Posted by : Harsh Meswania Friday, 13 May 2022

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

સાઉદી-પાકિસ્તાનની દોસ્તી સાડા સાત દશકા જૂની છે. બંને દેશોમાં સુન્ની મુસ્લિમોની બહુમતી હોવાથી દોસ્તી વર્ષોવર્ષ વધુ ગાઢ બની છે. પાકિસ્તાનને આર્થિક મદદ માટે સાઉદીની જરૂર છે, તો પાકિસ્તાન શિયા બહુમતી દેશ ઈરાન સાથે સરહદ ધરાવતું હોવાથી સાઉદીને વ્યૂહાત્મક રીતે પાકિસ્તાનનો ખપ છે...


પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે સત્તા સંભાળી કે તરત જ સાઉદીનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન તરીકે શાહબાઝનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને શાહબાઝ શરીફ સાથે આઠ અબજ ડોલરની આર્થિક સહાય માટે કરાર કર્યો હતો. આ સહાય હેઠળ પાકિસ્તાનને ઓઈલનો જથ્થો મળશે અને સાઉદીની કંપનીઓ પાકિસ્તાનમાં રોકાણ પણ કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનો આર્થિક મદદ મેળવવા મોટાભાગે સાઉદી અરેબિયાનો પ્રવાસ કરે છે. શાહબાઝનો પ્રથમ પ્રવાસ પણ એ જ હેતુથી યોજાયો હતો. વર્ષોથી પાકિસ્તાનના વડાપ્રધાનોએ સાઉદીને સૌથી પહેલી સલામ મારવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. ૨૦૧૮માં ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા કે બીજા જ મહિને સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે કુલ ૩૨ વિદેશયાત્રા કરી હતી, એમાંથી આઠ તો સાઉદીની છે. ઈમરાન સાઉદીની આઠમાંથી પાંચ મુલાકાતો આર્થિક મદદ મેળવવા માટે કરી હતી. ૧૯૭૦થી વણલખ્યો નિયમ થઈ ગયો છે કે પાકિસ્તાનના નેતાઓ ચૂંટાઈને પ્રથમ પ્રવાસ મોટાભાગે સાઉદીનો કરે છે. નવાઝ શરીફ વડાપ્રધાન હતા ત્યારે સાઉદી-પાકિસ્તાનના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. પાકિસ્તાનમાં જ્યારે નવાઝ શરીફ પદભ્રષ્ટ થયા અને નવાઝ અને શાહબાઝ સામે કેસ ચાલતો હતો ત્યારે બંનેને સાઉદીએ જ રાજકીય શરણું આપ્યું હતું. તે એટલે સુધી કે નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપમાં ૨૦૦૦ના વર્ષ પછી ફાંસીએ લટકાવવાની પેરવી થતી હતી ત્યારે સાઉદીની દખલગીરીથી જ તેને માફી મળી હતી. સાઉદીએ નવાઝ શરીફ ૧૦ વર્ષ દેશબહાર રહેશે એ શરતે માફી અપાવી હતી. પાકિસ્તાનમાં સરકારો બદલાતી રહે છતાં સાઉદીનો પ્રભાવ ઘટતો નથી તેનો આ દાખલો હતો.

સાઉદી-પાકિસ્તાનના સંબંધો પાકિસ્તાનના અસ્તિત્વ સાથે જ શરૂ થયા હતા. ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (ઓઆઈસી)ની સ્થાપનામાં સાઉદી-પાકિસ્તાનની મહત્વની ભૂમિકા હતી. આ સંગઠનની રચના થઈ પછી સાઉદી-પાકિસ્તાન તેના લીડિંગ મેમ્બર્સ તરીકે ઉભરી આવ્યા હતા. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે સાઉદી એવો પ્રથમ દેશ હતો, જેણે પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કર્યું હતું. સાઉદીએ બાંગ્લાદેશની રચનાને અયોગ્ય ઠેરવીને પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો હતો. ૧૯૯૦-૧૯૯૧માં પર્સિયન ગલ્ફ વોર વખતે પાકિસ્તાને ઈસ્લામિક ધાર્મિક સ્થળોના રક્ષણના બહાને સાઉદીમાં લશ્કર મોકલ્યું હતું. સાઉદી-પાકિસ્તાન ઈસ્લામદેશોના ગોડફાધર બનવા ઈચ્છતા હોવાથી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકવાદીઓએ સત્તા હાથમાં લીધી ત્યારે સાઉદી-પાકિસ્તાન અને યુએઈ એ ત્રણ દેશો હતા, જેમણે તાલિબાનની શાસનનું સમર્થન કર્યું હતું. ૧૯૯૮માં નવાઝ શરીફે પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી ત્યારે અમેરિકા-બ્રિટન સહિતના દેશોએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ સાઉદીએ સૌથી પહેલું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં, પરમાણુ પરીક્ષણનો નિર્ણય લીધો તે બાબતે સાઉદીએ તો પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફની પીઠ થાબડી હતી. બીજા બધા દેશોએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હોવાથી સાઉદીએ પાકિસ્તાનને દરરોજ ૫૦ હજાર બેરલ ઓઈલ આપવાની જાહેરાત પણ કરી હતી.

સાઉદી-પાકિસ્તાન વચ્ચે આર્થિક સંબંધો પણ ઘણાં મજબૂત છે. પાકિસ્તાન આર્થિક રીતે બદહાલ થઈ ચૂક્યું છે. વારંવાર વિદેશી આર્થિક સહાય માટે કોશિશ કરે છે. સૌથી વધુ સહાય સાઉદી અને ચીન કરે છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોએ પાકિસ્તાનમાં ફ્રી ટ્રેડના કરાર અંતર્ગત ૨૦૦૬માં ૧૧ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. એ રોકાણ પાકિસ્તાનને અપાવવામાં સાઉદીની મહત્વની ભૂમિકા હતી. આર્થિક મદદના ભાગરૂપે સાઉદીએ ૪.૫ અબજ ડોલરની રોકડ સહાય કરી હતી. આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા પાકિસ્તાનમાં રોજગારી સર્જાય તે માટે સાઉદી અરેબિયાએ ૨૦૧૮માં ગ્વાદરમાં એક ઓઈલ રિફાઈનરી સ્થાપવાની જાહેરાત કરી હતી. એ રિફાઈનરી દરરોજ પાંચ લાખ બેરલનું ઉત્પાદન કરશે. ૨૦૧૯માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સાઉદીનો પ્રવાસ કર્યો ત્યારે સાઉદીએ આગામી દશકામાં ૨૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તે પછી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા અને ઓઈલ રિફાઈનરી સ્થાપવા માટે ૧૦ અબજ ડોલરનો કરાર કર્યો હતો. ઓક્ટોબર-૨૦૨૧માં પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરિ ફંડમાંથી આર્થિક સહાય ન મળી એટલે ફરીથી સાઉદી-ચીન સામે હાથ ફેલાવ્યા હતા. સાઉદીએ ૪.૨ અબજ ડોલરની સહાય આપી હતી.

સવાલ એ થાય કે સાઉદી પાકિસ્તાનની આટ-આટલી મદદ કેમ કરે છે? સાઉદીને શું ફાયદો મળે છે? સાઉદીને પાકિસ્તાનની વ્યૂહાત્મક જરૂરિયાત છે. શિયા બહુમતી ધરાવતા દેશ ઈરાન અને સુન્ની બહુમતી ધરાવતા દેશ સાઉદી વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અરબ વર્લ્ડમાં પ્રભુત્વ સ્થાપવા આ બંને દેશો પ્રોક્સી વોર લડે છે. યમનમાં ચાલતું યુદ્ધ તેનું ઉદાહરણ છે. સાઉદીની જેમ પાકિસ્તાનમાં પણ સુન્ની મુસ્લિમોની બહુમતી છે. પાકિસ્તાનમાં ૯૦ ટકા સુન્ની મુસ્લિમો છે. સુન્ની બહુમતી હોવાથી બંને દેશો વચ્ચે નેચરલ જોડાણ છે. સાઉદી ઈચ્છે છે કે ઈરાન સામે જરૂર પડે ત્યારે પાકિસ્તાની લશ્કર મદદમાં ઉભું રહે. પાકિસ્તાન-ઈરાન વચ્ચે ૮૦૦-૯૦૦ કિલોમીટરની સરહદ છે. જો ભવિષ્યમાં ઈરાન-સાઉદી વચ્ચે સીધું યુદ્ધ ફાટી નીકળે તો પાકિસ્તાનમાં લશ્કરી મથક બનાવીને યુદ્ધ લડી શકાય તેમ છે. પાકિસ્તાન સાઉદીનું સૌથી વિશ્વસનીય સાથી હોવાથી એ શક્ય છે. ઈરાન સાથે સરહદો ધરાવતા અન્ય દેશો સાથે સાઉદીને એટલા ગાઢ સંબંધો નથી, જેટલા પાકિસ્તાન સાથે છે. સમૃદ્ધ સાઉદી ગરીબ પાકિસ્તાનને આર્થિક મદદ કરીને તેની સરહદીનીતિ પ્રભાવિત કરે છે. ઘણાં વિદેશી નિષ્ણાતો તો એવોય દાવો કરે છે કે પાકિસ્તાન-સાઉદી વચ્ચે ઈરાન સરહદે લશ્કરી મથકનો ગુપ્ત સોદો પહેલાં જ થઈ ચૂક્યો છે. સાઉદી આટલી રકમ ખર્ચીને પાકિસ્તાનના લશ્કરને મજબૂત કરે છે. લશ્કરની કેટલીક ટૂકડીઓ સાઉદી માટે જ તૈયાર કરવામાં આવે છે અને તેને ઈરાન સરહદે તૈનાત કરાય છે.

લશ્કરી ઉપરાંત આર્થિક મદદના બદલામાં સાઉદી વ્યાજ મેળવે છે તે અલગ. સાઉદીએ પાકિસ્તાનને છેલ્લાં એક દશકામાં જેટલા આર્થિક પેકેજ જાહેર કર્યા છે એના પર ૩થી ૪ ટકા સુધી વ્યાજ વસૂલે છે. આ દાવો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના આર્થિક સલાહકાર રહી ચૂકેલા શૌકત તારિકે કર્યો હતો. વળી, સાઉદી પાકિસ્તાનમાં રોકાણ કરીને લાંબાંગાળાનો ફાયદો જુએ છે. પાકિસ્તાનમાં ૨૨-૨૩ કરોડની વસતિ છે. સાઉદીની કંપનીઓ પાકિસ્તાનને એક મોટા માર્કેટના સ્વરૂપમાં જુએ છે. વસતિની દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે. સાઉદીના બિઝનેસમેન તેને સૌથી વધુ ગ્રાહકો ધરાવતો પાંચમો દેશ ગણે છે! પાકિસ્તાનની ખરીદશક્તિ વધવા લાગશે તો કલ્ચરલ અને ધાર્મિક સમાનતા હોવાથી સાઉદીની કંપનીઓને સૌથી વધુ ફાયદો થઈ શકે તેમ છે.

વેલ! વેલ! ચેકબુક ડિમ્લોમસીથી સાઉદીએ પાકિસ્તાનને વશમાં કર્યું છે તે પાછળનું એક અદૃષ્ય કારણ છે - પરમાણુ બોમ્બ. સાઉદી ભલે સમૃદ્ધ રાષ્ટ્ર છે, પરંતુ હજુ સુધી પરમાણુ શક્તિ વિકસાવી શક્યું નથી. પાકિસ્તાન પરમાણુ બોમ્બ ધરાવે છે, જે સાઉદીને પાકિસ્તાનની મદદ માટે પ્રેરે છે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,088
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -