્સ વેંચાતા નહીં હોય એટલે તેના ભાવ વધ્યા નહીં હોય. પોસ્ટકાર્ડ્સ વેંચાતા નહીં હોય તો ટપાલ વિભાગને ઝાઝી ખોટ થવાનો ય પ્રશ્ન નથી.
પણ ના. એવું બિલકુલ નથી. છેલ્લા રીપોર્ટ પ્રમાણે ૨૦૧૬-૧૭માં ૯૯.૮૯ કરોડ પોસ્ટકાર્ડ્સ વેંચાયા હતા. જી હા. ઓલમોસ્ટ ૧૦૦ કરોડ પોસ્ટકાર્ડ્સ હજુ ય એક વર્ષમાં વેંચાય છે. તેના આગલા વર્ષે ૧૦૪ કરોડ પોસ્ટકાર્ડ્સનો ઉપયોગ થયો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં પોસ્ટકાર્ડનો ઉપયોગ ઘટયો છે એ વાત સાચી છે છતાં એટલો મોટો ઘટાડો ય નથી આવ્યો.
૨૦૦૯-૧૦ના અહેવાલ પ્રમાણે ૧૧૯ કરોડ પોસ્ટકાર્ડ્સ વેંચાયા હતા. તેનો અર્થ એ કે ૨૦૧૦થી ૨૦૧૭ સુધીમાં પોસ્ટકાર્ડ્સના વેંચાણમાં ૧૬ ટકા જેવો ઘટાડો થયો હતો છતાં ય માતબર સંખ્યામાં પોસ્ટકાર્ડ્સનો વપરાશ થાય છે.
વર્ષે વેંચાતા ૧૦૦ કરોડ પોસ્ટકાર્ડ્સ પાછળ ટપાલ વિભાગ અંદાજે ૧૨૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચે છે અને વળતર માંડ ૫૦-૭૦ કરોડ હશે. કદાચ આ જ કારણ છે કે પોસ્ટ વિભાગ ભારતની ખોટ કરતી સરકારી કંપનીના લિસ્ટમાં પહેલી હરોળમાં છે. ચાલુ વર્ષના અંતે ટપાલ વિભાગની ખોટ ૧૫,૦૦૦ કરોડે પહોંચી જાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે.
                                                                ******
ધારો કે બીજેપી-ટીએમસી ખરેખર એકબીજાને ૩૦ લાખ પોસ્ટકાર્ડ્સ મોકલશે તો કદાચ પોસ્ટકાર્ડ્સના વેંચાણમાં નોંધપાત્ર વધારો થશે. તે સાથે જ પોસ્ટ વિભાગની ખોટમાં ય વધારો થશે! જો બંને પક્ષ સાદા પોસ્ટકાર્ડ્સ ઉપર પસંદગી ઉતારે તો ૩૦ લાખ પોસ્ટકાર્ડ્સ ખરીદવા માટે બંને પક્ષે મળીને ૧૫ લાખ રૂપિયા ખર્ચ કરવાનો થાય.
સાદા પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ૧૨.૧૫ રૂપિયા છે. તે હિસાબે ટપાલ વિભાગને આ પોસ્ટકાર્ડ્સ પાછળ ૩,૬૪,૫૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થશે. તેનો સાદો અર્થ એ પણ થયો કે બીજેપી-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર દેશને ૩.૬૪ કરોડ રૂપિયામાં પડશે! પડતર કિંમતમાંથી ૧૫ લાખ ઘટાડીએ તો ય તો ય સાડા ત્રણ કરોડની ખોટ તો નક્કી જ છે.
માનો કે આ બંને પાર્ટી પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ઉપર પસંદગી ઉતારે તો નુકસાન થોડુંક ઘટે. ભાજપ ૧૦ લાખ પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ્સ ખરીદે તો એ પાછળ ૬૦ લાખ રૂપિયા પાર્ટીએ ખર્ચવા પડે. તૃણમૂલ કોંગ્રેસ ૨૦ લાખ પોસ્ટકાર્ડ્સ ખરીદે તો એ માટે ૧.૨૦ કરોડ ખર્ચવાના થાય. થોડાંક પોસ્ટકાર્ડ્સની આપ-લે વધે અને બંને પાર્ટી પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ પાછળ બે કરોડ ખર્ચે તો પણ પોસ્ટવિભાગને ફાયદો તો નથી જ થવાનો. પણ હા નુકસાન ઓછું થશે. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૧૧.૭૪માં તૈયાર થાય છે, પરંતુ તેનો ભાવ ૬ રૂપિયા હોવાથી ખોટની ટકાવારી ઘટશે.
                                                                    ******
ચલો, આને જરાક જુદી રીતે વિચારીએ! ભાજપ-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર ધારો કે સોશિયલ મીડિયામાં છેડાય. બંને પક્ષોના કાર્યકરો એકબીજાના નેતાને ટેગ કરીને ભલે 'જય શ્રી રામ', 'જય બાંગ્લા', 'જય હિંદ', 'વંદે માતરમ્'ના સૂત્રો લખે. આમેય ટ્વીટર ઉપર ટેગ કરવામાં કોઈ પાબંદી નથી. ૩૦ લાખ પોસ્ટકાર્ડની જાહેરાત થઈ છે એને બદલે કદાચ દરરોજ કે દર અઠવાડિયે સામ-સામી ૩૦-૩૦ લાખ ટ્વીટ કરીને નારા લખી શકે અને એનો વળી કોઈ ખર્ચ નથી, સિવાય કે સમય અને ડેટા!
જો આવું થાય તો પેલા પ્રિન્ટેડ પોસ્ટકાર્ડની ખરીદી પાછળ બંને પાર્ટીએ ખર્ચવાના થતાં અંદાજિત બે કરોડ રૂપિયાનું શું? દેશમાં હકારાત્મક રાજનીતિ થતી હોત તો આ બે કરોડ રૂપિયાથી કાચા મકાનમાં કે ઝુંપડામાં રહેતા ઘણાં પરિવારો પાકા ઘરમાં રહેવા માંડે.
હા. જરૂરતમંદ પરિવારોને બે લાખની સહાય થાય અને સરકાર જમીન આપે (બંને પક્ષ સત્તામાં છે, ભાજપ શાસિત કેન્દ્ર સરકાર તેમના અધિકારક્ષેત્રમાં અને ટીએમસી પશ્વિમ બંગાળમાં તેમના અધિકારક્ષેત્રમાં જમીન આપી શકવા સક્ષમ છે) તો ૧૦૦ પરિવારો ઉપર છત બની શકે. ટપાલ વિભાગની ૩૦ લાખ ટપાલોમાં થતી ખોટ બચી જાય એ નફામાં, ને હડિયાપટ્ટી કરવામાંથી ઘણાં પોસ્ટમેનને મુક્તિ મળે તે વળી ટપાલવિભાગ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ!
પરંતુ આપણે ત્યાં આવું થતું નથી. આમાં ય નહીં થાય. મતોના ગણિતથી રાજકારણ થતું હોય ત્યાં મતિના ગણિત માંડીને રાજકારણ થશે એવી અપેક્ષા ય રાખી શકાય તેમ નથી.
વેલ, અત્યારે તો બીજેપી-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર જુઓ. આખરે આ તમાશો દેશના ટેક્સપેયર્સની મનીમાંથી જ તો થશે. પોસ્ટવિભાગની વર્ષોવર્ષની ખોટ બીજે તો ક્યાંથી ભરપાઈ થશે?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -