Posted by : Harsh Meswania Friday 29 April 2022

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


સલામત સરકારી નોકરી મેળવવાનું સપનું ભરયુવાનીમાં પાર પાડવું. અઢળક પૈસા કમાવાનું ડ્રીમ ઉંમરની ત્રીસીમાં પૂરું કરવું. રાજકારણમાં જઈને કેન્દ્રીય કેબિનેટમાં સૌથી યુવામંત્રી બનવું. પરંપરાગત રાજકીય પાર્ટીઓ છોડીને પોતાના નિર્ણયો લેવાની મોકળાશ હોય એવો ખુદનો રાજકીય પક્ષ બનાવવો અને ૪૦ વર્ષે લિબર્ટી માટે જગતના નકશામાં અલગ તરી જતાં દેશના પ્રમુખ બનીને રાષ્ટ્રનો સૌથી શક્તિશાળી હોદ્દો મેળવવો - આ છે ઈમેન્યુઅલ મેક્રોંની ડ્રીમ જર્ની.

 

ઈમેન્યુઅલ મેક્રોં. આ માણસની કારકિર્દીનો ગ્રાફ ફિલ્મની સ્ટોરી જેવો અણધાર્યો છે. ફ્રાન્સના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો તેજસ્વી છોકરો પેરિસની જગવિખ્યાત સાયન્સ ઈન્સ્ટિટયૂટ ઈએએસમાં પ્રવેશ ન મળવાના કારણે પેરિસ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં ડિગ્રી મેળવે છે. ૨૧-૨૨ વર્ષની ઉંમરે ફ્રાન્સના જાણીતા ફિલોસોફર પૌલ રિકોનરના સહાયક બનીને મેગેઝીનનું સંપાદન સંભાળે છે. પબ્લિક અફેર્સમાં માસ્ટર્સ કર્યા બાદ ૨૬ વર્ષની વયે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને સરકારના નાણામંત્રાલય હેઠળ આવતા ઓડિટ વિભાગમાં અધિકારી બને છે. ૨૯મા વર્ષે ફ્રાન્સની ટોચની મહિલા સાહસિક લોરેન્સ પ્રિસોટ તેમની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ ઓફર કરે છે, પરંતુ એ નકારીને મેક્રોં ૩૧મા વર્ષે સરકારી નોકરી મૂકીને ઈન્વેસ્ટમેન્ટ બેંકર બની જાય છે.

રોથ્સચિલ્ડ એન્ડ કંપનીમાં તોતિંગ પગારની નોકરી કરે છે અને ત્રણ જ વર્ષમાં ૩૦ લાખ ડોલરની કમાણીથી ધનવાન યુવાનોના લિસ્ટમાં નામ નોંધાવે છે. ત્રણેક વર્ષમાં એ નોકરી છોડીને મલ્ટિનેશનલ કંપની અવરિલના સીઈઓ ફિલિપી ટિલોસના સલાહકાર બને છે. સાથે સાથે એ જ અરસામાં રાજકીય સક્રિયતા પણ વધારે છે. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાન્સિકો ઓલાન્દેથી પ્રભાવિત થઈને સોશિયલિસ્ટ પાર્ટીમાં જોડાય જાય છે. ખાનગી નોકરીઓ દરમિયાન રાજકીય મહાત્વાકાંક્ષા જાહેર કરીને સોશિયલિસ્ટ પાર્ટીમાંથી સાંસદની ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે, પરંતુ પાર્ટીએ ઉમેદવાર ન બનાવ્યા એટલે ખાનગી નોકરી ચાલુ રાખે છે.

૨૦૧૨માં સોશિયલિસ્ટ પાર્ટીના ફ્રાન્સિકો ઓલાન્દે પ્રમુખ બન્યા. ઓલાન્દેની સરકારમાં ઈમાન્યુઅલ મેક્રોંને અર્થતંત્ર અને ઉદ્યોગમંત્રીની જવાબદારી મળી ત્યારે તેમની ઉંમર માત્ર ૩૭ વર્ષ હતી. એ વખતે મેક્રોં ફ્રાન્સની સરકારમાં સૌથી યુવા મંત્રી હતા. તેમણે ફ્રાન્સના ઈન્ડસ્ટ્રિયલ કલ્ચરમાં ઘણાં પરિવર્તનો કયાંર્. સપ્તાહમાં કામના ૩૭ કલાકમાંથી ૩૫ કલાક કરવા ઉપરાંત બિઝનેસ-ફ્રેન્ડલી રિફોર્મ્સ પણ લાવ્યા. તેમનું યુરોપિયન સંઘ તરફી સ્પષ્ટ વલણ હોવાથી ફ્રાન્સમાં તેમની લોકપ્રિયતા વધતી જતી હતી. ૨૦૧૫માં તેમણે જાહેરાત કરી કે એ હવે સોશિયલિસ્ટ પાર્ટીના સભ્ય નથી, સ્વતંત્ર રાજકારણી છે. તેમણે એ અરસામાં સ્વતંત્ર વિચારધારા વિકસાવવા તરફ ધ્યાન આપ્યું.  ટીવી શો કરીને લોકોના ઓપિનિયન મેળવ્યા. ફ્રાન્સના મીડિયાએ મેક્રોંને દેશનું ભવિષ્ય ગણાવ્યું અને તેમની અર્થતંત્રની સૂઝના વખાણ થવા લાગ્યા. મેક્રોંએ માત્ર ૩૮-૩૯ વર્ષની વયે એક અઠંગ રાજકારણીની જેમ એ ઇમેજનો બરાબર ફાયદો મેળવ્યો અને ૨૦૧૬માં જમણેરી-ડાબેરી કરતાં અલગ પ્રગતિશીલ વિચારધારા ધરાવતા ધ વર્કિંગ રિપબ્લિક પક્ષની સ્થાપના કરી. ફ્રેન્ચ ઉચ્ચાર પ્રમાણે લારેમ નામનો આ પક્ષ જોતજોતામાં આખા ફ્રાન્સમાં લોકપ્રિય થઈ ગયો. ૨૦૧૭માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં કટ્ટર ડાબેરી અને કટ્ટર જમણેરી નેતાઓની વચ્ચે મોડર્ન વિચારધારા ધરાવતા ૪૦ વર્ષના યુવા નેતા ઈમાન્યુઅલ મેક્રોં ૬૬ ટકા મતો મેળવીને પ્રમુખ બન્યા.

...અને એ રીતે મધ્યમવર્ગમાં જન્મેલો તેજસ્વી છોકરો એક દશકામાં સરકારી અધિકારીમાંથી આખા દેશનો પ્રમુખ બની ગયો. વચ્ચેના સમયગાળામાં ઘણી નાની-મોટી જવાબદારીઓ નિભાવી એ અલગ. અગાઉ કહ્યું તેમ, કોઈ ફિલ્મની સ્ટોરી હોય એવી મેક્રોંની કારકિર્દી છે. જાણે એક ડ્રીમ જર્ની! સલામત સરકારી નોકરી મેળવવાનું સપનું ભરયુવાનીમાં પાર પાડવું. અઢળક પૈસા કમાવાનું ડ્રીમ ઉંમરની ત્રીસીમાં પૂરું કરવું. રાજકારણમાં જઈને કેન્દ્રીય કેબિનેટમાં સૌથી યુવામંત્રી બનવું. પરંપરાગત રાજકીય પાર્ટીઓ છોડીને પોતાના નિર્ણયો લેવાની મોકળાશ હોય એવો ખુદનો રાજકીય પક્ષ બનાવવો અને ૪૦ વર્ષે લિબર્ટી માટે જગતના નકશામાં અલગ તરી જતાં દેશના પ્રમુખ બનીને રાષ્ટ્રનો સૌથી શક્તિશાળી હોદ્દો મેળવવો - આ છે ડ્રીમ જર્ની.

યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની આવડતે આ માણસને દેશનો સર્વોચ્ચ હોદ્દો એક વખત નહીં બે વખત અપાવ્યો છે. પ્રમુખપદ સિવાય કોઈ કામ મેક્રોંએ લગલગાટ પાંચ વર્ષ નથી કર્યું! ફ્રાન્સના મતદારોએ એક વખતની તેમની પ્રશંસનીય કામગીરી પછી હવે બીજી વખત પણ પ્રમુખપદનો કાર્યભાર આપ્યો છે, પરંતુ આગામી પાંચ વર્ષ ફ્રાન્સના પ્રમુખ માટે પડકારભર્યા રહેશે. પહેલો પડકાર તો બે મહિના પછી આવતી નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં જ સર્જાશે. જો વિપક્ષો ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં બહુમતી મેળવશે તો આગામી પાંચ વર્ષ સુધી સંસદીય કાર્યવાહીમાં અવરોધો આવશે. ખાસ તો મેક્રોં જે મહાત્ત્વાકાંક્ષી બિલ પસાર કરીને આર્થિક નીતિમાં પરિવર્તન કરવા ધારે છે એમાં મોટો ફટકો પડી શકે છે. મેક્રોં માટે આ સૌથી પહેલો અને મહત્વનો પડકાર રહેશે. ૨૦૧૭માં ફ્રાન્સના નાગરિકોએ સંપૂર્ણ પરિવર્તનનો નારો સ્વીકારીને પ્રમુખપદ ઉપરાંત નેશનલ એસેમ્બલીમાં પણ તેમના પક્ષને વિજેતા બનાવ્યો હતો. ફ્રાન્સની રાજનીતિ છેલ્લાં ઘણાં દશકાઓથી ડાબેરી કે જમણેરી વિચારધારા વચ્ચે કેન્દ્રિત થઈ ગઈ હતી. જનતા એમાં પરિવર્તન ઈચ્છતી હતી. નાગરિકોની નાડ પારખીને મેક્રોંએ નહીં જમણેરી, નહીં ડાબેરી એવી મધ્યવર્તી પ્રગતિશીલ વિચારધારા અમલી બનાવી. એમાં ધાર્મિક સહિષ્ણુતા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હતી.

યંગ જનરેશનને મેક્રોંની લિબરલ નીતિ માફક આવે છે. વળી, મેક્રોંની આર્થિક વિચારધારા પ્રો-ઈયુ રહી છે. યુરોપિયન સંઘ સાથે ખભેખભો મિલાવીને ફ્રાન્સનો વિકાસ થાય એવી આર્થિક નીતિની તેમણે પહેલેથી જ તરફેણ કરી છે. તેમના એ વલણથી ફ્રાન્સનું સ્થાન યુરોપિયન સંઘમાં વધારે મજબૂત થયું છે, વધારે સન્માનીય બન્યું છે. બીજી વખત પ્રમુખ બનેલા મેક્રોં પણ યુરોપિયન સંઘમાં વધારે શક્તિશાળી બન્યા છે. યુરોપિયન સંઘના સીનિયર નેતા હોવાથી હવે પાંચ વર્ષ તેઓ માર્ગદર્શક-સંચાલકની ભૂમિકા ભજવશે. અત્યાર સુધી યુરોપિયન સંઘમાં જર્મનીના એન્જેલા મર્કેલનો દબદબો હતો, તેમના નિર્ણયોનો, નીતિઓનો પ્રભાવ હતો. મર્કેલના રાજકીય સન્યાસ પછી હવે એક રીતે મેક્રોંના હાથમાં યુરોપિયન સંઘની બાગડોર રહેશે. ફ્રાન્સનું અર્થતંત્ર મજબૂત બનાવવાની સાથે સાથે મેક્રોંના ખભે યુરોપિયન યુનિયનને એકજૂટ રાખીને આર્થિક મજબૂતી તરફ દોરી જવાની જવાબદારી પણ રહેશે.

મેક્રોંના વિજયથી ભારતને ફાયદો થશે

ઈમેન્યુઅલ મેક્રોં ફરીથી ફ્રાન્સના પ્રમુખ બન્યા તે ભારતના દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું છે. મોદી-મેક્રોં વચ્ચે વ્યક્તિગત ટયુનિંગ બહેતર હોવાથી છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારત-ફ્રાન્સના આર્થિક-લશ્કરી સંબંધો મજબૂત બન્યા છે. મેક્રોંના કાર્યકાળ દરમિયાન ફ્રાન્સે યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની ભારતની માગણીને હંમેશા સમર્થન આપ્યું છે. ભારત-ફ્રાન્સના આર્થિક સંબંધો વધારે બહેતર બન્યા છે. અત્યારે દ્વિપક્ષીય વેપાર ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ યુરોનો છે અને ૨૦૨૫ સુધીમાં દ્વિપક્ષીય વેપાર ૧૫૦૦ કરોડ યુરો સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. સંરક્ષણ, અંતરિક્ષ, ટેકનોલોજી સહિતના કેટલાય ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધ્યો છે. ભારતમાં ફ્રાન્સની એક હજાર કરતાં વધુ કંપનીઓ કાર્યરત છે અને તેમનો વેપાર ૨૦૦૦ કરોડ ડોલરનો છે. મેક્રોં ઉદાર આર્થિક નીતિની તરફેણ કરતા હોવાથી ભારતીય કંપનીઓ માટે ફ્રાન્સમાં રોકાણની નવી તકો સર્જાશે. ભારત આગામી એક દશકામાં યુરોપમાં આર્થિક-સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રનો સહકાર વધારવા ધારે છે અને એમાં ફ્રાન્સ ખૂબ મહત્ત્વનું સાથીદાર બનશે. મેક્રોંની ઉદારવાદી, મધ્યવર્તી, પ્રગતિશીલ નીતિ ભારતને વધુ માફક આવશે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -