Posted by : Harsh Meswania Friday 20 May 2022

 વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 


યુરોપના દેશોને રશિયન ગેસ વગર ચાલે તેમ નથી. યુરોપમાં રશિયાના ગેસની મોનોપોલી છે. આખું યુરોપ ઉર્જા બાબતે રશિયા પર નિર્ભર છે. એ નિર્ભરતા ઘટાડવા અને લાંબાંગાળે ઉર્જામાં આત્મનિર્ભર થવા માટે યુરોપિયન દેશોએ રિન્યૂએબલ એનર્જીનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ લોંચ કર્યો છે, જેને રીપાવર ઈયુ એવું નામ અપાયું છે


દરેક યુદ્ધ માનવજાતને ઊંડા જખ્મો આપે છે; એમ દરેક યુદ્ધ કોઈને કોઈ નવીનીકરણ માટે નિમિત્ત પણ બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ શસ્ત્રોના નવીનીકરણ માટે કારણભૂત બન્યું. દુનિયાભરમાં ડિફેન્સ ક્ષેત્રનો અણધાર્યો વિકાસ થયો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આર્મી ઉપરાંત નેવી અને એરફોર્સ જેવી નવી સૈન્યપાંખો ઉમેરાઈ. મહિલાઓ માટે ઘરની ચાર દીવાલોમાંથી બહાર જઈને કામ કરવાની તક સર્જાઈ. જે પુરુષો ઘાયલ થયા હતા, તેના સ્થાને કારખાનાઓમાં મહિલાઓને નોકરી મળતી થઈ. પૃથ્વીના નકશામાં થોડીક નવી રેખાઓ અંકાઈ.

બીજા વિશ્વયુદ્ધ પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો. અમેરિકા-રશિયા એમ બે નવાં પાવરસેન્ટર અસ્તિત્વમાં આવ્યાં. અંતરિક્ષસ્પર્ધાના પરિણામે માણસ અવકાશમાં અને પછી ચંદ્રની ધરતી સુધી પહોંચ્યો. દુનિયાભરમાં વર્કકલ્ચર બદલાયું, શૈક્ષણિક માળખું બદલાયું. અંધારુ ગાયબ થયું; મીણબત્તી-દીવાઓનું સ્થાન રંગબેરંગી બલ્બોએ લીધું! દુનિયા રેડિયો-ટીવી-કમ્પ્યુટર્સના યુગમાં પ્રવેશી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી મહિલાઓને કારખાનાઓમાં કામ મળતું થયું હતું, તો બીજા વિશ્વયુદ્ધ પછી મહિલાઓને યુનિવર્સિટીઝમાં ઉચ્ચ શિક્ષણ મળતું થયું હતું.

દરેક યુદ્ધમાં કોઈ વિજેતા થાય છે, કોઈ પરાજિત થાય છે, પરંતુ નવો બોધપાઠ તો આખી માનવજાતને મળી જાય છે. એવો જ બોધપાઠ રશિયા-યુક્રેનના યુદ્ધમાંથી યુરોપિયન દેશોને મળ્યો છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી ૨૦મી સદીમાં આમૂલ પરિવર્તનો થયા હતા એમ ૨૧મી સદીમાં રશિયા-યુક્રેનના યુદ્ધથી ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ યુદ્ધે દુનિયાને રિન્યૂએબલ એનર્જીની અનિવાર્યતા અંગે વિચારતી કરી દીધી છે. યુરોપિયન સંઘે તો આ વિચારને 'રીપાવર ઈયુ (યુરોપિયન યુનિયન)'ના નામથી અમલમાં પણ મૂકી દીધો છે.

યુરોપના દેશો રશિયન ઉર્જા પર નિર્ભર છે. ૨૦૨૧માં યુરોપિયન સંઘના ૨૭ દેશોને રશિયાએ ૧૫૫ અબજ ક્યૂબિક મીટર ગેસનો પૂરવઠો આપ્યો હતો. રશિયા યુરોપિયન સંઘનું પાંચમું સૌથી મોટું ટ્રેડ-પાર્ટનર છે. યુરોપિયન સંઘે ૨૦૨૧માં ૧૧૭ અબજ ડોલરનો ગેસ રશિયા પાસેથી ખરીદ્યો હતો. માછલી, કાગળ, સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, દવાઓ, તમાકુ, સિગારેટ સહિતનું મળીને બંને પક્ષે અબજો ડોલરનો વેપાર છે. ૨૦૨૧માં બધુ મળીને યુરોપિયન સંઘે રશિયામાંથી ૧૭૦ અબજ ડોલરની આયાત કરી હતી. બીજી બધી ચીજવસ્તુઓ તો યુરોપને અન્ય દેશોમાંથી પણ મળી જાય, પણ ઉર્જાની આયાત અન્ય દેશોમાંથી કરવાનું યુરોપના દેશોને પરવડે તેમ નથી. અમેરિકા કે ખાડીના દેશોમાંથી યુરોપ સુધી ગેસ પહોંચાડવો મોંઘો પડે. તેનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ મોંઘુ પડે અને દરિયાઈ સુરક્ષાના પ્રશ્નોનો ખરા જ. દરિયામાં પોતાના વેપારી જહાજોની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા કરવી પડે અને તેનો ખર્ચ વધી જાય એ પણ અલગ. અત્યારે તો અમેરિકા જેવા સાથી દેશો સુરક્ષાની જવાબદારી સંભાળે છે, પરંતુ દરિયાઈ માર્ગે સતત યુરોપિયન સંઘના માલવાહક જહાજોની અવરજવર રહે તો કાયમી વ્યવસ્થા લાંબાંગાળે કરવી જરૂરી બની જાય. કદાચ એ જ કારણ હતું કે યુરોપિયન સંઘે અમેરિકા-રશિયાના સંબંધોમાં ચઢાવ-ઉતાર આવતા હતા છતાં બંને પક્ષે સંબંધો સાચવી રાખ્યા હતા. રશિયન ગેસ પર નિર્ભરતા હોવાથી યુરોપના દેશો મોટાભાગે તટસ્થ વલણ દાખવતા અથવા તો સમાધાનકારી રસ્તો કાઢતા.

પણ આ વખતે રશિયા-યુક્રેનના યુદ્ધે બધાં સમીકરણો બદલી નાખ્યાં. યુરોપમાં રશિયાનો વિરોધ વધ્યો છે. રશિયામાંથી આયાત ઘટાડવાનું સરકારો પર ભારે દબાણ છે. યુરોપના ૮૫ ટકા લોકો માને છે કે યુરોપના દેશોએ રશિયા પર ગેસ-ઓઈલની નિર્ભરતા ઘટાડવી જોઈએ. યુરોપિયન નાગરિકોની એ વિચારધારામાંથી રિપાવર ઈયુનો જન્મ થયો છે. યુરોપના ૪૪ દેશોમાંથી યુરોપિયન સંઘમાં ૨૭ દેશો છે. એ ૨૭ દેશોએ હવે રશિયન ઉર્જાની નિર્ભરતામાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢ્યો છે. યુરોપિયન સંઘે 'રીપાવર ઈયુ'નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સૂલા વોન ડેર લેયેને પુનઃપ્રાપ્ય ઉર્જાના પ્રોજેક્ટનો લોંચ કરતા કહ્યું હતુંઃ 'આપણે ઉર્જા માટે બીજા દેશોના સહારે હતા, પરંતુ હવે એમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આપણે રશિયાના ઓઈલ-ગેસ-ઉર્જા વગર ચાલે તેમ નથી. ગયા વર્ષે આપણે રશિયાને એનર્જીના બદલામાં ૧૦૦ અબજ યુરો આપ્યા હતા. આપણે આ સ્થિતિ બદલવી પડશે. ૨૦૨૭ સુધીમાં એ નિર્ભરતા ઓછી કરવાનું આયોજન છે અને એ માટે યુરોપિયન સંઘ ૩૧૫ અબજ ડોલરનો 'રીપાવર ઈયુ' પ્રોજેક્ટ શરૂ કરશે.'

જરૂરિયાતમાંથી ૫૦ ટકા સુધીની એનર્જી આપબળે પ્રાપ્ત કરવાનું યુરોપિયન સંઘે નક્કી કર્યું છે. આ યોજના અંતર્ગત યુરોપિયન સંઘના દેશોમાં ૨૩ કરોડ ઘર ગ્રીન એનર્જીથી સજ્જ કરાશે. યુરોપના દેશોને હવે સમજાયું છે કે રશિયાનો ગેસ મોંઘો છે, બીજા દેશોમાંથી આયાત કરવાનું તો એનાથી ય મોંઘું પડશે. એટલે એનર્જીની બાબતે આત્મનિર્ભર થયા વગર છૂટકો નથી. આત્મનિર્ભરતા ગ્રીન એનર્જીથી જ આવી શકશે. ગ્રીન એનર્જી એટલે એવી ઉર્જા જે પ્રાકૃતિક સ્ત્રોતમાંથી મેળવી શકાતી હોય.  સૂર્યપ્રકાશ. પાણી કે પવનચક્કી જેવા સ્ત્રોતમાંથી જેને મેળવી શકાય એવી ઉર્જાને ગ્રીન એનર્જી કહેવામાં આવે છે. રિન્યૂએબલ યાને પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવવામાં આવે તો એ પ્રમાણમાં સસ્તી છે. જેમ કે ઘરની ઉપર કે આસપાસ સૂર્યના પ્રકાશમાંથી ઉર્જા મેળવવા જે પેનલ ગોઠવવામાં આવે છે એ ટકાઉ અને સસ્તી ઉર્જા છે. તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. વળી, એના માટે બીજા કોઈ સોર્સ પર આધારિત રહેવું પડતું નથી. આ આત્મનિર્ભર ઉપાય યુરોપના દેશોએ અમલી બનાવ્યો છે.

યુરોપિયન સંઘે ઈયુ સેવ એનર્જી કમિશનની રચના કરી છે, જે લોકોને પાંચથી ૧૦ ટકા સુધી વીજળી બચાવવાની અપીલ કરે છે અને તેનાથી આગામી છ મહિનામાં રશિયામાંથી ગેસનો જે પૂરવઠો આયાત થાય છે તેમાં ૫થી ૭ ટકાનો ઘટાડો થાય એવી ગણતરી છે. ૨૦૨૭ સુધીમાં રશિયન ગેસનો પૂરવઠો ૫૦ ટકામાંથી ઘટાડીને ૨૫ ટકા સુધી લાવવાનું યુરોપિયન સંઘનું આયોજન છે અને એ માટે એક માત્ર ઉપાય છે રિન્યૂએબલ એનર્જી. દરેક ઘરમાં કુલ જરૂરિયાતની ૩૦થી ૪૦ ટકા વીજળી ઉત્પન્ન થવા લાગે તો જ ઓઈલ-ગેસની આયાત ઘટે તેમ છે. કોઈપણ ઘરમાં રાતોરાત સોલર પેનલ બેસાડીને ઉર્જા ઉત્પન્ન કરવાનું પણ કપરું છે. દરેકને એ પોષાય નહીં. જે વિસ્તારમાં સૂર્યનો પ્રકાશ પૂરતો છે ત્યાંથી શરૂઆત કરવાનું ધારે છે.

એશિયન દેશોની જેમ યુરોપમાં સીધો સૂર્યનો પ્રકાશ પડતો નથી એટલે હાઈડ્રોજન સહિતના વિકલ્પો અંગે પણ વિચારાઈ રહ્યું છે. યુરોપિયન સંઘનો આ રીપાવર ઈયુનો પ્રોજેક્ટ દુનિયામાં ગ્રીન એનર્જી માટે નવી પ્રેરણા પૂરી પાડશે. ૨૧મી સદીમાં યુદ્ધ થાય અને પેટ્રોલિયમની અછત સર્જાય તો સ્થિતિ કેટલી બદલાઈ શકે છે તે રશિયા-યુક્રેનના યુદ્ધમાં દુનિયા જોઈ રહી છે. યુદ્ધના માહોલમાં જો ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ વિશ્વભરમાં હાથ ધરાશે તો ભવિષ્યમાં આ યુદ્ધ ઉર્જાની આત્મનિર્ભરતા માટે યાદ રખાતું હશે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -