Posted by : Harsh Meswania Thursday 18 July 2013



તીર્થાટન - હર્ષ મેસવાણિયા

પાંડવ રાજકુમારોનો એક શ્વાન ભટકતો ભટકતો એક જંગલમાં ચાલ્યો ગયો. એક યુવાન ધર્નુવિદ્યા શીખી રહ્યો હતો ત્યાં પહોંચી ગયો અને જોર જોરથી ભસવા લાગ્યો. શ્વાનના ભસવાને કારણે યુવાનનું ધ્યાન ધર્નુવિદ્યા પરથી હટીને એ તરફ ગયું. શ્વાન હજુ પણ ભસી રહ્યો હતો એટલે પેલા યુવાને પોતાની ધર્નુવિદ્યાનો પ્રયોગ કરીને શ્વાનનું મોઢું એ રીતે સીવી લીધું કે એમાંથી અવાજ પણ ન નીકળી શકે અને મોં ખુલ્લું ને ખુલ્લં રહી જાય. શ્વાન ફરી પાંડવો જ્યાં શિક્ષા લઈ રહ્યાં હતા ત્યાં પહોંચી ગયો. શ્વાનનું મોં આ રીતે સીવેલું જોઈને ગુરુ દ્રોણાચાર્યને આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી તો ખબર પડી કે એક ભીલ રાજકુમારે પોતાની ધર્નુવિદ્યાથી આ કૌવત કર્યું છે. તેઓ ખૂબ પ્રભાવિત થયા અને એ ભીલ યુવાનને મળવા ગયા. તેમણે યુવાનને પૂછયું કે આવી વિદ્યા શીખવનારા તારા ગુરુ કોણ છે? જવાબમાં યુવાને ગુરુ દ્રોણને પોતાની સાથે આવવા વિનંતી કરી. આગળ એકલવ્ય અને પાછળ ગુરુ દ્રોણ. થોડી વારમાં એકલવ્યે ગુરુ દ્રોણને એક મુર્તિ સામે લાવીને ખડા કરી દીધા અને કહ્યું કે, આ છે મારા ગુરુ. દ્રોણાચાર્ય નવાઈ પામીને એકલવ્ય સામે જોવા લાગ્યા, કેમ કે એ મુર્તિ સ્વયં ગુરુ દ્રોણની જ હતી. એ યુવાન એટલે જગતનો મહાન શિષ્ય ગણાતો એકલવ્ય. પછીની કથા એવી છે કે ગુરુ દ્રોણાચાર્યે પોતાની ગુરુદક્ષિણારૂપે એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગ્યો હતો અને એકલવ્યે હસતાં હસતાં ગુરુ દ્રોણની સામે અંગૂઠો હાથથી અલગ કરી દીધો હતો. આ મહાભારતનો બહુ જાણીતો પ્રસંગ છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ છે કે જે જગ્યાએ એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યની મુર્તિ બનાવી હતી અને જ્યાં ગુરુદક્ષિણારૂપે પોતાનો અંગૂઠો આપી દીધો હતો, એ સ્થળ ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં આવેલું છે અને દનકૌર તરીકે ઓળખાય છે. આજે અહીં એક દ્રોણાચાર્ય મંદિર છે. કૌરવો અને પાંડવોના ગુરુ તરીકે આપણી પૌરાણિક કથાઓમાં હંમેશાં યાદ કરાતા ગુરુ દ્રોણાચાર્યનું ભારતમાં સંભવતઃ એકમાત્ર મંદિર છે અને એ પણ એકલવ્યે બનાવ્યું હતું. અહીં ગુરુદ્રોણ એકલવ્યના ગુરુ તરીકે ઓળખાય છે અને આ મંદિર ગુરુ-શિષ્ય પરંપરાના પ્રતીક તરીકે ભારતભરમાં ખૂબ જાણીતું બન્યું છે.
દ્રોણાચાર્ય મંદિર

દનકૌરના દ્રોણ મંદિરની વિશેષતા
દનકૌરનું નામ પહેલાં દ્રોણકૌર હતું. સમયાંતરે દ્રોણકૌરમાંથી અપભ્રંશ થઈને દનકૌર થઈ ગયું છે. મંદિરમાં ગુરુ દ્રોણની જે મુર્તિ છે તે એકલવ્યે બનાવેલી હોવાનું મનાય છે. મંદિરની એકદમ પાસે એક તળાવ છે. જે દ્રોણાચાર્ય તળાવ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ તળાવ એકલવ્યના સમયમાં પણ હતું. આ તળાવ આખું ભરાઈ જાય તોપણ એકાદ-બે કલાકમાં તે ખાલી થઈ જાય છે અને તેની સપાટી નીચેના સ્તર સુધી આવી જાય છે. શું કામ છલોછલ ભરાયેલું રહેતું નથી, તેનું કારણ કોઈને ખબર નથી. મંદિરની નજીક એક ઉદ્યાન છે, જેને એકલવ્ય ઉદ્યાન એવું નામ આપવામાં આવ્યું છે. આ બગીચામાં એકલવ્યની પ્રતિમાં મૂકવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં ગુરુ દ્રોણાચાર્ય ઉપરાંત બાંકે બિહારી, રાધાકૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને રામદરબાર જેવાં નાનાં મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દર રવિવારે અહીં વિશેષ ગુરુપૂજાનું આયોજન કરવામાં આવે છે.
 એકલવ્ય મંદિર
એકલવ્યનું પણ એક મંદિર છે
હરિયાણાના ગુડગાંવની પાસે એક નાનકડું ગામ છે ખાંડસા. આ ગામમાં એકલવ્યનું નાનકડું મંદિર આવેલું છે. ભારતમાં એકલવ્યનું આ એકમાત્ર મંદિર છે. કહેવાય છે કે આ ગામ પહેલાં ખાંડવ પ્રદેશના નામે ઓળખાતું હતું. ખાંડવ પ્રદેશમાં હિરણ્યધનુ નામના નિષાદ રાજા રાજ કરતા હતા. એકલવ્ય આ ભીલ રાજાનો પુત્ર હતો. ગુરુદ્રોણે માત્ર હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષણ આપવાનું કહ્યું એટલે એકલવ્યે દનકૌરમાં જઈને સ્વયં ધર્નુવિદ્યા શીખી હતી. એક માન્યતા પ્રમાણે આ મહાન શિષ્યની યાદમાં તેના નગરમાં તે વખતે એક પ્રતિમા મૂકવામાં આવી હતી. આજે ત્યાં નાનકડું મંદિર ઊભું છે, જે મહાન શિષ્ય એકલવ્યની યાદ અપાવે છે.

(સંદેશની ગુરુપુર્ણિમા વિશેષ ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -