Posted by : Harsh Meswania Friday 6 May 2022

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા



અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા તુર્કીમાં સાઉદીના દૂતાવાતમાં થઈ હતી. આ હત્યાનો કેસ તુર્કીમાં ચાલતો હતો. એ વખતે તુર્કી-સાઉદી અરબના રાજદ્વારી સંબંધો તંગ બની ગયા હતા. હવે બંને દેશો વચ્ચે સોદો થઈ ગયો છે. સાઉદી તુર્કીમાં રોકાણ કરશે અને તુર્કી તેના બદલામાં ખાશોગીનો કેસ સાઉદીમાં ટ્રાન્સફર કરશે!


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપયાત્રા, રશિયન પ્રમુખની રહસ્યમય બીમારીની સારવાર, યુક્રેનને અમેરિકાની લશ્કરી મદદ, નાટોને રશિયાની ધમકી, ઈમરાન ખાન સામે તોળાતી ધરપકડની તલવાર, તાલિબાન અને પાકિસ્તાની લશ્કર વચ્ચે ઘર્ષણ, જેરૂસલેમમાં ઈઝરાયેલી પોલીસ અને પેલેસ્ટાઈની પથ્થરબાજો વચ્ચે થયેલી હિંસા....

આ બધા ન્યૂઝ અપડેટ્સ વચ્ચે તુર્કીના પ્રમુખ રેચેપ તૈયબ એર્દોઆનનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ખાસ નોંધપાત્ર ન બન્યો. અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગીની ૨૦૧૮માં તુર્કી સ્થિત સાઉદીની દૂતાવાસમાં હત્યા થઈ પછી વૈશ્વિક દબાણ હેઠળ તુર્કીએ તપાસ હાથ ધરી હતી. એમાં એક પછી એક નવા નવા ધડાકા થતા હતા અને આરોપ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સુધી પહોંચ્યો. ખાશોગી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બિન સલમાનની રાજકીય-આર્થિક નીતિઓના પ્રખર ટીકાકાર હતા. અવારનવાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ', 'મિડલ ઈસ્ટ આય', અલ-અરબ ન્યૂઝ ચેનલમાં સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા હતા. સાઉદીની સરકાર સાથે ખાશોગીને વર્ષોથી ઘર્ષણ ચાલતું હતું. ૨૦૦૫માં તેમને સાઉદીના દબાણ હેઠળ દેશ છોડીને બ્રિટનમાં ભાગી જવું પડયું હતું. ૨૦૧૭માં અમેરિકાના નાગરિક બન્યા પછી ખાશોગીએ 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં કામ શરૂ કર્યું હતું. મિડલ ઈસ્ટના નિષ્ણાત પત્રકાર કટારલેખક તરીકે ખાશોગી અવારનવાર સનીસનીખેજ અહેવાલો-લેખો લખતા હતા. સાઉદીના ક્રાઉન પ્રિન્સના ઈશારે ખાશોગીની હત્યા થઈ છે એવા આરોપ પછી તુર્કીમાં કેસ ચાલતો હતો. તેના કારણે તુર્કી-સાઉદીના વચ્ચે સંબંધો બગડયા હતા. રાજદ્વારી સંબંધો ઉત્તરોત્તર એટલા વણસ્યા કે એકબીજાના દેશોના નેતાઓ તો ઠીક વિદેશમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ પણ એક-બીજા દેશનો પ્રવાસ બંધ કરી દીધો હતો.

પરંતુ છેલ્લાં એક વર્ષથી બંને દેશોના સંબંધો સુધારવાની કોશિશો ચાલતી હતી. ખાશોગીના કેસથી જામી ગયેલો બરફ ઓગળવાની શરૂઆત થઈ ગયા વર્ષે મે મહિનામાં. મે-૨૦૨૧માં તુર્કીના વિદેશ મંત્રી મૌલુદ જાવેશ ઉગલુએ સાઉદીનો પ્રવાસ કર્યો હતો અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાનને મળીને સંબંધો સુધારવા રજૂઆત કરી હતી. એ પછી દ્વિપક્ષીય નિવેદનો આવ્યાં હતાં, જેમાં બંને દેશો આંતરિક સમસ્યા ઉકેલવાની દિશામાં કામ કરે છે એમ કહેવાયું હતું, પરંતુ પડદા પાછળ ખાશોગીનો કેસ સેટ થયો હતો. જમાલ ખાશોગીને ન્યાય મળે તે માટે સક્રિય પત્રકારોના સંગઠનો અને માનવ અધિકાર પંચોએ તે વખતે એવી દહેશત વ્યક્ત કરી હતી કે ખાશોગીના કેસની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે અને કેસ તુર્કીમાં ચાલવો જોઈએ. સાઉદીમાં કેસ ટ્રાન્સફર થશે તો ન્યાય નહીં મળે.

પણ સાઉદીની ડિમાન્ડ બહુ સ્પષ્ટ હતી. ખાશોગીનો કેસ સાઉદીમાં ચાલે તો જ વાત બને તેમ હતી. અમેરિકા કે બીજા કોઈ પણ દેશની દખલ વગર એમાં ધારણા પ્રમાણેનો ચુકાદો સાઉદી તો જ આપી શકે, જો કેસ તેમની કોર્ટમાં ચાલે! ક્રાઉન પ્રિન્સ બિન સલમાન સુધી ખાશોગીની હત્યાના છાંટા ઉડી ચૂક્યા હતા, હત્યામાં એની સંડોવણી ન ખૂલે તે માટે કેસ તુર્કીને બદલે સાઉદીમાં ચાલે તે જરૂરી નહીં, અનિવાર્ય હતું. સાઉદીના અધિકારીઓ અગાઉ પણ તુર્કીની સરકાર સામે કેસ સાઉદીમાં ટ્રાન્સફર કરવાની રજૂઆત કરી ચૂક્યા હતા. બંને દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં એ જ મુદ્દો બંધ બારણે સેટ થયો હતો.

પછી આ વાતને એક વર્ષનો પડદો પાડી દેવાયો. ખાશોગીનો કેસ જેમ ચાલે છે તેમ ચાલતો રહ્યો. પણ તુર્કીના સરકારી વકીલની દલીલો કોર્ટમાં બદલાઈ ગઈ. તુર્કીની સરકારે કેસ સાઉદીમાં ચાલે એવી વકીલાત કરવા માંડી. હત્યામાં સંડોવાયેલા સાઉદીના નાગરિકો છે એટલે સાઉદીને તેમની રીતે કેસ ચલાવવાનો અધિકાર મળવો જોઈએ એવી દલીલો કોર્ટમાં રજૂ થવા માંડી. ખાશોગીની ગર્લફ્રેન્ડના વકીલે અને માનવ અધિકાર પંચોએ તુર્કીમાં કેસ ચલાવવાની ધારદાર દલીલો કરી છતાં નાટયાત્મક રીતે ગયા મહિને કોર્ટે ચુકાદો આપી દીધો. ખાશોગીનો કેસ હવે સાઉદીને ટ્રાન્સફર કરી દેવાશે. તુર્કીમાં કેસ ચાલશે નહીં. તુર્કીની તપાસ એજન્સીની એમાં હવે ખાસ ભૂમિકા રહેશે નહીં.

વર્ષ બે વર્ષમાં ખાશોગીના કેસનો વિંટો વાળી દેવાશે. હત્યામાં સંડોવાયેલા એક-બેને સજા પણ મળી જશે, પરંતુ અમેરિકન મીડિયા સાઉદીના ક્રાઉન પ્રિન્સ ઉપર આરોપ મૂકે છે એવું કંઈ થશે નહીં. તુર્કીની કોર્ટનો ચુકાદો આવ્યો તેના બરાબર એક મહિના પછી તુર્કીના પ્રમુખ અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ એકબીજાને ગળે મળી રહ્યા હતા, સામ-સામે બેસીને ભોજન લઈ રહ્યા હતા. સાઉદી-તુર્કીના શાસકો વચ્ચે ૨૦૧૮ પછી આ પહેલી મુલાકાત હતી. બંને પક્ષે ઉમળકો દેખાતો હતો. બંને દેશોએ સ્કોર સેટ કરવામાં સફળતા મેળવી હોવાનું આ મુલાકાતથી સ્પષ્ટ થતું હતું. સાઉદી ઈચ્છતું હતું કે ખાશોગીનો કેસ એના અંકુશમાં રહે. એર્દોઆન ઈચ્છે છે કે સાઉદી તુર્કીમાં આર્થિક રોકાણ કરે. તુર્કીનું અર્થતંત્ર મંદ પડયું છે. વિદેશી રોકાણ કે મોટી આર્થિક સહાય મળે તો તુર્કીમાં રોજગારીનું સર્જન થાય, મોંઘવારી અંકુશમાં આવે, અર્થતંત્ર ધમધમતું થાય.

...અને એર્દોઆને આ પગલું અત્યારે કેમ ભર્યું? એનો જવાબ છે ચૂંટણી. જી હા! દુનિયાભરનું રાજકારણ ચૂંટણીલક્ષી છે. ચૂંટણી આવે ત્યારે જેમ ભારતના નેતાઓ સક્રિય થાય છે એવું જ વિશ્વભરમાં છે. તુર્કીમાં ૨૦૨૩માં ચૂંટણી થશે. એર્દોઆને એમાં વિજય મેળવવો હશે તો આર્થિક સ્થિતિ બહેતર બનાવવી ફરજિયાત છે. લોકો મોંઘવારી-બેરોજગારીથી ત્રાસી ગયા છે. એક વર્ષમાં એ સ્થિતિ સુધરે તો એર્દોઆન ફરીથી ચૂંટાઈ શકે. ૨૦૧૮ની ચૂંટણીમાં એર્દોઆન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ તેમના પક્ષ એકેપીને બહુમતી મળી ન હતી. અત્યારે સંસદસભા ગઠબંધનથી ચાલે છે. એર્દોઆનની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. ૨૦૧૯માં સ્થાનિક ચૂંટણી થઈ એમાં અંકારા અને ઈસ્તાંબુલમાં ૨૫ વર્ષ પછી એર્દોઆનની પાર્ટીનો પરાજય થયો. પાર્ટીનો વોટશેર ગગડી રહ્યો છે. ૨૦૧૭માં જનમતથી તુર્કીએ પાર્લામેન્ટરી સિસ્ટમ બદલી હતી અને તેને પ્રમુખ કેન્દ્રિત કરી હતી. એર્દોઆન ૨૦૦૩થી ૨૦૧૪ સુધી વડાપ્રધાન હતા. ૨૦૧૪માં પ્રમુખ બન્યા પછી તેમણે ૨૦૧૭માં જનમત મેળવીને સંસદીય પદ્ધતિ બદલી નાખી છે. એ પ્રમાણે કોઈ નેતા વધુમાં વધુ બે વખત પ્રમુખપદે રહી શકે છે. તેનો અમલ એદોઆન સ્માર્ટલી ૨૦૧૮થી લાગુ પાડયો છે. એ પહેલાં એક વખત પ્રમુખ રહી ચૂક્યા છે. તે પહેલાં ૧૦ વર્ષથી વડાપ્રધાન હતા અને નવી જોગવાઈ લાગુ પડી પછી એક ટર્મ હજુ પ્રમુખ રહી શકે છે. ૬૮ વર્ષના એર્દોઆનની ૭૩ વર્ષે નિવૃત્ત થવાની યોજના છે. એ માટે ૨૦૨૩ની ચૂંટણીમાં વિજેતા બનવું પડે તમે છે. એ પહેલાં જેટલા મુદ્દા સરકારને કે પાર્ટીને કનડે છે તેનો નિવેડો લાવવો અનિવાર્ય છે અને તેના ભાગરૂપે એર્દોઆને સાઉદીની મુલાકાત કરીને ગલ્ફદેશો સાથે સંબંધો સુધારવાનું શરૂ કરી દીધું છે. પેટ્રોલિયમની બેશૂમાર સંપત્તિ ધરાવતી સાઉદીની સરકાર વાયદા પ્રમાણે રોકાણ કરશે તો એક વર્ષમાં તુર્કીની સ્થિતિ થોડી બહેતર બનશે.

..પણ બંને દેશોેના સમાધાન વચ્ચે એ હકીકત સ્વીકારવી પડશે કે વધુ એક વખત પત્રકાર જમાલ ખાશોગીની હત્યા થઈ છે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -