Posted by : Harsh Meswania Wednesday 3 July 2013


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પાસપોર્ટને લઈને થોડા થોડા સમયે કંઈ ને કંઈ બબાલ મચતી જ રહે છે. આંકડાઓ કહે છે કે હવે પાસપોર્ટ કઢાવવાની કતારો લાગે છે. વિદેશ જવું હોય કે ન જવું હોય પાસપોર્ટ કઢાવી રાખવો સારો એમ માનનારા લોકો વધતા જાય છે. પાસપોર્ટ સ્ટેટ્સ સિમ્બોલ પણ બનતો જાય છે. આજના યુવાનો આગોતરું આયોજન કરીને પાસપોર્ટ તો કઢાવી જ લે છે. ચાલો જાણીએ કે પાસપોર્ટ કઢાવવાની શરૂઆત ક્યારથી થઈ? પાસપોર્ટનાં ઈન્ટરનેશનલ ધારા-ધોરણો શું છે? અને ભારતમાં કેટલા પાસપોર્ટ ધારકો છે?

વિશ્વભરમાં મોસ્ટ વોન્ટેડ હોય એવો કોઈ મોટો ગુનેગાર પકડાય ત્યારે તેની પાસે જે ચીજવસ્તુઓની તપાસ થાય એમાં પાસપોર્ટને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. તેની પાસે કેટલા અને કયા દેશના પાસપોર્ટ છે તેના પરથી જે તે ગુનેગારના ગુનાઓનું પગેરું શોધવાની કોશિશ થતી હોય છે. પાસપોર્ટ વ્યક્તિનું નાગરિકત્વ સાબિત કરવાનું કામ કરે છે. પાસપોર્ટની જરૂરિયાત પણ એટલા માટે જ છે કે જ્યારે વિદેશનો પ્રવાસ ખેડવાનો હોય ત્યારે પાસપોર્ટ જે તે દેશના નાગરિક તરીકેની ઓળખ આપી દે છે. પાસપોર્ટ કઢાવવાનું કામ હવે પ્રમાણમાં સરળ થયું છે, પણ આજેય એમાં રહેલી વિગતોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે છે અને તેમાં કશીક ભૂલ જણાય તો એટલી જ ગંભીરતાથી પગલાં પણ ભરવામાં આવતાં હોય છે. આપણે પાસપોર્ટ વિશે કંઈ કેટલું વાંચતાં-સાંભળતાં હોઈએ છીએ, પણ પાસપોર્ટ વિશેની અમુક બાબતોથી કદાચ એટલા જ અજાણ હોઈએ છીએ.

ઈ.સ. પૂર્વે ૪૫૦ આસપાસ પહેલો પાસપોર્ટ ઈશ્યૂ થયો હતો!
જાણીને નવાઈ લાગે તેવી આ વાત ખરેખર સાચી છે. વિશ્વનો પ્રથમ પાસપોર્ટ કહેવાય એવો દસ્તાવેજ ઈ.સ. પૂર્વે ૪૫૦માં ર્પિસયાના રાજા અર્ટાક્ષરસેસ પ્રથમે તેમના પ્રવાસી નેહેમિયાહને જુડાહ (આજના ઈઝરાયેલનો પૌરાણિક પ્રદેશ) જવા માટે આપ્યો હતો. સાથે રાજાએ પોતાના પ્રવાસીની સુરક્ષા માટે વિનંતીના સૂરમાં લખ્યું હતું કે 'પ્રવાસીને માર્ગમાં અને પ્રવાસના વસવાટ દરમિયાન અડચણ ન આવે તેવી વ્યવસ્થા કરવા વિનંતી.' આ વિશ્વની પ્રથમ ઘટના હતી જ્યારે રાજાએ પોતાના નાગરિકના પ્રવાસની ચિંતા કરીને રાજ્ય વતી તેને દસ્તાવેજ આપ્યા હતા. આપણે ત્યાં પ્રાચીન કથાઓમાં ભ્રમણ કરતા રહેતા પ્રવાસીઓને આવા કોઈ દસ્તાવેજો મળ્યા હોવાનું નોંધાયું નથી. હા, દૂત તરીકે બીજા રાજ્યમાં જઈને સંદેશો મોકલાતો હતો, પણ એની સાથે આવા દસ્તાવેજો આપવામાં આવતા ન હતા એ રીતે જોઈએ તો સૌપ્રથમ પાસપોર્ટ ઈશ્યૂ કરવાનું શ્રેય ર્પિસયાને આપવું રહ્યું!

પાસપોર્ટને કાયદાનું સ્વરૂપ ક્યારથી મળ્યું?
પાસપોર્ટને કાયદાકીય સ્વરૂપ આપવાનું શ્રેય બ્રિટનને જાય છે. બ્રિટનના રાજા હેનરી પાંચમાને આજના મોડર્ન પાસપોર્ટના જનક તરીકેનું સન્માન પણ આપી શકાય. તેમણે ૧૪૧૪માં પોતાના દેશના નાગરિકોને અન્ય દેશમાં જવાના પરવાનારૂપે સંમતિપત્રક આપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પરંતુ 'સુરક્ષિત અવરજવર' એવા નામ હેઠળ તેના રાજદરબારમાં તેનું વ્યવસ્થિત ફોર્મેટ પણ તૈયાર કરાયું. તેમાં બીજા રાષ્ટ્રને પોતાના નાગરિકને કોઈ મુશ્કેલી ન આવે તે માટેની રિક્વેસ્ટ કરવામાં આવતી હતી. બ્રિટન જ આ બાબતે પ્રથમ છે એનું કારણ એ હોઈ શકે કે ત્યારે બ્રિટનની અને યુરોપિયન પ્રજા જ દુનિયાભરના પ્રવાસ કરવાનું સાહસ ખેડતી હતી. દૂરના દેશમાં જઈને કશીક અણધારી મુસીબત આવી પડે તો પુરાવા તરીકે રાજાનું આ પ્રમાણપત્ર રજૂ કરીને મુશ્કેલીમાંથી ઉગરી શકાય એવા હેતુથી આવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ફ્રાન્સના રાજા લુઈસ ચૌદમાના શાસન દરમિયાન ૧૭મી સદીમાં યુરોપ આખામાં પાસપોર્ટની વ્યવસ્થા વધુ સ્વીકાર્ય બની હતી. તેમણે પોતાના દેશમાંથી બહાર જતા પ્રવાસીઓને દેશના દસ્તાવેજો સાથે રાખવાનો આગ્રહ કર્યો. બીજી તરફ અન્ય દેશમાંથી ફ્રાન્સમાં આવતા પ્રવાસીઓ પાસે પણ પાસપોર્ટ હોવો જોઈએ એવો આગ્રહ રાખ્યો. પરિણામે યુરોપિય દેશોએ એક-મેકના દેશમાં આવતા નાગરિકો માટે આ વ્યવસ્થા સ્વીકારી લીધી. એ જ સમયગાળામાં પાસપોર્ટ પર લખવામાં આવતા વિનંતીભર્યા સંદેશાઓ ખાસ નોંધપાત્ર બન્યા હતા. પોતાના નાગરિકોને અન્ય દેશમાં વ્યવસ્થિત સહકાર મળે તે માટે એક રાજા બીજા રાજાને એકદમ વિનમ્ર અરજ કરતા હતા.

નામ પાછળનો તર્ક
૧૬મી સદી સુધી આ દસ્તાવેજને કશું નામ આપવામાં આવ્યું નહોતું. ૧૫૪૦માં આવા દસ્તાવેજ માટે 'પાસપોર્ટ' એવો શબ્દપ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. પાસપોર્ટ નામ આપવા પાછળનો તર્ક પણ મજાનો હતો. તે વખતે અવરજવર દરિયાઈ માર્ગે જ થતી હતી. કોઈ દેશની દરિયાઈ સરહદને ઓળંગવા માટે ધીરે ધીરે આવા દસ્તાવેજ બતાવવાનું ચલણ વધી ગયું હતું. જે તે દેશના જરૂરી દસ્તાવેજો બતાવીને જ આગળ વધી શકાતું હતું. એટલે કે પોર્ટ પરથી પાસ થવા માટેના આ દસ્તાવેજને લોકો પાસપોર્ટ તરીકે ઓળખવા લાગ્યા. આ નામ પછીથી તમામ દેશોએ સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. આજે તો હવે પોર્ટ ઓળંગવાનો સવાલ નથી રહ્યો છતાં નામ તો પાસપોર્ટ જ રહી ગયું છે.

પાસપોર્ટને વૈશ્વિક સ્વીકૃતિ ૨૦મી સદીની શરૂઆતમાં મળી
૨૦મી સદીની શરૂઆત સુધી પાસપોર્ટની જરૂરિયાત સામાન્ય રીતે માલ-સામાનની હેરફેર કરતાં જહાજો વગેરેને વધુ પડતી હતી. સામાન્ય પ્રવાસીને પાસપોર્ટની ખાસ કશી જરૂર પડતી ન હતી. વળી, એ સમયે આજના જેટલા વિદેશી પ્રવાસીઓ પણ ન હતા, પરંતુ બીજા વિશ્વ યુદ્ધ પછી અચાનક જ પાસપોર્ટ ખૂબ જરૂરી દસ્તાવેજ બની ગયો. પ્રવાસી કયા દેશનો નાગરિક છે તે જાણવા માટે અને તે અનુસાર જ તેને પ્રવેશવા દેવો કે કેમ તે નક્કી થવા લાગ્યું એટલે પાસપોર્ટ વધુ ઈમ્પોર્ટન્ટ બની ગયો. ઈ.સ. ૧૯૧૫માં બ્રિટને પ્રથમ વાર એક નાગરિક માટે બે વર્ષની સમયમર્યાદાનો મોડર્ન દેખાવનો એક પેજનો પાસપોર્ટ ઈશ્યૂ કર્યો. ૧૯૨૦માં 'ધ લીગ ઓફ નેશન્સ ઈન્ટરનેશનલ કોન્ફરન્સે' બ્રિટિશ સ્ટાઇલનો પાસપોર્ટ કાઢવાનો તમામ દેશોને અનુરોધ કર્યો ત્યાર પછીનાં થોડાં જ વર્ષોમાં મોટા ભાગના દેશોએ બુક સ્ટાઇલનો પાસપોર્ટ માન્ય રાખી લીધો. હવે તો તમામ દેશોના પાસપોર્ટની સાઇઝ એક જ રાખવામાં આવી છે. પ્રથમ પેજ પરથી કે કલર પરથી ખબર પડે કે આ કયા દેશનો પાસપોર્ટ છે. બાકી સાઇઝ તો સર્વસ્વીકૃત રીતે ૪.૯૨૧ × ૩.૪૬૫ ઈંચ નક્કી કરવામાં આવી છે.

 નવી જનરેશન પાસપોર્ટને થોડું અલગ રીતે લે છે. ભલે બીજા દેશમાં પ્રવાસ ખેડવાનું નજીકના ભવિષ્યમાં કોઈ જ આયોજન ન હોય, પણ થોડો ખર્ચ કરીને પાસપોર્ટ કઢાવવાનું આજે સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. ઓળખી ન શકાય એવા અને વોન્ટેડ જેવા લાગતા ફોટોગ્રાફ્સવાળું આઈ.ડી. વોટરકાર્ડને પ્રૂફ તરીકે આપવા કરતાં આજે પાસપોર્ટને આઈ.ડી. પ્રૂફ બનાવવાનું વધુ ચલણી બનતું જાય છે.

ભારતમાં પાસપોર્ટ ધારકોની સંખ્યા
ભારત સરકારે ૨૦૧૨ના અંતે સત્તાવાર જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશના ૫ કરોડ નાગરિકો પાસે પાસપોર્ટ છે. વિદેશ મંત્રાલયની ધારણા પ્રમાણે આગામી ૧૦ વર્ષમાં આ આંકડો બમણો થઈ જશે. ૪૦ વર્ષ પહેલાં દેશના ૪૦ હજાર નાગરિકો પાસપોર્ટ ધરાવતા હતા. છેલ્લાં વર્ષોમાં પાસપોર્ટ કઢાવનારાની સંખ્યા ખૂબ વધી છે. જાન્યુઆરીથી ડિસેમ્બર-૨૦૧૧ દરમિયાન ભારતની ૩૭ જેટલી પાસપોર્ટ કચેરીઓમાંથી ૫૮ લાખ ૬૯ હજાર જેટલા પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. એ જ વર્ષમાં પાસપોર્ટ માટે ૧૦ લાખ અરજી પોસ્ટ દ્વારા મળી હતી. બધા મળીને એ વર્ષે ૭૩ લાખ પાસપોર્ટને માન્યતા આપવામાં આવી હતી. ૨૦૧૧ના એક જ વર્ષમાં નવા પાસપોર્ટ માટે ૬૦ લાખ અરજી આવી હતી એ પરથી જ કલ્પના કરી શકાય કે ભારતીયો પાસપોર્ટ કઢાવવાની બાબતને હવે કેટલું પ્રાધાન્ય આપતા થયા છે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -