Posted by : Harsh Meswania Wednesday 10 July 2013


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૮ વર્ષ પહેલાં ગુમ થયેલી એક ટિચરની લાશ તેના જ ઘરની દીવાલમાંથી મળી આવી હતી. વર્ષેદહાડે ગુમ થવાના કેટલાય બનાવો બને છે અને તેનો પત્તો ક્યારેય મળતો નથી. ઉત્તરાખંડ દૂર્ઘટનામાં પણ હજુ અનેક લોકો લાપતા છે ત્યારે આપણે અહીં થોડાં એવાં જાણીતાં નામોની વાત કરીએ કે જે ગુમ થયા પછી ક્યારેય નથી મળ્યાં

વિશ્વમાં વર્ષે વીસેક લાખ લોકો અચાનક જ ગુમ થઈ જાય છે અને એમાંથી પાંચેક લાખ લોકોનો પછી ક્યારેય પત્તો લાગતો હોતો નથી. એમ કહેવાય છે કે દુનિયામાં એક દિવસમાં આશરે પાંચ હજાર લોકોનો મિસિંગ રિપોર્ટ નોંધાય છે. મેંગો પીપલ ખોવાઈ જાય અને એનું સરનામું આખી જિંદગી ન મળે એ થોડી અલગ બાબત છે અને જાહેરજીવનમાં કોઈ ને કોઈ ક્ષેત્રમાં જાણીતું નામ હોય તેવા લોકો ખોવાઈ જાય અને ક્યારેય તેની ભાળ ન મળે એ પણ થોડી અલગ બાબત છે. આપણે ત્યાં આજ સુધી ભાળ ન મળી હોય એવી જાહેરજીવનની વ્યક્તિની વાત આવે એટલે લગભગ બધાં એક જ સૂરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ કહેશે. નેતાજીની જેમ જ જે તે વખતે જાણીતા બન્યા હોય અને અચાનક ગુમ થયા હોય એવા વિશ્વમાં કેટલા બધા કિસ્સા નોંધાયેલા છે.

અત્યારે આ વાત માંડવાનું કારણ એ છે કે ન્યૂ યોર્કમાં તેના પતિ સાથે રહેતી ૫૫ વર્ષની એક શિક્ષિકા જોઆન નિકોલ્સ ૧૯૮૫માં એક દિવસ અચાનક ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ તેનો મિસિંગ રિપોર્ટ નોંધાવ્યો હતો. આ ઘટનાને ૨૮ વર્ષનાં વહાણાં વાઈ ગયાં બાદ એક દિવસ અચાનક પોલીસ પર એક કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે પોતે જે મકાન તોડી રહ્યો છે તેની દીવાલમાંથી એક માનવ હાડપિંજર મળી આવ્યું છે. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ મકાન ૨૦૧૨માં અવસાન પામેલા જેમ્સ નિકોલ્સનું છે અને હાડપિંજર જેમ્સની ગુમ થયેલી પત્નીનું જ છે. જોકે, જોઆન નિકોલ્સ અંગે વધુ કોઈ માહિતી હવે પોલીસતપાસમાં નથી મળતી. નિકોલ્સ દંપતીને કોઈ જ વારસ નથી એટલે હવે જોઆનની દફનવિધિ સરકાર કરશે. ગુમ થયા પછી ક્યારેય કોઈ સગડ ન મળતા લોકોની તુલનાએ જોઆનના હાડપિંજરને દફનવિધિ નસીબ થશે એ રીતે તે થોડી નસીબદાર કહી શકાય. દુનિયાના ઘણાં જાણીતા કમભાગી લોકોનાં નસીબ જોઆન જેવાં પણ નથી હોતાં!

લુઇસ લી પ્રિન્સ : મોશન પિક્ચરના શોધક પછી ક્યારેય પિક્ચરમાં ન આવ્યા!

 સિનેમેટોગ્રાફીના જનક અને મોશન પિક્ચરના શોધક તરીકે ઓળખાતા લુઇસ બ્રધર્સ પૈકીના લુઇસ લી પ્રિન્સ પેરિસના એક ટ્રેનના પ્રવાસ દરમિયાન ૪૯ વર્ષની વયે ૧૮૯૦માં ગુમ થઈ ગયા હતા. એટલે સુધી કે તેમની સાથે તેમનો સામાન પણ ગુમ થઈ ગયો હતો. તે ગુમ કેમ થયા એ અંગે જાત-જાતની થિયરીઝ રજૂ થઈ હતી. કોઈ કહેતું કે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તો વળી તેના મિત્રોનો દાવો હતો કે તેના પરિવારે જ તેનું ખૂન કરાવ્યું છે. કોઈક એમ પણ માનતું કે પૈસા માટે કોઈકે તેની હત્યા કરીને લાશ થાળે પાડી દીધી હતી, પણ સર્વસ્વીકૃત રીતે એમ માની લેવાયું હતું કે તેના હરીફોએ એ વખતે તેની હત્યા કરી નાખી હતી. મોશન પિક્ચરના શોધક ગુમ થયા પછી ક્યારેય ફરી વાર પિક્ચરમાં નથી આવ્યા!



રિચી એડવર્ડ : મ્યુઝિશિયનની કાર સ્યૂસાઇડ પોઈન્ટ પરથી મળી હતી

મેનિક સ્ટ્રીટ પ્રિચર્સ વેલ્સ અલ્ટરનેટિવ રોક બેન્ડ ગ્રૂપના સભ્ય અને નેવુંના દશકમાં ખૂબ લોકપ્રિય બનેલા અમેરિકન સિંગર-મ્યુઝિશિયન રિચી એડવર્ડ ૨૭ વર્ષની વયે ૧૯૯૫માં અચાનક ક્યાંક ગુમ થઈ ગયો. ૧૮ વર્ષથી તેની કોઈ જ ભાળ મળી નથી. તેની કાર એક કુખ્યાત સ્યૂસાઇડ પોઇન્ટ પરથી મળી આવી હતી, પણ તેની અન્ય કોઈ જ સામગ્રી મળી નહોતી. ત્યાર પછી આજ સુધી તેની ભાળ મળી નથી. જોકે, ૨૦૦૮માં તેને અંતે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.





એમીલિયા એરહાર્ટ : ઉડાન દરમિયાન જ આ વિમાનચાલક લાપતા!


પ્રસિદ્ધ અમેરિકન મહિલા પાઇલટ એમીલિયા એરહાર્ટ તેની સાહસિક ઉડાનો માટે જાણીતાં હતાં, પણ તે એટલાન્ટિક મહાસાગર એકલા હાથે પાર કરનારી પ્રથમ મહિલા તરીકે જગતભરમાં વધુ ઓળખાય છે. આ સાહસી મહિલા વિમાનચાલક ૧૯૩૭માં વિમાન સમેત પ્રશાંત મહાસાગરમાં હોવલેન્ડ ટાપુ આસપાસ ગુમ થઈ ગયાં હતાં. તેનું જીવન, તેની કારકિર્દી અને તેનું ગુમ થવું એ આજેય લોકોમાં રસનો વિષય રહ્યો છે. ભારે શોધખોળને અંતે ૧૯૩૯માં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં.

જિમ્મી હોફ્ફા : યુનિયન લીડરને માફિયાઓએ ગાયબ કરી દીધા!

જિમ્મી હોફ્ફા ૫૦-૬૦ના દાયકામાં અમેરિકાના શક્તિશાળી મજૂર નેતા હતા. તેને માફિયા સાથે સંબંધો હોવાની ચર્ચા ખૂબ ચાલી હતી. કહેવાય છે કે માફિયા સાથેના સંબંધો જ તેમને અંતે ભારે પડી ગયા. ૧૯૭૫ની ૩૦ જુલાઈએ બપોરે ૨ વાગ્યે તેઓ છેલ્લી વાર જાહેરમાં જોવા મળ્યા હતા. જિમ્મીએ તે દિવસે બપોરે એન્થોની જિઆક્લેન અને એન્થોની પ્રોવેન્ઝેનો નામના બે માફિયા નેતાઓ સાથે મિટિંગ નક્કી કરી હતી. નિયત સમયે મિટિંગ શરૂ તો થઈ હતી, પણ એ મિટિંગ ક્યારે પૂરી થઈ એની આજ સુધી કોઈને ખબર નથી. એ મિટિંગ પછી જિમ્મી હોફ્ફા ક્યાં ગયા એની પણ કોઈને જાણ નથી. સતત ૭ વર્ષની શોધખોળને અંતે તેમને ૩૦મી જુલાઈ, ૧૯૮૨ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જોસેફ ફોર્સ ક્રાર્ટર : આ જજના ગુમ થવા અંગે કોઈ જ જજમેન્ટ ન આવ્યું!


૧૯૩૦માં જ્યારે ન્યૂયોર્ક શહેરના જજ અચાનક ગુમ થઈ ગયા ત્યારે સમાચાર માધ્યમોથી લઈને શહેરના ખૂણે ખૂણે આ એક જ ચર્ચા થતી હતી. શહેરની આટલી વગદાર વ્યક્તિ આમ અચાનક શું કામ ગાયબ થઈ ગઈ અને કોણે ગાયબ કરી દીધી તે બધાં માટે રસનો અને કુતૂહલનો વિષય હતો. ગુમ થયા ત્યારે તે ૪૧ વર્ષના હતા અને વેકેશન પર જવાના હતા. ગુમ થયા એ પહેલાં તેમણે કોમેડી શો ડાન્સિંગ પાર્ટનર જોવા માટે એક ટિકિટ પણ બૂક કરાવી હતી. તેમણે શો જોયો કે કેમ તેની પણ કોઈને જાણ નથી. તેના ગુમ થયાનાં ૯ વર્ષ પછી તેને મૃત જાહેર કરાયા હતા. જોકે, તેમના ગુમ થવા અંગે કોઈ પાસે એક પણ પ્રકારનું જજમેન્ટ આજ સુધી નથી.

એક અભ્યાસ કહે છે કે અચાનક ગુમ થનારા લોકોમાં મોટા ભાગે માનસિક કારણ જવાબદાર હોય છે. માનસિક રોગી ક્યાંક ગાયબ થઈ જતા હોય છે અથવા તો માનસિક તાણના કારણે લોકો બધું છોડી દેતા હોવાનું બનતું હોય છે. આ સિવાય ઉત્તરાખંડ જેવી કુદરતી હોનારતોમાં અદૃશ્ય થઈ જતા લોકોનો ભાગ્યે જ ક્યારેય પત્તો મળતો હોય છે. આવા બનાવોને બાદ કરીએ તો અહીં ગુમ થયેલા બધા લોકો માનસિક બીમાર હોવાની શક્યતા સાવ નહીંવત્ છે અને તમામ જાહેરજીવનમાં પોતાના ક્ષેત્રમાં આગવી છાપ ધરાવતા હતા. એ ગુમ થયા પછી ન તો તેની કોઈ ચીજવસ્તુઓ મળી કે ન તો તેના મોતનું સાચં કારણ જાણવા મળ્યું. કદાચ એ જ કારણ હશે કે આટ-આટલાં વર્ષો વીત્યાં હોવા છતાં આ લોકો શું કામ ગુમ થયા અને કોણે ગુમ કર્યા તે પ્રશ્નો આજેય એટલા જ કુતૂહલનો વિષય રહ્યો છે.          

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -