Posted by : Harsh Meswania Tuesday 16 July 2013




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજના દિવસે ૧૯૫૫માં સ્વપ્નનગરી ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી. સ્વપ્નમાં પણ ભાગ્યે જ આવી શકે એવો વિચાર વોલ્ટ ડિઝનીને આવ્યો હતો અને એના ફળસ્વરૂપ વિશ્વને મળ્યું એક એવું ડ્રીમલેન્ડ કે જેમાં પ્રવેશ્યા પછી લોકો પોતાનાં તમામ દુઃખ, દર્દ ભૂલીને માત્ર સ્વપ્નમાં ખોવાઈ જવાનું પસંદ કરે છે

દુનિયામાં જ્યાં સુધી કલ્પનાને અવકાશ છે ત્યાં સુધી ડિઝનીલેન્ડને પૂરું થયેલું ન માનવું'. ડિઝનીલેન્ડની શરૂઆત વખતે વોલ્ટ ડિઝનીએ કહેલું આ વાક્ય ડ્રીમલેન્ડ ડિઝની માટે આજેય એટલું જ સાચું છે. આટલી સક્સેસ પછી પણ સતત નવું નવું ઉમેરાતું જાય છે અને એટલે જ વિશ્વમાં કેટલાય નવા થીમપાર્ક બન્યા હોવા છતાં ડિઝનીલેન્ડ અજોડ છે. આ ડ્રીમલેન્ડને આજે ૫૮ વર્ષ થયાં છે ત્યારે અહીં આ સ્વપ્ન નગરીની દુનિયામાં એક શાબ્દિક લટાર મારી લઈએ.


બે ગર્લ્સના કારણે મળ્યું ડ્રીમલેન્ડ
ડિઝનીલેન્ડ જેના મગજની ઉપજ છે એવા વોલ્ટ ડિઝની એટલે 'ધ વોલ્ટ ડિઝની કંપની'ના સહસ્થાપક. એનિમેશનની જ્યારે શરૂઆત હતી ત્યારે આ કંપનીએ એક એકથી ચડિયાતી એનિમેશન સિરીઝ બનાવીને નવો પથ કંડાર્યો હતો. વોલ્ટ ડિઝની બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પ્રોડયુસર, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે રાઇટર, વોઇસ એક્ટર સહિતની ઘણી બધી જવાબદારી નિભાવી જાણતા હતા. સ્વપ્નનગરી ડિઝનીલેન્ડ બેશક તેમના દિમાગમાં આવેલો એક અફલાતૂન આઇડિયા હતો, પણ એ આઇડિયા કેવી પરિસ્થિતિમાં ઝબક્યો હતો તે પણ એટલું જ રસપ્રદ છે.

વોલ્ટ દર રવિવારે પોતાની બંને દીકરીઓ ડાયના અને શેરોનને લોસ એન્જલસના ગ્રિફિથ પાર્કમાં લઈ જતા હતા. શરૂઆતમાં તો બંનેને મજા પડતી હતી, પણ પછી એકના એક મનોરંજનનાં સાધનોથી બંને કંટાળી ગઈ. તેમણે આ બાબતે વોલ્ટને મીઠી ફરિયાદ કરી. બીજું વોલ્ટના ધ્યાનમાં એ આવ્યું કે બાળકોને લઈને આ પાર્કમાં આવતાં મોટાભાગનાં પેરેન્ટ્સ સાવ બોરિંગ બની જતાં હતાં. વોલ્ટને એ વખતે મગજમાં એક અદ્ભુત વિચાર ઝબકી ગયો કે એક એવી જગ્યા તો બનાવવી જોઈએ કે જ્યાં બાળકોને સતત કશુંક નાવીન્ય સભર મનોરંજન મળે અને તેનાં પેરેન્ટ્સ પણ બાળકોની સાથે બાળક બનીને આનંદ માણી શકે. આ વિચાર કેટલાંય વર્ષો સુધી તેમના મગજમાં ચાલતો રહ્યો, પરંતુ બીજા વિશ્વયુદ્ધના કારણે વાત ખાસ આગળ વધી નહીં. બીજી મુશ્કેલી હતી ફંડની. વોલ્ટ પાસે પૈસા અને પ્લેસ હોવા છતાં તેમને હતું કે આ પર્યાપ્ત નથી અને એટલે તેમણે એક બિઝનેસમેન જેવી કુનેહથી આનો રસ્તો કાઢયો.


ડિઝનીએ ફંડ માટે ફંડા બનાવ્યો!
૧૯૫૩ સુધી ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ શરૂ ન થયો. અંતે વોલ્ટે સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટને પોતાના પ્રોજેક્ટને અનુરૂપ લોકેશન શોધવાનું કામ સોંપ્યું. ડ્રીમ પાર્ક માટે કેલિફોર્નિયાના એનાહેઇમને પસંદ કરવામાં આવ્યું. બીજું કામ હતું પૂરતા પૈસા એકઠા કરવાનું. ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થાય એવું એક પણ ઇન્વેસ્ટરને નહોતું લાગતું. એટલે જ કોઈ આ પ્રોજેક્ટમાં પૈસા લગાવવા તૈયાર થતું નહોતું. અંતે ડિઝનીએ નક્કી કર્યું કે પોતાની પાસે રહેલી એનિમેશનની તાકાતનો જ ઉપયોગ કરવો. વોલ્ટ ડિઝની એનિમેશન કંપનીએ એબીસી ટીવી ચેનલ માટે 'ડિઝનીલેન્ડ' નામે શ્રેણી બનાવવાની હતી. બદલામાં ચેનલે ડિઝનીના ડ્રીમલેન્ડ માટે અમુક રકમ આપવાની હતી. આ શો નવા નિર્માણ થનારા થીમ પાર્કનો પ્રિવ્યુ શો જેવો બની રહ્યો. ફંડનો પ્રોબ્લેમ સોલ્વ થયો એટલે ૨૧ જુલાઈ, ૧૯૫૪ના રોજ શરૂ થયો ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ.

ઉતાવળે શરૂ થયેલા ડ્રીમલેન્ડનો પ્રથમ દિવસે જ ધબડકો
પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે તેને પૂર્ણ કરવા માટે એક વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. એડવેન્ચરલેન્ડ, ફેન્ટસીલેન્ડ, ટુમોરોલેન્ડ જેવી અલગ અલગ થીમ બનાવવાની હોય ત્યારે આટલો સમય અપૂરતો હતો. સખત મહેનતના અંતે ૧૭ મિલિયન અમેરિકન ડોલર (આશરે ૧૦૦ કરોડ રૂપિયા)ના ખર્ચે એક વર્ષે પ્રોજેક્ટ પૂર્ણ થયો. એના ભવ્ય ઓપનિંગ માટે ૧૭ જુલાઈ, ૧૯૫૫ અને રવિવારનો દિવસ નક્કી કરાયો. આ દિવસ ડિઝનીલેન્ડના ઇતિહાસમાં બ્લેક સન્ડે તરીકે જાણીતો છે. આ પ્રોજેક્ટને સમાચાર માધ્યમોના કારણે પહેલાંથી ખાસ્સી પ્રસિદ્ધિ મળી ચૂકી હતી. એટલે ઓપનિંગ વખતે ૬,૦૦૦ મહેમાનોને નોતર્યા હતા એના બદલે ૩૦,૦૦૦ લોકો પ્રવેશદ્વાર સામે ઊભા હતા. પહેલા જ દિવસે અરાજકતા ફેલાઈ ગઈ. પાર્કનું તાપમાન વધી ગયું, વોટર ફાઉન્ટેનમાં છબરડા થયા, ગેસ લિક થવાની ઘટના બની. આના કારણે ડ્રીમલેન્ડને તે દિવસે બંધ કરવું પડયું. વળી, ડિઝનીલેન્ડનું ટીવી પ્રસારણ થયું હતું એટલે કેટલાક અમેરિકન્સે તો આ મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને ફ્લોપ ગણાવી દીધો હતો. એમ કંઈ ફ્લોપમાં ખપી જાય તો તો વોલ્ટ ડિઝની શાના! ન કલ્પેલી ત્વરાએ એક જ દિવસમાં બધું સમારકામ કરાવીને બીજા દિવસે સત્તાવાર પબ્લિક માટે પાર્કને ખુલ્લો મૂકી દીધો. તે દિવસની ઘડી ને આજનો દિવસ કોઈ તેને ફ્લોપ કહેવાની હિંમત ન કરે તેવી કાળજી લેવાય છે. આજે તો ટોક્યો, પેરિસ, હોંગકોંગ સહિતનાં શહેરોમાં પણ ડિઝનીલેન્ડની મજા માણી શકાય છે અને દુનિયાના મોટાં શહેરોમાં આવા થીમ પાર્ક બને તેવું આયોજન પણ હાથ ધરવામાં આવે છે. ડ્રીમલેન્ડમાં વિચાર્યું હોય એથી વિશેષ મળતું હોવાની લાગણી દરેક વિઝિટર્સ વ્યક્ત કરે છે. ડિઝનીલેન્ડ માટે એક વખત વોલ્ટ ડિઝનીએ કહ્યું હતું કે, 'અહીં આવ્યા પછી મોટેરાઓ પોતાની ઉંમર ભૂલી જઈને બાળક થઈ શકે છે, તો બાળકો અને યુવાનો આ દુનિયાની પેલે પાર વિચારી શકવા સક્ષમ બને છે. હું આ ડ્રીમલેન્ડ એવા લોકોને સર્મિપત કરું છું કે જે નવું વિચારવા સતત પ્રયત્નશીલ છે અને જેની આંખો નવાં સ્વપ્ન જોવાની ખેવના રાખે છે.'


શા માટે આ ડ્રીમલેન્ડ અન્ય થીમ પાર્કથી ચડિયાતું સાબિત થતું રહ્યું છે?

* છેલ્લાં ૫૮ વર્ષમાં આશરે ૫૫ કરોડ લોકોએ ડ્રીમલેન્ડમાં એન્ટ્રી કરી છે. ૨૦૦૭માં સૌથી વધુ લોકોએ મુલાકાત કરી હતી. આ એક જ વર્ષમાં દોઢ કરોડ મુલાકાતીઓ ડ્રીમલેન્ડમાં આવ્યા હતા.

* ડ્રીમલેન્ડની મુલાકાત કરનારા પ્રવાસીઓ વર્ષે ૩૦ ટન કચરો વેરે છે. જેની સફાઈ માટે ડિઝનીલેન્ડે ૨૦,૦૦૦ કર્મચારીઓને રોક્યા છે. એટલું જ નહીં અંદર થીમ પાર્કમાં સતત નવીનતા લાવવા માટે ૫૦૦ કલાકારો રાખવામાં આવ્યા છે.

* ડિઝનીલેન્ડના સહાયક સ્ટાફમાં એવા લોકો રાખવામાં આવ્યા છે જે અલગ અલગ દેશની સ્થાનિક ભાષા પણ જાણતા હોય. સ્ટાફમાં ૩૦ જેટલી ભાષા જાણી શકે તેવા લોકો છે જેમાં હિન્દીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

* અમેરિકાના સાત પ્રમુખોએ આ ડ્રીમલેન્ડની સત્તાવાર મુલાકાત કરી છે અને એ સિવાય વિદેશી મહેમાનો માટે અમેરિકન સરકાર ડિઝનીલેન્ડનો પ્રવાસ ગોઠવે છે.

* જ્યારે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ત્યારે ત્યાં પાંચ હોટેલ, બે મોટેલની હતી જેમાં ૮૭ રૂમ્સની વ્યવસ્થા હતી. આ સિવાય ત્યારે ૩૪ રેસ્ટોરાં હતી. આજે ડિઝનીલેન્ડના કારણે ત્યાં ૧૮,૦૦૦ રૂમ્સની સગવડ ધરાવતી ૧૫૦ હોટેલ્સ-મોટેલ્સ બની ગઈ છે અને ૪૫૦ રેસ્ટોરાં પણ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -