Posted by : Harsh Meswania Friday 8 April 2022

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


દુનિયાના પહેલા નંબરના ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સત્તાવાર રીતે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરમાં એન્ટ્રી લીધી છે. વિવિધ ઉભરતા ક્ષેત્રોમાં ઝડપભેર રોકાણ કરી રહેલા ઈલોન મસ્ક સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રવેશ્યા હોવાથી નવાં સમીકરણો રચાશે

**********************

ઈલોન મસ્કે અગાઉ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવું કે નહીં તે બાબતે ટ્વિટરમાં એક સર્વેક્ષણ કર્યું હતું, એમાં ઘણાં યુઝર્સે ટ્વિટરને જ ખરીદીને એમાં સુધારા-વધારાની સલાહ આપી હતી. કદાચ મસ્કે એ સલાહ ગંભીરતાથી લઈને ટ્વિટરનો ૯ ટકા હિસ્સો ખરીદ્યો લાગે છે!

***********************


૨૬૫ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ઈલોન મસ્કે ટ્વિટરનો ૯ ટકા હિસ્સો ખરીદીને બોર્ડમાં એન્ટ્રી લીધી છે. ઈલોન મસ્કે ટ્વિટરમાં એન્ટ્રી લીધી તેની ઘણી દૂરગામી અસરો થશે. દુનિયાભરના રોકાણકારો ટ્વિટર તરફ વળશે. યુઝર્સનો અવાજ બનીને મસ્ક ટ્વિટરમાં આવ્યા હોય એવી છાપ અત્યારે તો પડી છે. મસ્ક જ્યાં રોકાણ કરે ત્યાં દુનિયાભરના રોકાણકારો નાણા રોકે છે. ટેસ્લાના વાર્ષિક સરવૈયામાં દુનિયાને જાણ થઈ કે મસ્કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે તો ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. ટ્વિટરમાં મસ્કની એન્ટ્રી થઈ તેનાથી સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે ચાલતી હરીફાઈ વધારે રસપ્રદ બનશે.

ઈલોન મસ્ક નવી જનરેશનમાં બેહદ પોપ્યુલર છે. ટ્વિટરમાં જ તેના આઠેક કરોડ ફોલોઅર્સ છે. ટ્વિટરના બોર્ડમાં સામેલ નહોતા થયા તે પહેલાંથી જ મસ્ક ટ્વિટરમાં ખૂબ એક્ટિવ છે. કેટલીય નવી જાહેરાતો તેમણે ટ્વિટરના માધ્યમથી કરી છે. તેમણે થોડા મહિના પહેલાં ટ્વિટરમાં એક સર્વેક્ષણ કર્યું હતું. નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવું કે નહીં? તે બાબતે તેમણે લોકોની સલાહ લીધી હતી. એ વખતે ઘણાં યુઝર્સે મસ્કને સલાહ આપી હતી કે ટ્વિટર ખરીદી લો અને એમાં જે જરૂરી લાગે તે સુધારા કરી નાખો! કદાચ મસ્કે એ સલાહને ગંભીરતાથી લીધી લાગે છે. ટ્વિટરનો હિસ્સો ખરીદ્યો તે ગાળામાં જ મસ્કે બીજું એક સર્વેક્ષણ પણ ટ્વિટરમાં કરાવ્યું હતું, એમાં ટ્વિટર યુઝર ફ્રેન્ડલી છે કે નહીં તે પૂછવામાં આવ્યું હતું અને સાથે સાથે ઉમેર્યું હતું કે આ સર્વેક્ષણમાં બહુ જ ધ્યાનથી જ જવાબ આપજો, તેની દૂરગામી અસરો થશે.

મસ્ક ટ્વિટરના યુઝર તરીકે અગાઉ એડિટ બટનની ભલામણ કરી ચૂક્યા છે. ટ્વિટરમાં એક વખત ટ્વીટ્સ થાય પછી તેને એડિટ કરી શકાતી નથી. ફેસબુક એડિટની સુવિધા આપે છે. ટ્વિટરમાં એડિટ બટનની માગણી ઘણા વખતથી થાય છે. ટ્વીટ્સમાં કંઈ ભૂલ રહી જાય કે બીજું કંઈ પણ હોય, ટ્વીટ ડિલિટ જ કરવી પડે છે. એ જ ટ્વીટમાં કંઈ સુધારો અથવા સ્પષ્ટતા ઉમેરવી હોય તો બીજી ટ્વીટ કરવી પડે છે. આ માગણી ઉપરાંત શબ્દોની મર્યાદા વધારવાથી લઈને બધા જ યુઝર્સને વીડિયો-વોઈસની મર્યાદા વધારીને એક સરખી આપવાની ડિમાન્ડ થાય છે. આ બાબતો ઈલોન મસ્કની એન્ટ્રી પછી કદાચ બદલાઈ જશે. મસ્ક ખુદ ટ્વિટરમાં એડિટ બટનની તરફેણમાં છે. યુઝર્સના વોઈસ તરીકે મસ્કે જ્યારે ટ્વિટર બોર્ડમાં પ્રવેશ કર્યો છે ત્યારે એડિટ બટન ઉમેરાય એવી શક્યતા તો પહેલાં જ દિવસથી વ્યક્ત થઈ રહી છે. તે ઉપરાંત મસ્ક ટ્વિટરની ટીકા એ વાતે કરતા કે ટ્વિટર ફ્રી સ્પીચના ધોરણોનું પાલન કરતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ થયા તે વખતે મસ્કે તેમને ય તેમની વાત મૂકવાનો અધિકાર છે એવો મત વ્યક્ત કર્યો હતો. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સ્થાપક જેક ડોર્સીએ મસ્કના સૂચનોને ગંભીરતાથી લેવાના સંકેતો આપ્યા છે. તેના પરથી અટકળો શરૂ થઈ છે કે મસ્ક ઘણાં ફેરફારો કરીને ટ્વિટરને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ બનશે.

મસ્કના કારણે સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે હરીફાઈ રસપ્રદ બનશે. ફેસબુક ટ્વિટરની સરખામણીમાં ઘણી મોટી કંપની છે. ફેસબુકે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ખરીદીને સોશિયલ મીડિયામાં તેનું સ્થાન વધારે મજબૂત કરી દીધું છે. એક્ટિવ યુઝર્સની બાબતે પણ ફેસબુક ક્યાંય આગળ છે. મન્થલી ફેસબુક યુઝર્સનો આંકડો ૨૮૦ કરોડ છે. જ્યારે ટ્વિટરના ડેઈલી એક્ટિવ યુઝર્સ ૨૧ કરોડ જેટલાં છે. મન્થલી એક્ટિવ યુઝર્સનો આંકડો ૩૫ કરોડથી વધારે નથી. આવા સંજોગોમાં ટ્વિટરે ભવિષ્યમાં પણ સોશિયલ મીડિયામાં પ્રભાવ જાળવી રાખવા માટે પ્રયાસો કરવા જરૂરી છે, એ પ્રયાસોના ભાગરૂપે જ ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ ઈલોન મસ્કની એન્ટ્રી કરાવી છે. ડોર્સીના આ એક જ પગલાંથી સોશિયલ મીડિયામાં સમીકરણો બદલાઈ જશે.

મસ્ક જેવા દુનિયાના નંબર-વન ઉદ્યોગપતિની ટ્વિટરમાં એન્ટ્રી થાય તો તેનાથી ફેસબુક પણ ચેતી જશે. જેક ડોર્સી ફેસબુકનો જેટલો વિરોધ નથી કરતાં એટલો વિરોધ મસ્ક કરે છે. મસ્કની આ આક્રમકતા ફેસબુકને લાંબાંગાળે ભારે પડશે નહીં એ જોવું રસપ્રદ થઈ પડશે.

માર્ક-મસ્ક વચ્ચે અણબનાવ

ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક વચ્ચે અણબનાવ જૂનો છે. ૨૦૧૬માં સ્પેસએક્સના રોકેટે ભૂલથી ફેસબુકના સેટેલાઈટને તોડી પાડયો હતો ત્યારે બંને વચ્ચે ચકમક ઝર્યા હતા. માર્ક ઝકરબર્ગે તે બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ઝકરબર્ગે કહ્યું હતું કે સ્પેસએક્સ તો નિષ્ફળ જાય એમાં ખાસ નવાઈ નથી, પરંતુ મારો સેટેલાઈટ તોડી પાડયો તે ઘણાં ઉદ્યોગ સાહસિકોને ઈન્ટરનેટ આપતો હતો. એ પછી મસ્કે વળતો જવાબ આપીને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે મફતમાં તેમને સેટેલાઈટ લોચિંગની સુવિધા આપી હતી, પણ એ નિર્ણય ભૂલ ભરેલો હતો. ૨૦૧૭માં બંને વચ્ચ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મુદ્દે દલીલો થઈ હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ખાસ તો વર્ચ્યુઅલ રિયાલિટી બાબતે ઈલોન મસ્કે ટ્વિટરમાં ફેસબુકની ટીકા કરી હતી.


તે વખતે ઝકરબર્ગે જવાબમાં મસ્કના વલણની ઝાટકણી કાઢી હતી. બંને વચ્ચેનો અણબનાવ વધારે લાઉડ થયો હતો ૨૦૧૮માં, જ્યારે ફેસબુક સામે યુરોપિયન સંઘે પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બ્રિટિશ એનાલિટિકાનો વિવાદ સર્જાયો હતો. એ વખતે મસ્કે ટેસ્લાના બધા જ ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યા હતા. તેની જાહેરાત ટ્વિટરમાં કરી હતી. મસ્કે ટ્વિટરમાં લખ્યું હતું કે આ નિર્ણય રાજકીય નથી. મને ફેસબુક ગમતું નથી એટલે મેં ડિલિટ કરી નાખ્યું. મસ્કે તે પછીના વર્ષોમાં ફેસબુક ડિલિટ કરવાની ટ્વિટરમાં ઝુંબેશ ચલાવી હતી. એમાંય કેપિટલ હિલ્સમાં હિંસા થઈ ને ફેસબુક પોસ્ટની ભૂમિકા સામે આવી ત્યારે મસ્કે એ ઝુંબેશ આક્રમક કરી દીધી હતી. ફેસબુક નફરત ફેલાવતી પોસ્ટને ઉત્તેજન આપે છે.

પોતાના ફાયદા માટે આવી પોસ્ટને વધારે રીચ અપાવે છે ત્યાં સુધીના આરોપો મસ્કે મૂક્યા હતા. મસ્કે તો વોટ્સએપને બદલે સિગ્નલ વાપરવાની ભલામણ ટ્વિટરના યુઝર્સને કરી હતી. ફેસબુકના માર્ક ઝકરબર્ગે મસ્કના આ વલણની ઝાટકણી કાઢવાની સાથે સાથે જેફ બેઝોસ સાથે પણ દોસ્તી બનાવી લીધી છે. એક સમયે જેફ બેઝોસ ઝકરબર્ગની કટાક્ષમાં ટીકા કરતા હતા, પણ હવે હરીફના હરીફો દોસ્ત બન્યા હોવાથી જ ફેસબુકે મેટાવર્સની જાહેરાત કરી તે પહેલાં સેટેલાઈટ ઈન્ટરનેટનો આખો પ્રોજેક્ટ બેઝોસને આપી દીધો હતો. ટ્વિટરમાં મસ્કની એન્ટ્રી આ બંને માટે પણ મહત્વની બની રહેશે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -